Large crops of peanuts but farmers-oil millers upset due to profiteering by organizations
  • Home
  • Business
  • મગફળીના મોટા પાકે પણ ખેડૂતો- ઓઇલ મિલરો પરેશાન, સંસ્થાઓ દ્વારા નફાખોરી

મગફળીના મોટા પાકે પણ ખેડૂતો- ઓઇલ મિલરો પરેશાન, સંસ્થાઓ દ્વારા નફાખોરી

 | 11:30 am IST

એગ્રિ કોમોડિટી પ્રત્યે સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગ્રાહકો લક્ષી ઉત્કૃષ્ટ પગલાં લેવાઈ રહ્યાં છે પરંતુ માત્ર કાગળ પર જ… ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનું ખરીફ તેમજ ઉનાળુ ઉત્પાદન વધ્યું હોવા છતાં ગ્રાહકોને સસ્તુ સિંગતેલ મળ્યું નથી જેની પાછળનું મુખ્ય કારણ છે મગફળીમાં રાજકારણ…ખેડૂતો તેમજ ઓઇલ મિલરો પાસે મગફળીનો સ્ટોક નથી બીજી તરફ ગુજરાતમાં સરકારી એજન્સી નાફેડ પાસે મોટા પાયે સ્ટોક છે પરંતુ તેઓ નફાખોરી તરફ વળી છે. જો સંસ્થાઓ દ્વારા નફાખોરી બંધ થાય અને ઝડપી પુરવઠો પૂરો પાડવામાં આવે તો જ સિંગતેલના ભાવ સુધરતા અટકી શકે છે.

મગફળીના ઉત્પાદનને ધ્યાનમાં લેતા સિંગતેલના ડબ્બાના ભાવ રૂ.૨,૨૦૦-૨,૩૦૦થી વધુ ન હોવા જોઈએ પરંતુ અત્યારે રૂ.૨,૪૦૦ આસપાસ બોલાઈ રહ્યાં છે જેની પાછળનું મુખ્ય કારણ નાફેડ દ્વારા પ્રીમિયમ ભાવમાં પણ વેચવાલી નથી. નાફેડે ગતવર્ષે મગફળીની રૂ.૫,૦૦૦ના ભાવે પ્રતિ ક્વિન્ટલ ખરીદી હતી જે આ વર્ષે ૫,૧૦૦ના ભાવે ખરીદ કરી છે તેની સામે અત્યારે રૂ.૬,૦૦૦-૬,૩૦૦ના ભાવે વેચાણ કરી રહી છે.

ઊંચા ભાવમાં પણ દૈનિક ધોરણે ૨,૦૦૦-૨,૫૦૦ ટનનો માલ જ છૂટો કરી રહી હોવાનું ઓઇલ મિલ ટ્રેડરોનું કહેવું છે. ઓઇલ મિલરોને જો માલ નહીં મળે તો બંધ કરી દે તેવી સ્થિતિમાં છે. લોકડાઉનના કારણે દેશમાં ખાદ્યતેલોની આયાત સતત ઘટી રહી છે બીજી તરફ જો સ્થાનિકમાં ઓઇલ મિલરો ઉત્પાદન બંધ કરશે તો સિંગતેલના ભાવ વધુ ભડકે બળશે.

કોરોના વાઇરસ જેવી મહામારી વચ્ચે મોટા ભાગની ચીજવસ્તુઓની કિંમતમાં ઝડપી સુધારો થયો છે. ઓઇલ મિલોને કાચા માલની અછત સર્જાતા અને બીજી તરફ માગ જળવાઈ રહેતા સિંગતેલ ડબ્બો રૂ.૨,૪૦૦ની સપાટી આસપાસ રહ્યો છે. ગુજરાતના મોટા ભાગના તમામ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજો શરતોને આધીન શરૂ થયા છે પરંતુ મગફળીનો સ્ટોક નથી. માત્ર નાફેડ પાસે સ્ટોક છે પરંતુ તેઓની વેચવાલી નથી. ઉનાળુ પાકનો અંદાજ બમણાથી વધુ એટલે કે ૧.૫ લાખ ટનનો અંદાજાઈ રહ્યો છે પરંતુ નવી આવકો શરૂ થતા એકાદ સપ્તાહ લાગી જશે.

ત્યાં સુધી સરકારી ખરીદી (નાફેડ) દ્વારા થયેલી છે તેમાંથી પુરવઠો પૂરતા પ્રમાણમાં રિલીઝ કરવામાં આવે તે જરૂરી છે. દેશમાં સસ્તા ખાદ્યતેલોની આયાત ઝડપી વધી રહી છે તેને અટકાવવા માટે સરકારે રિફાઇન્ડ પામતેલની આયાત પર પ્રતિબંધ મૂકવા સાથે અન્ય ખાદ્યતોલની આયાત ડયૂટીમાં વધારો કર્યો છે જેના કારણે આયાતમાં છેલ્લા ચારેક માસથી સતત ઘટાડો થઈ રહ્યો છે. તાજેતરમાં એપ્રિલ માસમાં ખાદ્યતેલોની આયાતમાં ૧૬ ટકાનો ઘટાડો થઈ આયાત ૮ લાખ ટનની અંદર રહી છે. તેની સાથે છેલ્લા બે વર્ષથી સરકારે બલ્ક ખાદ્યતેલોની નિકાસને વેગ આપ્યો હોવાથી નિકાસમાં વધારો નોંધાયો છે. દેશમાં ખાદ્યતેલોની માગ સામે ઉત્પાદન હજુ પણ ઓછું છે.

દેશમાં ખાદ્યતેલોનું ઉત્પાદન સરેરાશ ૭૫થી ૯૦ લાખ ટનનું છે જેની સામે વપરાશ ૨૪૫-૨૫૦ લાખ ટનનો છે. આવા સંજોગોમાં દેશમાં વાર્ષિક સરેરાશ ૧૫૫ લાખ ટનની આયાત થઈ રહી છે. જોકે, ચાલુ વર્ષે ખાદ્યતેલોની આયાત ૧૨૫-૧૩૦ લાખ ટન વચ્ચે રહી જાય તેવો અંદાજ છે. કોરોના વાઇરસના કારણે અત્યારે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે આયાત-નિકાસ વેપારો અટવાઈ પડયા છે. એટલું જ નહીં હજુ આગામી બે માસ સુધી આયાત-નિકાસ વેપારમાં ઝડપી વૃદ્ધિ થાય તેવા સંકેતો નથી. દેશમાં ચાલુ સિઝન એટલે કે નવેમ્બર ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં દેશમાં ૬૧.૮૨ લાખ ટનની આયાત રહી છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં ૭૨.૦૩ લાખ ટનની રહી હતી. વૈશ્વિક બજારોમાં પામતેલની કિંમતો સતત ઘટી રહી છે.

ખેડૂતોને ચાલુ વર્ષે તેલીબિયાં પાકોમાં સારા ભાવ મળી રહ્યાંના અહેવાલો છે. ખેડૂતો માટે ઉનાળુ સિઝન લાભદાયી બની રહે તેવો આશાવાદ છે, કેમકે ખાદ્યતેલોમાં તેજી, બજારમાં ઊંચા ભાવનો ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે. સરકારે ખાદ્યતેલોની આયાતને બ્રેક મારવા માટે આયાત ડયૂટીમાં કરવામાં સતત આવેલા વધારાના કારણે તેમજ બે-ત્રણ મહિનાથી રૂપિયા સામે ડોલર સતત મજબૂત બની રહ્યો હોવાથી દેશમાં આયાત ઘટી રહી છે જેની સીધી અસર પણ બજાર ભાવ પર જોવા મળી છે.

સરકાર સિંગતેલ સસ્તુ વેચો, મિલરો મગફળીમાં નફાખોરી અટકાવો

સરકાર અને ઓઇલ મિલરો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. એક તરફ સરકાર સિંગતેલ સસ્તુ વેચવા પર ઓઇલ મિલરો પર દબાણ કરી રહી છે પરંતુ બીજી તરફ સરકારી એજન્સી નાફેડ મગફળીમાં નફખોરી વસૂલી રહી છે. ઓઇલ મિલરોને ડિસ્પેરિટી છે જેના કારણે સિંગતેલ ડબ્બો ૨,૪૦૦ આસપાસ પહોંચ્યો છે. ખેડૂતો તેમજ વેપારીઓ પાસે મગફળીનો સ્ટોક નથી. બીજી તરફ નાફેડ ક્વિન્ટલ દીઠ રૂ.૧,૦૦૦-૧,૩૦૦ સુધી ઊંચા ભાવે એટલે કે ૬,૦૦૦-૬,૩૦૦ના ભાવે માલ વેચી રહી છે. ઊંચા ભાવે પણ પૂરતી માત્રામાં વેચાણ નથી. જો સરકાર પૂરતી માત્રામાં અને યોગ્ય ભાવે વેચાણ નહીં કરે તો સિંગતેલ ડબ્બો ૨,૫૦૦ સુધી પહોંચી શકે છે.

ખાદ્યતેલોની આયાત એપ્રિલમાં ઘટી ૮ લાખ ટન અંદર

આકરી ડયૂટી, રિફાઇન્ડ પામતેલની આયાત પર પ્રતિબંધ અને ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો હોવાના કારણે દેશમાં ખાદ્યતેલોની આયાતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એપ્રિલ માસમાં ખાદ્યતેલોની આયાત ૧૬ ટકા ઘટી ૭.૯૦ લાખ ટન રહી છે. ચાલુ વર્ષે દેશમાં ખાદ્યતેલોની આયાત ઘટી ૧૨૫-૧૩૦ લાખ ટન આસપાસ રહી જશે જે અગાઉના વર્ષે ૧૫૬ લાખ ટનથી વધુ રહી હતી. ખાદ્યતેલોની આયાતમાં ઘટાડા સામે તેલીબિયાં ખોળની નિકાસમાં વૃદ્ધિ થાય તેવા સંકેતો મળી રહ્યાં છે.

કોમોડિટી વોચ : મિનિતા દવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન