લાડો-લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે - Sandesh
  • Home
  • Columnist
  • Chini Kam
  • લાડો-લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે

લાડો-લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે

 | 4:18 am IST

ચીની કમ

લગ્નોની મોસમ ખીલી ઊઠી છે.

પાર્ટી પ્લોટથી માંડીને મંડપવાળા અને રસોઈયાઓને નવરાશ નથી. બેન્ડવાજાવાળાઓ વ્યસ્ત છે. લગ્નવિધિ કરાવનાર મહારાજોને ઓવર ટાઈમ કામ કરવું પડે તેવી સ્થિતિ છે.

લગ્નો દિવસે દિવસે મોંઘા થતાં જાય છે. લોકો મોંઘવારીની બૂમો પાડે છે, પરંતુ લગ્નોના ભપકા જોઈ એવું કાઈ લાગતું નથી. મધ્યમ વર્ગનાં પરિવારો પણ એક લગ્નમાં સહેજે ૧૦થી ૧૫ લાખ રૂપિયા ખર્ચી નાખે છે. એક ડિશ રૂ. ૫૦૦થી નીચે હોતી નથી. રૂ. ૧,૦૦૦ની ડિશ તો સામાન્ય બાબત છે. અત્યંત પૈસાદાર ધનવાનોમાં ડેસ્ટિનેશન મેરેજનો નવો દૃષ્ટિકોણ વિકસ્યો છે. એટલે કે વર-કન્યા રહેતાં હોય અમદાવાદમાં, પણ લગ્ન લેવાય ગોવા કે ઉદેપુર કે સિંગાપોરમાં. જાનૈયાઓની એર ટિકિટથી માંડીને રહેવાની હોટલનુર્ખર્ચ લગ્ન લેનાર પાર્ટી જ ભોગવે. ઘણાં ધનવાનો આવાં ડેસ્ટિનેશન મેરેજ પાછળ રૂ. ૫૦ કરોડથી ૧૦૦ કરોડ આસાનીથી ખર્ચી નાખે છે.

૧૨ રૂપિયામાં લગ્ન

એની સામે સાદગીના દાખલા ઘણાને હવે અપ્રસ્તુત લાગે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના સહયોગી બન્યા તે પહેલાં ૧૯૧૯માં અમદાવાદમાં કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરવા આવ્યા હતા. એટલે કે આજથી લગભગ ૯૫ વર્ષ પૂર્વે તેમની માસિક આવક રૂ. ૪૦ હજાર હતી. ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ ધીકતી પ્રેક્ટિસ છોડી દીધી. સાદગી અપનાવી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક વાર જેલમાં ગયા. આઝાદી પછી તેઓ દેશના ગૃહપ્રધાન અને નાયબ વડા પ્રધાન બન્યા. આટલી ઊંચી પોઝિશન હોવા છતાં તેમણે તેમના પુત્ર ડાહ્યાભાઈના લગ્નમાં માત્ર ૧૨ રૂપિયા જ ખર્ચ્યા હતા. આજે ધન અને સત્તાનું પ્રદર્શન કરનારાઓને આ વાત નહીં ગમે.

ઘોડિયામાં લગ્ન

ચલો ઠીક. હવે ફરી એક લગ્નસરા પર આવીએ. એક જમાનામાં ભારતમાં બાળવિવાહ થતાં. છ મહિનાના બાળકની સગાઈ કરી દેવાતી. એમ ના થાય તો એ પરિવારની આબરૂ ઓછી છે તેમ મનાતું. ઈતિહાસ તો એમ કહે છે કે આજથી ૧૦૦ વર્ષ પહેલાં એક દિવસના છોકરાને પરણાવી દેવાતો. છોકરાને ઘોડિયામાંથી જ ઝડપી લહાવો લેવામાં ગૌરવ ગણાતું. ઘોડિયામાંથી જ છોકરાને ઝડપી લેવા કુળવાનોમાં હરીફાઈ થતી. તેમાંથી જ કજોડાં અને બાળલગ્નો સર્જાયાં.

રસપ્રદ વાત એ છે કે, એક જમાનામાં જાન પંદર દિવસ સુધી રોકાતી. જોકે જાનમાં ઝાઝા માણસો આવતા નહીં, કારણ કે ઘરેઘરે લગ્નો હતાં. ક્યારેક તો મા દીકરીને પરણાવવા ઘરે રહી હોય અને દીકરાને પરણાવવા પિતા જાન લઈને ગયો હોય. કન્યા ઉંમરલાયક થાય એટલે ઊજણું કરીને સાસરે મોકલી દેવામાં આવતી. અમદાવાદની પોળોમાં અને પરાંઓમાં દશૈયા ખાવાનો રિવાજ હતો. તેના પુરાવા તરીકે આજે પણ પીરસણિયા ચાલુ જ છે. પોળોમાં જમવા જવાની ટિકિટો અપાતી અને સવારે હોકા ગગડાવવામાં આવતા. એક ગામમાં તો જાનોએ ૨૭ દિવસ ધામા નાખ્યા હતા. તે પછી પાટડી દરબારે સુધારો કરાવડાવ્યો કે સાત જ  દિવસ જાન રાખવી.

પૈઠણનો રિવાજ

એવો જ એક રિવાજ પૈઠણનો હતો. દીકરીવાળાએ ખૂબ પૈસા છોકરાવાળાને આપવા પડતા. ઈતિહાસમાં નોંધ છે કે, કેટલાંક પરિવારોને તેમની પુત્રીઓ કહેવાતા ઉચ્ચ કુટુંબમાં પરણાવવા ખર્ચેલી રકમના કારણે તેઓ નિર્ધન બની ગયા હતા. ડેવિડ પોકાક નામના ઈતિહાસકારે નોંધ્યું છે કે, ૧૮૫૭માં સારા કુળોમાં વર મેળવવા સતત સ્પર્ધા રહેતી. ડેવિડ પોકાકે નોંધ્યું છે કે, એક કિસ્સામાં તો પૈઠણની રકમ ૧,૦૦,૦૦૦ પાઉન્ડ જેટલી હતી. એ વખતે પણ પુત્રી એ બોજ ગણાતો. કોઈના ઘરે પુત્રીનો જન્મ થાય તો પ્રસૂતા સ્ત્રીને પરેશાન કરવામાં આવતી. એ વખતે કહેવાતા કુળવાન પરિવારોમાં પણ બાળકીઓને દૂધ પીતી કરી નાખવાનો-એટલે કે મારી નાખવાનો શરમજનક પ્રયાસ થતો.

આઠ-આઠ પત્નીઓ

રસપ્રદ વાત એ છે કે, એક જમાનામાં પુરુષને એક પત્ની હયાત હોવા છતાં તે કહેવાતા ઊંચા કુળનો હોવાના કારણે નાતના લોકો બીજી કન્યા આપતા. આની પાછળ મોટાઈનું પ્રદર્શન હતું. કહેવાતા કુળવાન લોકો મરજી પડે એટલી સ્ત્રીઓ રાખતા. ઘણાં પુરુષોને સાતથી આઠ પત્નીઓ હોવાના દાખલા છે. પુરુષને બે-ત્રણ પત્નીઓ તો સામાન્ય બાબત હતી. જોકે અંગ્રેજોના શાસને દૂધ પીતી કરવાના રિવાજને ૧૮૭૦ પછી ફોજદારી ગુનો ગણતો કાયદો કર્યો. એ જ રીતે વર્ષો પછી એકથી વધુ પત્ની રાખવી તે પણ ફોજદારી ગુનો બન્યો.

બળદગાડામાં જાન

આઝાદી આવ્યા પછી પણ ગુજરાતનાં ગામડાંઓમાં વરરાજાની જાન ત્રણ દિવસ રોકાતી. એ જમાનામાં ગામડાંમાં વીજળી નહોતી ત્યારે લગ્નના આગલા દિવસે રાત્રે ૧૨ વાગે પેટ્રોમેક્સના અજવાળે વરઘોડો અર્થાત્ ફૂલેકું નીકળતું. જાણકાર માણસ ‘શેરડી છોલંતા આંગળી કપાણી’ જેવાં સલેખાં (શ્લોકો) બોલતો. એક સલેખું પૂરું થાય એટલે ‘રૂડો’ બોલાતો. વરઘોડામાં મશાલનો પણ ઉપયોગ થતો. બીજા દિવસે વરરાજાની જાન બળદગાડામાં જતી. ભેગી જાનરીઓ પણ હોય. વરરાજાના હાથમાં તલવાર રહેતી. જાનરીઓ ગીતો ગાતી. લગ્ન રાત્રે જ લેવાતાં. બીજા દિવસે વરરાજાને મિત્રો સાથે ગામના મંદિરમાં બેસવા માટે લઈ જવાતા. લાડુુનું જમણ પહેલા દિવસે અને બીજા દિવસે દાળ-ભાતનું પરંતુ ભાત ભરેલા પતરાળામાં વાઢીમાંથી ઘી રેડાતું. ટેસડો આવતો. ત્રીજા દિવસે વરરાજા ગાડામાં બેસી કન્યાને લઈ પાછા ફરતા. કન્યાનું મોં ઢાંકેલું જ હોય.

લગ્નગીતો

લગ્નગીતો પહેલાં જાનરીઓ ગાતી. હવે પ્રોફેશનલ પાર્ટીને બોલાવવામાં આવે છે. વરરાજાની જાન નીકળે એટલે ‘શકન જોઈ સંચરજો રે’ એ ગીત ગવાતું. તે પછી

”સોનાનો સૂરજ ઊગિયો

હું તો થાળ ભરું શગ મોતિડે.

હું તો ઉમિયાજી વધાવવા જઈશ.

મારો સોના સરીખો સૂરજ ઊગિયો.”

જેવાં ગીતો ગવાતાં.

એ જ રીતે ‘કંકુ છાંટી કંકોતરી મોકલી’ અને ‘એક ઊંચો તે વર ના જોશો રે દાદા. ઊંચો તે નીત્ય નેવાં ભાગશે’ જેવાં ગીતો હવે ભૂલાઈ ગયા છે. એ જ રીતે ‘તાંબા કુંડી સવા ગજ ઊડી, તે ઘરે બેની પરણાવજો રે’ અને ‘ગુલાબવાડી ચૌટા વચ્ચે રોપી રે’ જેવાં લગ્નગીતો હવે ભૂતકાળની વાત બની ગઈ છે. વરરાજા માંડવામાં પ્રવેશે ત્યારે-‘સીતાના ઘરે રામ પધાર્યા. લે જે પનોતી પહેલું પોંખણું’ અને ‘લાડો-લાડી જમે રે કંસાર,ઔકંસાર કેવો ગળ્યો લાગે રે’ જેવાં ગીતો સાંભળવા હૃદયંગમ હતાં.

જોકે હવે ઘણાંને લાગે છે કે, લગ્ન પછી કંસાર જોઈએ તેવો ગળ્યો રહેતો નથી.