મહારાષ્ટ્ર : નાનપણથી જ ઈંટોના ભઠ્ઠામાં કામ કરનારો વિદ્યાથી CA બન્યો - Sandesh
  • Home
  • India
  • મહારાષ્ટ્ર : નાનપણથી જ ઈંટોના ભઠ્ઠામાં કામ કરનારો વિદ્યાથી CA બન્યો

મહારાષ્ટ્ર : નાનપણથી જ ઈંટોના ભઠ્ઠામાં કામ કરનારો વિદ્યાથી CA બન્યો

 | 11:24 pm IST

મન હોય તે માળવે જવાય. ગમે તેટલી ખરાબ સ્થિતિ હોય, અનેક અડચણો વચ્ચે પણ સંઘર્ષ કરવાની જીદ માણસને મનોબળ પૂરું પાડે છે અને વ્યક્તિ સફળતા હાંસલ કરે છે. લાતુરના મોહસિન શેખ નામના ૨૫ વર્ષના યુવાને એક ઇતિહાસ રચ્યો છે. બાળપણમાં પાંચ વર્ષથી જ ઈંટની ભઠ્ઠીમાં કામ કરનારો આ યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એટલે કે સીએ થયો છે.

સવારે પાંચ વાગ્યે ઊઠવાનું, સાત વાગ્યા સુધી કામ કરવાનું, સાત વાગ્યે અડધો કિલોમીટરનાં અંતરે આવેલી સ્કૂલમાં ચાલીને જવાનું, બપોરે સાડા બાર વાગે ભોજન પતાવી ૧થી રાતે ૯ સુધી ઈંટની ભઠ્ઠી પર કામ કરવાનું. રાતે દસથી બે વાગ્યા સુધી અભ્યાસ કરવાનો. આવી કઠણ પરિસ્થિતિમાં મોહસિને શૈક્ષણિક સફળતા મેળવી છે.

મોહસિનની બુદ્ધિમત્તા જોઈ શિરડીનાં સાંઈબાબા મંદિરનું ઓડિટ કરનારી સીએ ફર્મે મોહસિનને પાર્ટનર બનાવ્યો છે.

શેખ પરિવાર અત્યંત ગરીબ. મોહિસનના પિતાને દારૂની લત લાગી હતી. તેનાં મા અને ભાઈ-બહેન ઈંટની ભઠ્ઠી પર કામ કરી પેટ ભરતાં હતાં. મોહનિસ સમજણો થયો ત્યારથી તે પણ માતા સાથે ઈંટની ભઠ્ઠીમાં કામે લાગ્યો હતો. ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી મોહસિનને માસીને ત્યાં મોકલાયો. માસીની આર્થિક પરિસ્થિતિ પણ કંઈ એટલી સારી નહોતી. માસી પણ ઈંટની ભઠ્ઠીમાં કામ કરે છે. મોહસિનનું બાળપણ માસીને ત્યાં વિત્યું.

સવારે પાંચ વાગ્યે ઊઠી સાત વાગ્યા સુધી ઈંટની ભઠ્ઠી પર કામ કરતો. સાત વાગ્યે ઘરથી અડધો કિલોમીટરનાં અંતરે આવેલી સ્કૂલમાં તે જતો. બપોરે સાડા બારે સ્કૂલ છૂટયા પછી ઘરે આવી જમીને ૧ વાગ્યે ભઠ્ઠી પર જતો. ૧થી રાતે ૯ સુધી કામ કરતો. રાતે દસ વાગ્યે ઘરે પહોંચી વાળુ કર્યા પછી રાતે બે વાગ્યા સુધી તે ભણતો હતો.

જે દિવસ વરસાદ પડતો એ મારે માટે આનંદનો દિવસ રહેતો, કારણ કે એ દિવસે ઈંટની ભઠ્ઠી પર કામ ન રહેતું, પરંતુ એ દિવસે ઈંટો લઈ જવાનું કામ કરવું પડતું. આજે પણ મા-માસી એ જ કામ કરે છે. મા, ભાઈ અને માસીને મારા માટે આશા હતી હું કંઈક કરી દેખાડીશ એવું તેમને લાગતું, એટલે મને જોઈતી મદદ કરતાં. સીએનાં રજિસ્ટ્રેશન માટે પૈસા નહોતા ત્યારે ભાઈએ એન્ગેજમેન્ટ-રિંગ વેચીને પૈસા આપ્યા હતા, એમ મોહસિને જણાવ્યું હતું. ખર્ચ ઓછો હોવાથી સીએ બનવાનું પસંદ કર્યું. આ સમયમાં અનેકોએ મને મદદ કરી એટલે જ હું સફળતા મેળવી શક્યો, એમ મોહસિને વધુ જણાવ્યું હતું.

ચાર વર્ષ પહેલાં જ્યારે તૈયારી શરૂ કરી ત્યારે અનેક પ્રસ્થાપિત સીએ કંપનીઓ મોહસિન પ્રત્યે તુચ્છ દૃષ્ટિએ જોતાં હતાં. મેં સચિન શિંદે સરની ફર્મ જોઇન્ટ કરી ત્યારે બીજા-ત્રીજા દિવસે જ તેમણે કહ્યું તારું ભવિષ્ય ઉજ્જ્વળ છે, તું જ્યારે સીએ થઈશ એ જ દિવસે હું તને મારી ફર્મમાં પાર્ટનર તરીકે લઈશ. તેમણે પોતાનું વચન પાળ્યું, એવું મોહસિને જણાવ્યું હતું.