જાણો લેપટોપના શોધક જ્હોન એલેન્બી વીશે - Sandesh
  • Home
  • Kids Corner
  • જાણો લેપટોપના શોધક જ્હોન એલેન્બી વીશે

જાણો લેપટોપના શોધક જ્હોન એલેન્બી વીશે

 | 11:01 am IST

ચાર્લ્સ બેબેજનો કમ્પ્યૂટરનો પ્રાથમિક તબક્કો, ત્યારબાદ કમ્પ્યૂટરનું વિશ્વમાં આગમન- આ બે પ્રારંભિક ઘટનાઓએ સમગ્ર વિશ્વના સીમાડાઓ ઓગાળી નાખ્યા હતા. વિશ્વ આખું કમ્પ્યૂટરનો ડેટાબેઝ બનવા જઈ રહ્યું હતું. પણ એ તબક્કામાં બનેલાં અને વ્યવહારમાં આવેલાં કમ્પ્યૂટર્સ કદમાં વિશાળ અને ભારેખમ હતાં.

જ્હોન એલેન્બી-કોઈ જ એન્ગલથી વૈજ્ઞાાનિક ન હતો. પણ તેની શોધ આજના યુગને રોકેટની ઝડપે આગળ લઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવી ગઈ. ૧૯૪૧માં લંડનમાં જન્મેલ મૂળ તો ઈકોનોમિક્સ અને જ્યોગ્રાફીનો સ્નાતક. પણ પહેલીવાર નોકરીએ લાગ્યો અને કમ્પ્યૂટરના દર્શન થયાં અને ઈકોનોમિક્સનો આ માણસ ત્યારે જ એટલું સમજી ગયો કે આ ઉપકરણ જગતની આવતીકાલ બદલી નાખે તેટલું સક્ષમ છે.

તેનું મગજ જ હવે ઓટોરન મોડમાં મુકાઈ ગયું હતું. હરપળ એક જ વિચાર… કમ્પ્યૂટરમાં વિશેષ શું થઈ શકે? અને એ જ ઓટોરન પ્રોસેસ જહોનને એક નવતર આઈડિયા તરફ લઈ ગયો. જહોને વિચાર્યું કે કેમ આ મોટી સાઈઝના કમ્પ્યૂટર્સને નાનકડાં-ઈઝી ટુ કેરી- સહેલાઈથી ઉપાડીને એકથી બીજી તરફ લઈ જઈ શકાય તેવાં ન બનાવી શકાય!

લંડનમાં નોકરી કરતાં કરતાં જરૂરી અનુભવ લઈને એ અમેરિકા ગયો. જ્યાં તેને ખ્યાતનામ ‘ઝેરોક્સ’ કંપનીમાં નોકરી મળી ગઈ. (ઝેરોક્સ એક કંપનીનું નામ છે, જેના મશીન્સ ‘ફોટોકોપી’ કરે છે. આપણે દરેક ફોટોકોપીઅસર મશીનને ‘ઝેરોક્સ’ નામ આપી દીધું છે.) ઝેરોક્સમાં પણ કમ્પ્યૂટર સાથે સારો એવો પનારો પડયો અને એ અનુભવે તેના વિચારોના ઓટોરન મોડને જાણે વધારાની રેમ પૂરી પાડી દીધી. હવે પોતાના વિચારોને આકાર આપવાનો સમય થઈ ચૂક્યો હતો. એટલે કંપનીમાં જ એક અલ્ટો કમ્પ્યૂટરનો પ્રોજેક્ટ રજૂ કર્યો. સદ્ભાગ્યે કંપનીએ એ નવીન આઈડિયા સ્વીકાર્યો પણ ખરો. પણ પ્રોજેક્ટ હજી આગળ વધે તે પહેલા કંપનીને આર્થિક તંગી નડતાં આખો પ્રોજેક્ટ જ ‘શિફ્ટ-ડીલીટ’ થઈ ગયો.

જ્હોને વિચાર્યું કે ‘ઝેરોક્સ’ને પડતી મૂકીએ, ચાલો હું જ મારી કંપની બનાવીને અલ્ટો કમ્પ્યૂટર બનાવી નાખું. એટલે ઝેરોક્સના જ બે-ત્રણ મિત્રોને લઈને પોતાની કંપની સ્થાપી દીધી. હજી જ્હોન પોતે ડિઝાઈન બનાવી, આ નાનકડાં કમ્પ્યૂટર્સ બનાવીને માર્કેટમાં મૂકી દીધાં. પરિણામે જ્હોનના નાના કમ્પ્યૂટર્સના પાર્ટ્સ જોડાય એ પહેલાં તો જ્હોનની કંપનીના પૂર્જાઓ છૂટા પડી ગયા. નિષ્ફળતાનું વાયરસ બરોબરનું સ્થાન જમાવી બેઠું હતું. તો સામે જ્હોનની મક્કમતા એન્ટી વાયરસ જેવી હતી. જ્હોન સતત માર્કેટ રિસર્ચ કરવામાં વ્યસ્ત રહેતો હતો.

અને અચાનક, વ્હાઈટહાઉસ તરફથી કમ્પ્યૂટર્સ પૂરાં પાડવાનો એક કોન્ટ્રાક્ટ મળી ગયો. શરત એટલી જ હતી કે જે કમ્પ્યૂટર્સ સપ્લાય કરવામાં આવે તે વજનમાં હલકાં હોય, કદ નાનું હોય અને જેણે સરળતાથી હેરફેર કરી શકાય. જ્હોનને તો દોડવું હતું ને ઢાળ મળ્યા જેવો ઘાટ થયો. આજના લેપટોપના જન્મ થવાની ઘડીઓ ગણાવા લાગી હતી.

દરમ્યાન, બ્રિટનથી પ્રોડક્ટ ડિઝાઈનિંગ કરી અમેરિકામાં સ્થાયી થયેલા એક વ્યક્તિનો સંપર્ક થયો. જ્હોને શરત મૂકી, જે  ડિઝાઈન બને એ બને તેટલી કોમ્પેક્ટ, બ્રિફકેસની સાઈઝના કમ્પ્યૂટરની જ હોવી જોઈએ. ડિઝાઈનરે તક ઝડપી લીધી. તેણે જ્હોનની ઈચ્છા મુજબની જ ડિઝાઈન બનાવી આપી અને તેમાં જ્હોનના વિચારોની કાબેલિયતથી વિશ્વનું સૌથી પહેલું લેપટોપ જન્મ્યું- જેનું નામ હતું ‘ગ્રીડ કમ્પાસ’ આજની તારીખે લેપટોપ શબ્દ જ તેના ઈતિહાસની સાક્ષી છે.

ઈકોનોમિક્સ-જ્યોગ્રાફીનો સ્નાતક, કમ્પ્યૂટરનું ભવિષ્ય પારખી લીધા પછી પણ તેમાં અતિશય પ્રયાસો કરવા છતાં પણ અનેક નિષ્ફળતાનો શિકાર બન્યો. પણ અંતે હિંમત હાર્યા વગર બહેતરીન કમબેક કરીને લેપટોપના રૂપમાં આખું વિશ્વ લોકોના ખોળામાં મૂકી દીધું.