કાયદાની જોગવાઈઓ પોથીમાંના રીંગણા બની રહે છે? - Sandesh
NIFTY 11,446.90 -23.80  |  SENSEX 37,942.67 +-81.70  |  USD 68.8575 +0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કાયદાની જોગવાઈઓ પોથીમાંના રીંગણા બની રહે છે?

કાયદાની જોગવાઈઓ પોથીમાંના રીંગણા બની રહે છે?

 | 4:26 am IST

ઇશ્યૂ ઇન ન્યૂઝ  :-  વિનોદ પટેલ

ભારતમાં લોકશાહી છે પરંતુ એ ઉપરછલ્લી છે. કોઈપણ મુદ્દે ઊંડો અભ્યાસ કરીને તેનો કાયમી ઉકેલ લાવવાને બદલે કામચલાઉ ઉકેલ સૂચવીને સમગ્ર મુદ્દાનું એવી રીતે અવમૂલ્યન કરવામાં આવે છે કે છ મહિના પછી આપણે ફરી વિચાર કરીએ છીએ કે આ મામલે આપણે અગાઉ શું કરેલું ? થોડા વર્ષ અગાઉ નિર્ભયા કાંડ થયો. એ પછી જનાક્રોશ ફાટી નીકળ્યો અને મીણબત્તી લઈને લોકોએ તેમનો વિરોધ પ્રગટ કરતાં દેખાવો કર્યા. તેના જવાબમાં ભારત સરકારે કડક કાયદો બનાવ્યો એટલું જ નહીં બળાત્કારનો ભોગ બનનાર યુવતીને સહાય કરવા માટે નિર્ભયા ભંડોળ પણ સ્થાપવામાં આવ્યું, પરંતુ તાજેતરમાં ફરી એકવાર એક નરાધમે કિશોરી પર બળાત્કાર કરી તેની હત્યા કરી. ફરી એકવાર લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો, પણ કોઈને એમ ન થયું કે આપણે અગાઉ કાયદો ઘડેલો, ભંડોળ ફાળવેલું એ બધાનું શું થયું? એના બદલે કેન્દ્ર સરકારે કડક વટહુક્મ બહાર પાડયો કે બાર વર્ષથી ઓછી વયની વ્યક્તિ પર બળાત્કાર થાય તો આરોપીને મોતની સજા કરવી અને જેના વિશે ચર્ચા થઈ જ નથી એ બાબત એ કે સરકારે ૧૯૭૩ના ક્રિમિનલ પ્રોસિજર કોડમાં પણ સુધારો કરી નિશ્ચિત સમયમર્યાદામાં કેસ ચલાવવાની જોગવાઈ કરી છે. જેમ કે આવા કેસની તપાસ અને ખટલો બે મહિનામાં પૂરાં કરવા અને જો કોઈ અપીલ કરવામાં આવે તો પણ તેનો છ મહિનામાં નિકાલ કરવો. કાગળ પર આ જોગવાઈઓ ક્રાંતિકારી લાગે છે પરંતુ આ વ્યવહારું છે ખરી ?  એવું નથી કે ન્યાયવિદો તેમની સલાહ આપતાં નથી. જસ્ટિસ જે. એસ. વર્મા કમિટીએ ૨૦૧૩માં ક્રિમિનલ લો એક્ટમાં સુધારો કરવાની ભલામણ કરી ત્યારે જણાવ્યું હતું કે ગંભીર ગુના માટે મોતની સજાની જોગવાઈ કરવાને કારણે સમાજમાં ધડો બેસે છે એ એક દંતકથા છે. આમ છતાં સરકારે મોતની સજા કરવાની જોગવાઈ ધરાર કરી. સવાલ અસરકારક યંત્રણા ગોઠવવાનો છે. કાયદા ઘડી કાઢવાથી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. અગાઉ પણ સરકારે ઘણા કિસ્સામાં સમયસર ખટલા ચલાવવાની જોગવાઈ કરી છે, પણ આવી જોગવાઈ કરતાં પહેલાં કદી એ વિચારવામાં આવતું નથી કે ન્યાયતંત્ર સમક્ષ કેસોના જે ઢગલા છે તેમાં આવું કેવી રીતે શક્ય બનશે?

વળી આવી બાબતોમાં તો આપણે નજીકનો ભૂતકાળ પણ ભૂલી જઈએ છીએ. ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એક્ટ(પોક્સો) ૨૦૧૨માં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કેસની દખલ લેવામાં આવે તે પછી એક વર્ષમાં સ્પેશિયલ કોર્ટ સ્થાપી તેમાં એક વર્ષમાં ખટલો પૂરો કરી દેવો. વાસ્તવિકતા શું છે? માત્ર મહારાષ્ટ્રમાં જ આ કાયદા હેઠળ ૪૫ ટકા કેસો બે વર્ષ કરતાં વધારે સમયથી ચાલી રહ્યા છે. માત્ર ૧૬ ટકા કેસ જ નિશ્ચિત સમયમર્યાદામાં પૂરાં કરી શકાયા છે.  આવું કાંઈ એક જ વાર કે પહેલીવાર બન્યું છે એવું નથી. અગાઉ પણ સરકારે કેસ બાઉન્સ થાય તો છ મહિનામાં કેસ ચલાવી ગુનેગારને સજા કરવી તેવી જોગવાઈ કરેલી, પરંતુ આજે હકીકત એ છે કે ગુજરાતમાં જ આવા કેસ દસ વર્ષથી પેન્ડિંગ છે. ક્યાં છ મહિનામાં કેસ પૂરો કરવાની જોગવાઈ અને ક્યાં દસ વર્ષ સુધી ચાલતાં ખટલાં ! ભારતમાં કાયદાકીય અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર છે. ૨૦૧૭માં સરકારે વળી નવો સુધારો કર્યો કે જેમના કેસ પડતર હોય તેમને વચગાળાની રાહત તરીકે ૨૦ ટકા રકમ આપી શકાય. વળતર મેળવનાર જો કેસ હારી જાય તો ૨૦ ટકા વળતર મેળવનારે તે રકમ વ્યાજ સાથે પરત કરવાની રહે.

એવું નથી કે ન્યાયતંત્ર કામ કરતું નથી. આ મામલે પણ વિદ્વાન ન્યાયાધીશોએ કેસ ફલો મેનેજમેન્ટ રૂલ્સ જેવી પદ્ધતિઓ અપનાવી છે પરંતુ તેના ધાર્યા પરિણામો આવ્યા નથી. આ કેસમાં ઉપરછલ્લી નોંધ લઈએ તો સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યોને કેસ મેનેજમેન્ટ ફલો રૂલ્સ ઘડી કાઢવા માટે આદેશ આપ્યો હતો. આ પદ્ધતિમાં કેસોને ટ્રેકમાં વિભાજિત કરી નાંખવામાં આવે છે. દરેક ટ્રેકમાં કેસના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે. રાજ્યોમાં આ મર્યાદા અલગ અલગ છે પણ સરેરાશ બે વર્ષમાં કેસનો નિકાલ થઈ જવો જોઈએ તેવી અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે હાઈકોર્ટમાં જ પરિસ્થિતિ બદતર છે. હાઈકોર્ટમાં ૭૭ ટકા કેસો બે કરતાં વધારે વર્ષથી પેન્ડિંગ છે.  સમયનો તકાજો એ છે કે કાયદાના ઘડનારાઓએ કેસ કેટલા ચાલે છે અને અદાલતો પર કાર્યબોજ કેટલો છે તેના આધારે વાસ્તવિક સમયમર્યાદા બાંધતા શીખવું રહ્યું. બાકી તો ચેક બાઉન્સ થવાના કેસો અને તેની કાયદાની જોગવાઈઓ આજે બદલાતા સમયમાં જેમ અપ્રસ્તૂત બની રહી છે તેમ બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુનામાં બનશે તો કાયદા છેવટે તો પોથીમાંના રીંગણા જ બની રહેશે.

;