મોટા ઘરની વહુ પણ ટિફિન સેવા દ્વારા આત્મનિર્ભર બની - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • મોટા ઘરની વહુ પણ ટિફિન સેવા દ્વારા આત્મનિર્ભર બની

મોટા ઘરની વહુ પણ ટિફિન સેવા દ્વારા આત્મનિર્ભર બની

 | 2:01 am IST

વિરલ રાવલ

મહિલાઓ હંમેશાં પુરુષ સમોવડી બનવા માટે તનતોડ પ્રયત્નો કરે છે, પરંતુ તે એ વાત કેમ ભૂલી જાય છે કે તે પુરુષ સમોવડી નહીં, પરંતુ તેમનાથી ક્યાંય આગળ છે. કારણ કે તેઓ મહિલા તરીકે જ નહીં, પરંતુ જીવનમાં એક સાથે અનેક ભૂમિકાઓ ભજવે છે અને તે પણ ખૂબ જ સફ્ળતાપૂર્વક. પહેલાં સમય હતો કે મહિલાઓ માટે રસોડું અને બાળકોને પેદા કરવા અને તેમનો ઉછેર જ સર્વસ્વ રહેતા, પરંતુ આજે તેણે દરેક કાર્યક્ષેત્રમાં પોતાની એક અદ્ભુત ઓળખ બનાવી છે. મહિલાઓ મલ્ટી ટાસ્કિંગ પુરુષ કરતા ખૂબ સારી રીતે કરી જાણે છે અને તે જ તેની મહાનતામાં ચાર ચાંદ લગાવે છે. આજની મહિલા ગૃહકાર્ય તો બખૂબી કરે જ છે, પરંતુ સાથે સાથે બાળકોનો ઉછેર અને નાણાકીય રીતે આત્મનિર્ભર થવા માટે પણ તનતોડ કામ કરે છે. આવી મહિલાઓ આર્થિક રીતે જ નહીં સામાજિક રીતે પણ પુરુષો કરતાં ચડીયાતી હોય છે. આ બધાની સાથે સાથે પોતાના શોખ અને પોતાને ગમતી જિંદગી જીવવાનું ભૂલતી નથી.  જાત મહેનત અને અથાગ પરિશ્રમથી આગળ આવેલી આવી જ મહિલાઓના પ્રેરક ઉદાહરણ જોઈએ.

બે બાળકોના માતા ૩૯ વર્ષનાં વિનિતાબેન ભટ્ટ પોતે ખૂબ જ ભણેલા ગણેલા (આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી ધરાવનાર) આજે બાળકોની જવાબદારી તો સારી રીતે સંભાળે જ છે, પરંતુ પતિ કામકાજ અર્થે મુંબઈ રહેતા હોવાથી ઘરની અને બહારની તમામ કામગીરી તેઓ એકલા હાથે નિભાવે છે. તેઓ ક્યારેય પોતાના પર આવેલા કામનાં બોજા વિશે રોદણા નથી રોતા. તેઓ  પતિ તરફ્થી જોબ કરવા માટે મળતું પ્રોત્સાહન અને આવડતથી આજે એક સારી કરિયર ધરાવે છે. વૃદ્ધ સાસુ-સસરા અને કૌટુંબિક જવાબદારીઓ તો ઉપાડે જ છે ઉપરાંત ઘરનો નાણાકીય બોજ ઉઠાવવામાં પણ પતિને ખૂબ મદદરૂપ બને છે. પોતાના કરિયર અને એક ગૃહિણી તરીકેની પોતાની જવાબદારીઓને બેલેન્સ કરીને વિનિતાબેને આજે એક સફ્ળ આત્મનિર્ભર ગૃહિણી અને ર્વિંકગવુમન તરીકેના સોપાન સર કર્યા છે. લગ્ન પહેલા પોતાના ખર્ચ માટે પિતા પાસે ક્યારેય હાથ લાંબો ન કરનાર વિનિતાબેન તેમના આ ક્રમને લગ્ન બાદ આજે પણ અડગ રીતે વળગી રહ્યાં છે. વિનિતાબેન આજની મહિલાને મળતી સ્વતંત્રતા અને તેના યોગ્ય ઉપયોગથી ઊભી કરેલી આત્મનિર્ભરતાનું સાર્થક ઉદાહરણ કહી શકાય. વિનિતાબહેનની આ જર્ની આજની ર્વિંકગવુમન અને ઘરની બેવડી જવાબદારી સંભાળતી સ્ત્રીઓ માટે મીસાલ કાયમ કરે છે.

આવું જ એક બીજુ ઉદાહરણ રીના બારોટનું છે. પિયરમાં ખૂબ જ સ્વતંત્રતા ભોગવી ચૂકેલા ૨૮ વર્ષનાં રીનાબેન લગ્ન પહેલાં સારા પગારે નોકરી કરતાં હતાં. પરંતુ જ્યારે પરણીને સાસરે આવ્યાં તો બહાર જઈને કામ કરવાની તો વાત જ ક્યાં કરવી,તેવી પરિસ્થિતિમાં રહેવાનું આવ્યું.  પરંતુ પહેલેથી આત્મનિર્ભરતાના પાઠ ભણેલા રીનાબેન માટે એક માત્ર ગૃહિણી તરીકે જીવન જીવવામાં મન કચવાતું હતું. આથી તેમણે નક્કી કર્યું કે એવું કંઈક કરવું કે જેથી સાસરામાં કોઈ વિખવાદ ન થાય અને પોતાની ઈચ્છા પણ પૂરી કરી શકે.  તેથી તેમણે વચ્ચેનો કોઈ એવો રસ્તો શોધવાનું પસંદ કર્યું જેમાં ઘર પણ સચવાય અને પોતાના કામનાં પેશન માટે ઘરની બહાર પણ ન જવું પડે. તેમણે જોયું કે એકલા એકલા રહેતા લોકો માટે ઘરનું ભોજન ખૂબ મુશ્કેલથી મળતું હોય છે. આ જોઈને તેમને વિચાર પ્રગટયો કે જો હું મારા રસોઈની સ્કીલનો ઉપયોગ કરીને ટીફીન સેવા શરૂ કરું તો ઘરનું ઘર પણ સચવાય અને કમાણી પણ થાય અને ઘરનું જમવાનું ઈચ્છતા લોકોને સાત્વિક ભોજન પણ મળી રહે. તેથી  તેમણે પૂરા મનથી ટિફ્નિસેવા શરૂ કરી. શરૂઆતમાં પરિવારે સહકાર ન આપ્યો. કામ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી, પરંતુ આમ છતાં અડગ મનના રીનાબેને કામ કરવાનું ચાલુ રાખ્યું. પરિવારને ડર હતો કે આમ કરવામાં તે કદાચ ગૃહકાર્ય અને બાળકોનું ધ્યાન રાખી શકશે નહીં. પરંતુ મનોસ્થિતિનાં આ નાજુક સમયે રીનાબહેન પોતે જ પોતાને પ્રોત્સાહિત કરીને હોથ ધરેલું કાર્ય આગળ વધાર્યું.

થોડા સમયની અંદર જ  રીનાબેને બધાને ખોટા પાડયાં અને આજે ખૂબ જ સારી રીતે ઘર અને બાળકો સાચવે છે અને સાથે સાથે તેમની ટિફ્નિ સેવા પણ લોકોમાં એટલી જ લોકપ્રિય છે.  તે ઉપરાંત આજે રીનાબહેનને ઘરનાં તમામ વ્યક્તિનો પૂરેપૂરો સપોર્ટ છે. તેમણે પોતાના મનની મક્કમતા અને અથાગ પરિશ્રમથી ઘરનાં દરેક વ્યક્તિનાં મનમાં આગવુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે રીનાબહેનનો ટીફીન સર્વીસનો બિઝનેસ ખૂબ જ સફળતાથી ચાલી રહ્યો છે. ઘરથી દૂર  એવા લોકો માટે રીનાબહેને સાક્ષાત અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યુ છે. તો બીજી તરફ ઘર અને બિઝનેસને બેલેન્સ રાખીને કમાણી કરી પરિવારને પણ પોષ્યો છે.   મન હોય તો માળવે જવાય.. આ કહેવત રીનાબેન સાર્થક કરે છે. વિનિતાબહેન અને રીનાબહેને ખુદની મદદ કરી આગળ વધવાની હિંમત દાખવી તે બદલ મહિલા દિને તેમને નારીના સલામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન