અંતિમ ૭ મિનિટ, ૩ ગોલ અને બાર્સેલોના અંતિમ -૮માં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • અંતિમ ૭ મિનિટ, ૩ ગોલ અને બાર્સેલોના અંતિમ -૮માં

અંતિમ ૭ મિનિટ, ૩ ગોલ અને બાર્સેલોના અંતિમ -૮માં

 | 2:05 am IST

બાર્સેલોના, તા. ૯

અકલ્પનીય, અવિશ્વસનીય, ચમત્કારિક આ શબ્દો બાર્સેલોના અને પેરિસ સેન્ટ જર્મન વચ્ચે રમાયેલી ફૂટબોલ ચેમ્પિયન્સ લીગની પ્રિ-ક્વાર્ટર ફાઇનલના સેકન્ડ લેગ મુકાબલામાં બાર્સેલોના માટે ઉપયોગ કરવા અતિશયોક્તિ નહીં ગણાય. બાર્સેલોનાએ યુરોપિયન ફૂૂટબોલના ઇતિહાસના નોકઆઉટ સ્ટેજમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં પેરિસ સેન્ટ જર્મનને ચેમ્પિયન્સ લીગના સેકન્ડ લેગ મુકાબલામાં ૬-૧થી કચડી નાખી કુલ ૬-૫ના અંતરથી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. બાર્સેલોનાની ટીમ આ સાથે સતત ૧૦મી વખત ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગત ૧૪મી ફેબ્રુઆરીએ પેરિસમાં રમાયેલા ફર્સ્ટ લેગ મુકાબલામાં પેરિસ સેન્ટ જર્મને પોતાના હોમ ગ્રાઉન્ડ પર બાર્સેલોનાને ૪-૦થી કચડી નાખ્યું હતું. યુરોપિયન લીગના અત્યાર સુધીના ઇતિહાસમાં નોકઆઉટ સ્ટેજમાં આ પહેલાં કોઈ પણ ટીમ ૦-૪થી પાછળ રહ્યા બાદ સેકન્ડ લેગમાં ભવ્ય જીત મેળવી શકી નહોતી. જેને કારણે બાર્સેલોના સામે પણ સેકન્ડ લેગમાં આશા નહોતી. બાર્સેલોનાને પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમવાનું હોવા છતાં તેની જીતનો રેશિયો સાત ટકા જ માનવામાં આવી રહ્યો હતો પરંતુ છેલ્લી ત્રણ મેચથી ફોર્મમાં રહેલી બાર્સેલોનાને મેસ્સી, સુઆરેઝ અને નેયમારના ગોલની મદદથી અકલ્પનીય જીત મેળવી અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી.

પોતાના હોમ ગ્રાઉન્ડ કેમ્પ નાઉમાં ૯૬,૨૯૦ પ્રશંસકોની હાજરીમાં બાર્સેલોનાએ મેચની શરૂઆતથી જ પોતાની પકડ બનાવી હતી. મેચની ત્રીજી મિનિટે સ્ટાર સ્ટ્રાઇકર લુઇસ સુઆરેઝે ગોલ ફટકારી બાર્સેલોનાને ૧-૦ની લીડ અપાવી હતી. રસાકસી ભરેલી મેચની ૪૦મી મિનિટે આન્દ્રેસ ઇનિએસ્તાની મહેનત રંગ લાવી હતી. ઇનિએસ્તાના ગોલને રોકવાના પ્રયાસમાં ફ્રાન્સના ડિફેન્ડર કુર્ઝાવાએ આત્મઘાતી ગોલ કરતાં બાર્સેલોનાને ૨-૦ની લીડ મળી ગઈ હતી. પ્રથમ હાફ પૂર્ણ થયો ત્યારે બાર્સેલોનાએ ૨-૦ની લીડ જાળવી રાખી હતી.

મેચની ૫૦મી મિનિટે બાર્સેલોનાને પેનલ્ટી મળી હતી જેને મેસ્સીએ ગોલમાં તબદીલ કરતાં બાર્સેલોનાએ ૩-૦ની સરસાઈ મેળવી લીધી હતી. આ ગોલ સાથે બાર્સેલોના પેએસજીના ફર્સ્ટ લેગના ચાર ગોલની નજીક પહોંચી ગયું હતું પરંતુ મેચની ૬૨મી મિનિટે પીએસજીના સ્ટ્રાઇકર કવાનીએ આ સિઝનનો ૩૮મી અને ચેમ્પિયન્સ લીગનો આઠમો ગોલ કરી બાર્સેલોના સામે કુલ ૫-૩ની લીડ મેળવી હતી. પીએસજીના એક અવે ગોલને કારણે બાર્સેલોનાને આ મેચ જીતી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ત્રણ ગોલ કરવા જરૂરી બની ગયા હતા. મેચ જેમ જેમ આગળ વધી રહી હતી તેમ તેમ બાર્સેલોના અને પીએસજીના ખેલાડીઓ વચ્ચે દબાણ પણ જોવા મળી રહ્યું હતું. મેચ અંતિમ મિનિટોમાં પહોંચી ત્યારે બાર્સેલોનાના કોચ લુઇસ એનરિક પણ માની રહ્યા હતા કે, તેમની ટીમ બહાર થઈ જશે પરંતુ મેચની ૮૮મી મિનિટે બ્રાઝિલિયન ફૂટબોલર નેયમારે ફ્રી કિક દ્વારા ગોલ કરી ટીમને ૪-૧ની લીડ અપાવ્યા બાદ ૯૦+૧ વન મિનિટમાં બાર્સેલોનાને મળેલી પેનલ્ટીને નેયમારે ગોલમાં તબદીલ કરી ટીમને ૫-૧થી આગળ કરી દીધું હતું. હવે બાર્સેલોનાને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે એક ગોલની જરૂર હતી ત્યારે મેચની અંતિમ મિનિટ (૯૦+૫)મિનિટમાં નેયમારના પાસને સર્જી રોબર્ટોએ ગોલમાં તબદીલ કરી બાર્સેલોનાને અકલ્પનીય જીત અપાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.   આ સાથે બાર્સેલોનાએ ચેમ્પિયન્સ લીગમાં ૩૦૦મી જીત નોંધાવી હતી અને આ સિદ્ધિ મેળનાર પ્રથમ ટીમ બની ગઈ હતી.

અબુમેયાંગની હેટ્રિક, ડોર્ટમંડ અંતિમ આઠમાં

પીયરે એમેરિક અુમેયાંગના શાનદાર હેટ્રિક ગોલની મદદથી બોરુસિયા ડોર્ટમંડે ચેમ્પિયન્સ લીગના પ્રિ-ક્વાર્ટર ફાઇનલના સેકન્ડ લેગ મુકાબલામાં બેનિફિકાને ૪-૦થી હરાવી કુલ ૪-૧થી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ફર્સ્ટ લેગમાં ડોર્ટમંડનો બેનિફાકા સામે ૧-૦થી પરાજય થયો હતો. અબુમયાંગે ચોથી, ૬૧મી અને ૮૫મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે અન્ય એક ગોલ પ્લુસિકે ૫૯મી મિનિટે નોંધાવ્યો હતો.