લાડોલ જૂથ અથડામણમાં ચારેય આરોપીઓ જામીન ઉપર મુક્ત - Sandesh
  • Home
  • Mehsana
  • લાડોલ જૂથ અથડામણમાં ચારેય આરોપીઓ જામીન ઉપર મુક્ત

લાડોલ જૂથ અથડામણમાં ચારેય આરોપીઓ જામીન ઉપર મુક્ત

 | 3:35 am IST

વિજાપુર    તા.૬

વિજાપુર તાલુકાના લાડોલ ગામે ગઈ મોડીરાતે પટેલ-દરબાર કોમના ટોળા વચ્ચે થયેલી જૂથ અથડામણ બાદ પોલીસે જાતે ફરીયાદી બનીને ગામના જ ૪ જેટલા આરોપીઓ સામે નામજોગ અને પટેલ-દરબારો બંને કોમના ૯૦૦ના ટોળા સામે રાયોટીંગની ફરિયાદ નોંધી હતી. જૂથ અથડામણમાં સંડોવાયેલા અને નામજોગ જેમની સામે ફરિયાદ હતી એવા ચારેય આરોપીઓને પોલીસે ગણત્રીના કલાકોમાં ઝડપી લીધા બાદ જામીન લાયક ગુનો હોવાથી આ ચારેય આરોપીઓને મોડીરાતે જામીન પર મુક્ત કરાયા હતા. ઉલ્લેખનીય છેકે હાલ પોલીસના લોખંડી અને ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગામમાં શાંતિ પ્રવર્તી રહી છે.

તાલુકાના લાડોલ ગામે થયેલા માતાજીના હવન પ્રસંગ દરમિયાન પટેલ અને દરબાર કોમના છોકરાઓ વચ્ચે ત્રણ દિવસ પૂર્વે થયેલી બોલાચાલીએ રવિવારના રોજ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મોડીરાતે પટેલ અને દરબાર કોમના ટોળા ગામના બલભદ્ર ચોકમાં સામસામે આવી જ પથ્થરમારો કરતાં જૂથ અથડામણ સર્જાઈ હતી. ઘટનાની જાણને પગલે જિલ્લા પોલીસ વડાએ પોલીસનો કાફલો ગામમાં ઉતારી દઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સમગ્ર મામલો થાળે પાડી દીધો હતો. અને આ કેસમાં પોલીસ જાતે ફરિયાદી બનીને જૂથ અથડામણમાં સંડોવાયેલા ૪ આરોપીઓ સામે નામજોગ અને પટેલ-દરબાર કોમના ૯૦૦ના ટોળા સામે રાયોટીંગની ફરિયાદ નોંધી હતી. પોલીસે નામજોગ જેમના વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી તેવા પટેલ સંદીપ બળદેવભાઈ, પટેલ હીતકુમાર કનુભાઈ, સોલંકી મેહુલસિંહ અને બંકુ  એમ ચાર આરોપીઓની ગામમાંથી જ ધરપકડ કરી લીધી હતી. અને જામીન લાયક ગુનો હોવાથી આ ચારેય આરોપીઓને મોડીરાતે લાડોલ પોલીસે જામીન પર મુક્ત કર્યા હતા. અને અન્ય આરોપી એવા ૯૦૦ના ટોળાની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.  બનાવના બીજા દિવસે કોઈપણ જાતા અનિચ્છનીય બનાવ વિના પોલીસના લોખંડી અને ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગામમાં એકદમ શાંતિ પ્રવર્તી રહી છે.