ભાષાઓ-ટેક્નોલોજીની મદદે આગળ વધતું સ્ટાર્ટઅપ - Sandesh

ભાષાઓ-ટેક્નોલોજીની મદદે આગળ વધતું સ્ટાર્ટઅપ

 | 3:25 am IST

અર્થ અને તંત્રઃ  અપૂર્વ દવે

સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા બે વિદ્યાર્થીઓ પછીથી અલગ અલગ કંપનીમાં જોડાય છે અને ફરી પાછા એક સંયુક્ત સાહસ કરવા ભેગા થાય છે. તેઓ જે કામ કરવા તૈયાર થયા એ ટેક્નોલોજી પર આધારિત છે અને હવે તેમના સાહસની ભાવી પ્રગતિના અંદાજને લીધે તેઓ સ્ટાર્ટઅપ તરીકે નોંધનીય રકમ ભેગી કરવામાં સફળ રહ્યા છે.

આ વાત છે રજત ગર્ગ અને મનુજ ગર્ગ દ્વારા સ્થાપિત વેન્ચર ‘માય ઉપચાર’ની. આરોગ્યને લગતી બધી માહિતી મુખ્યત્વે અંગ્રેજીમાં જ હોવાથી સામાન્ય ભારતીયો તેનો ઉપયોગ કરી શકતા નથી. આથી ભારતીય ભાષાઓમાં સામગ્રી ઉપલબ્ધ કરાવવાના હેતુસર બંને ગર્ગે ‘માય ઉપચાર’ની સ્થાપના કરી છે.

આ સંયુક્ત સાહસ દ્વારા તેઓ એલોપથી, આયુર્વેદ અને હોમિયોપથી જેવી ઉપચાર પદ્ધતિઓનું લખાણ ૧૩ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા માગે છે. આ કામમાં વિશ્વસનીયતા લાવવા તેમણે ડોક્ટરોને સાંકળ્યા છે. રજત અને ગર્ગ સ્ટેન્ફર્ડમાં ભણ્યા બાદ મનુજે બીસીજીમાં જોડાઈને ધ ગેટ્સ ફાઉન્ડેશન માટે કામ કર્યું જ્યારે રજતે અમેઝોનમાં સેવા આપી. ભારતીય ભાષાઓમાં આરોગ્યવિષયક માહિતી વિશ્વસનીયને બદલે ગેરમાર્ગે દોરનારું વધારું હોય છે. આથી તેમણે ભરોસાપાત્ર લખાણ પૂરું પાડવાનું બીડું ઝડપ્યું.

‘માય ઉપચાર’માં માત્ર લખાણ નહીં હોય, તેના સ્થાપકો આ માધ્યમ પર વીડિયો, વોઇસ અને વર્ચ્યુઅલ રિયાલિટીનો પણ ઉપયોગ કરવાના છે. હાલ આ સ્ટાર્ટઅપની વેબસાઇટ હિન્દીમાં બનાવાઈ છે અને વાંચકોના સવાલોના જવાબ આપવામાં આવે છે.

કંપનીના સ્થાપકો કહે છે કે આગામી બે વર્ષમાં તેઓ ટેક્નોલોજી અને લેખિત સામગ્રીની મદદથી લોકોમાં આરોગ્યવિષયક જાગરૂકતા લાવવા માગે છે. માય ઉપચારને ભારતીય ભાષાઓમાં આરોગ્યલક્ષી સામગ્રી અને સેવાની બધી જ જરૂરિયાત પૂરી પાડનારું માધ્યમ બનાવવાનું તેમનું આયોજન છે.

આગામી દિવસોમાં વોઇસ સર્ચ અને ટેક્સ્ટ ટુ સ્પીચ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી જે વાંચકો ટાઇપ કરી શકતા નથી તેઓ બોલીને સર્ચ કરી શકશે અને જેમને ફોન પર વાંચવામાં તકલીફ પડે છે તેઓ ટેક્સ્ટ ટુ સ્પીચ દ્વારા લખાણને સાંભળી શકશે.

‘માય ઉપચાર’માં ભાવી સંભાવનાઓ દેખાતાં નેક્સસ વેન્ચર્સ પાર્ટનર્સ, ઓમિડ્યાર નેટવર્ક અને શુનવેઇ કેપિટલે તેમાં ૫૦ લાખ ડોલરનું રોકાણ કર્યું છે. આ રોકાણની મદદથી કંપની ટેક્નોલોજી વિકસાવશે અને વાંચકો સાથે સંવાદ સાધવા માટેના નવાં નવાં માધ્યમો પૂરાં પાડશે એમ કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે અત્યાર સુધીમાં આ સ્ટાર્ટઅપની વેબસાઇટનો એક કરોડથી વધુ લોકો ઉપયોગ કરી ચૂકયા છે. તેમાં પુછાતા પ્રશ્નોના જવાબ ડોક્ટરો આપે છે. આગામી દિવસોમાં યૂઝરની સંખ્યા ૫૦ કરોડ કરવાની મહત્ત્વાકાંક્ષા રાખવામાં આવી છે.

ભારતમાં આરોગ્ય ક્ષેત્ર વર્ષ ૨૦૧૬ના ૧૦૦ અબજ ડોલરના મૂલ્યથી વધીને વર્ષ ૨૦૨૦ સુધીમાં ૨૮૦ અબજ ડોલરનું ક્ષેત્ર બનવાનો અંદાજ છે. આવામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ અસરકારક સેવાઓ આપી શકનારી કંપનીઓ-સ્ટાર્ટઅપ માટે ઉજ્જવળ સંભાવનાઓ છે. સરકારે પણ ૧૨મી પંચવર્ષીય યોજનાના અંતે આરોગ્યસેવા પાછળ કુલ રાષ્ટ્રીય પેદાશના ૨.૫ ટકા જેટલી રકમ અને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩ ટકા રકમ ખર્ચવાનું નક્કી કર્યું છે. વળી, વડા પ્રધાન મોદીએ દેશની અલગ અલગ જરૂરિયાતોને ટેક્નોલોજીની મદદથી પૂરી કરવા વારંવાર ઇજન કર્યું છે. આથી જે સ્ટાર્ટઅપ આ ઉદ્દેશ્યની પૂર્તિ કરી શકશે તે ચોક્કસપણે વિકાસ સાધી શકશે.