લદાખનાં સુંદર સ્થળો કચરાના ઢગલા બની રહેશે! - Sandesh
  • Home
  • Columnist
  • લદાખનાં સુંદર સ્થળો કચરાના ઢગલા બની રહેશે!

લદાખનાં સુંદર સ્થળો કચરાના ઢગલા બની રહેશે!

 | 1:37 am IST

વિચાર સેતુ  :-  વિનીત નારાયણ

ભારતના મુગટ સમાન રાજ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે – લેહ લદાખ, શ્રીનગર ખીણની આસપાસનો પ્રદેશ અને જમ્મુ. ત્રણેયની સંસ્કૃતિ અને લોક વ્યવહારમાં ભારે અંતર છે. જો કે ત્રણેય રાજ્યમાં એકસમાન નાગરિક પ્રશાસન અને સૈન્યની હાજરી છે. ત્રણેય ક્ષેત્રમાં માળખાકીય સુવિધાના વિકાસ, તાકીદની સ્થિતિઓનો સામનો કરવામાં, દુર્ગમ પહાડો વચ્ચે સુરક્ષા અને નાગરિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પડકારભર્યા કાર્યોમાં સેનાની ભૂમિકા રહે છે.

કાશ્મીર ખીણના લોકો ભારતીય સૈન્ય સાથે ખૂબ જ રુક્ષ અને આક્રમક વ્યવહાર અપનાવે છે. તો બીજી તરફ જમ્મુમાં સૈન્ય અને નાગરિકો પરસ્પર સદ્ભાવ સાથે રહે છે. પરંતુ સૈન્યની સૌથી સારી સ્થિતિ લેહ લદાખ વિસ્તારમાં જ છે. અહીંના લોકો સૈનાનો એ વાતે આભાર માને છે કે પ્રદેશમાં સૈન્યના આગમનથી સડક અને પુલની જાળ પથરાઈ ગઈ છે અને અનેક સુવિધાનો વિસ્તાર થયો છે.

લેહ લદાખની ૮૦ ટકા વસતી બૌદ્ધ સમુદાયની છે, બાકી મુસ્લિમ છે. સાધારણ સંખ્યા ખ્રિસ્તી અને હિન્દુ છે. લેહ લદાખનો પ્રદેશ મૂળભૂત રીતે શાંતિ પ્રિય છે. પરંતુ સમયાંતરે પિૃમના મુસ્લિમ આક્રમણખોરોએ અહીં શાંતિ ભંગ કર્યો છે અને પોતાનો અધિકાર જમાવ્યો છે.

લેહ લદાખના લોકો સૈન્યને ખૂબ પ્રેમ કરે છે અને તેમને સન્માન આપે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્વ સૌથી ઊંચા ખડકાળ અને રણ જેવો પ્રદેશ એટલો દુર્ગમ છે કે અહીં કોઈપણ બાબતનો વિકાસ કરવો તે લોખંડના ચણા ચાવવા બરોબર છે. ઊંચા ઊંચા પહાડો કે જેના પર હરિયાળીને નામે વૃક્ષો તો ઠીક ઘાસ પણ નથી ઊગતું. શિયાળામાં થતી બરફવર્ષા અહીં ગમે ત્યારે આફત સર્જી શકે છે. હિમપ્રપાત કે ભેખડો ધસી પડવાને કારણે ઘણીવાર પરિવહન પણ ખતરનાક બની રહે છે. તેજ હવાઓ ચાલતી હોવાથી અહીં હેલિકોપ્ટર પણ સફળ નથી રહેતા.

ઊંચા ઊંચા પહાડોની શ્રૃંખલા એક તરફ પ્રકૃતિને આકર્ષે છે અને પ્રવાસીઓને રોમાંચિત કરે છે. લદાખના લોકો ખૂબ જ સરળ સ્વભાવના છે. સંતોષી અને કર્મઠ છે. તેમ છતાં અહીં આર્થિક વિકાસ વધુ નથી થઈ શક્યો. કેમ કે દુર્ગમ પરિસ્થિતિમાં ઉદ્યોગ વેપાર કરવો ખર્ચાળ અને જોખમ ભરેલો હોય છે. આમેય જમ્મુ-કાશ્મીરમાં અન્ય પ્રાંતના લોકાને જમીન મિલકતો ખરીદ કરવાની મંજૂરી નથી. લોકો સામાન્યપણે કામથી કામ રાખે છે. પરંતુ મેદાની પ્રદેશના લોકો માટે તેમની એક ફરિયાદ છે. આજકાલ લોકો મોટી સંખ્યામાં લેહ લદાખ જાય છે. તે પૈકી મોટી સંખ્યામાં લોકો મોટરસાઇકલ પર જ આ યાત્રા કરી લે છે. આપણે મેદાની લોકો તે સ્વચ્છ પ્રદેશમાં આપણો કચરો ફેંકીને આવતાં રહીએ છીએ અને તે રીતે વિસ્તારના પર્યાવરણને નુકસાન કરવાનું કામ કરીએ છીએ. જો આમ જ રહ્યું તો લેહ લદાખનાં સુંદર પર્યટક સ્થાનો થોડા સમયમાં કચરાના ઢગ બની રહેશે. સુંદર પ્રદેશનું નૈર્સિગક સૌંદર્ય નષ્ટ ના થાય તે હેતુસર કેન્દ્ર સરકારે સક્રિય થઈને કેટલાંક પગલાં લેવા જોઈએ.

લેહ પહોંચતાં જાણકારી મળે છે કે ત્યાંના પર્વતોમાં ખનિજ મોટા પ્રમાણમાં છે કે જેનું કદી દોહન નથી થયું. ગ્રેનાઇટ જેવા ઉપયોગી પત્થર ઉપરાંત ભારે માત્રામાં સોનું, હીરા, પન્ના અને યુરેનિયમ ભરેલું પડયું છે. ચીન તેથી જ લેહ લદાખ પ્રદેશ પર ગીધ જેવી દ્રષ્ટિ રાખે છે. કહેવાય છે કે જાપાનની સરકારે ભારત સરકારને દરખાસ્ત આપી હતી કે લેહ લદાખ પ્રદેશમાં તેને જો ખનિજ શોધવાની મંજૂરી આપે તો લેહ લદાખની માળખાકીય સુવિધાઓ પોતાને ખર્ચે કરવા તૈયાર છે. પરંતુ ભારત સરકારે તેવી મંજૂરી ના આપી. ભારત સરકારને એ વાતની ચિંતા છે કે લેહ લદાખના ખનિજ પર ગીધ જેવી નજર રાખીને બેઠેલા ચીનથી આ પ્રદેશના સીમાડાને સુરક્ષિત કઈ રીતે રાખવા. કેમ કે ચીન તરફથી વાંરવાર આ પ્રદેશમાં ઘૂસણખોરી કરવા પ્રયાસ થતાં રહે છે. તેને કારણે બંને પક્ષો વચ્ચે અથડામણ પણ થાય છે.  જમ્મુ-કાશ્મીરની સરકાર પર્યટકો પાસેથી તમામ પ્રકારના વેરા લઈ લે છે પરંતુ સમગ્ર લેહ લદાખમાં પર્યટકોની સુવિધા માટે કોઈ પ્રયાસ નથી થતા. આમિર ખાનની ફિલ્મ થ્રી ઇડિયટનું અહીં શૂટિંગ થયું છે ત્યારથી અહીં આવનારા પર્યટકોની સંખ્યા વધી ગઈ છે. પરંતુ તેને અનુરૂપ માળખાકીય સુવિધાઓ નથી વિકસી. એક વાત ચોંકાવનારી છે કે લેહ લદાખમાં પર્યટન માટે હજારો કાર અને સામાન ભરેલા ટ્રક દિવસ રાત દોડતા રહે છે. ઉપરાંત જનરેટર્સનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો રહે છે. પરંતુ પૂરા વિસ્તારમાં પેટ્રોલ ડીઝલ પંપ દૂર દૂર સુધી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે સૈન્યના ડેપોમાંથી કરોડો રૂપિયાનું પેટ્રોલ ડીઝલ ચોરી થઈને ખુલ્લેઆમ કાળા બજારમાં વેચાય છે. સંરક્ષણ પ્રધાન સીતારમણ આ બાબત પર ધ્યાન આપશે? લેહ લદાખના યુવાનો હવે જાગવા લાગ્યા છે અને પોતાના અધિકારની માગણી કરવા લાગ્યા છે. પરંતુ હજી આપણું ધ્યાન તે તરફ નથી. ભારત સરકાર તે બાબત તરફ ધ્યાન નહીં આપે તો કાશ્મીરનો આતંકવાદ લહે લદાખને પણ પોતાની લપેટમાં લઈ શકે છે.