Dhana yoga is many ways check your birth chart is it there
  • Home
  • Astrology
  • આટલી બધી રીતે બને છે ધનયોગ, જાણો તમારા ભાગ્યમાં છે કે નહિં આ રીતે

આટલી બધી રીતે બને છે ધનયોગ, જાણો તમારા ભાગ્યમાં છે કે નહિં આ રીતે

 | 4:57 pm IST

પૌરાણિક કથા અનુસાર દેવો તથા દાનવોએ જ્યારે સમુદ્રમંથન કર્યું, ત્યારે લક્ષ્મીજી બીજા કોઈની પાસે નહીં જતાં, માત્ર પીળા પીતામ્બરધારી શ્રી વિષ્ણુ ભગવાન પાસે જ ગયાં. આમ લક્ષ્મી પ્રાપ્તિને કારણે જ શ્રી વિષ્ણુ ભગવાન સર્વ દેવોમાં ભાગ્યશાળી ગણાયા. આપણા શાસ્ત્રોમાં લક્ષ્મી એ શક્તિનું એક સ્વરૂપ ગણાય છે. આજના ભૌતિક યુગમાં જ્યારે પ્રમાણિકતા, કર્તવ્યનિષ્ઠા કે બુદ્ધિ પ્રતિભા કરતાં આર્થિક સદ્ધરતાનો માપદંડ વધુ વપરાવા લાગ્યો છે, ત્યારે દરેક માનવીને પોતાનું આર્થિક ભવિષ્ય જાણવાની તીવ્ર ઉત્કંઠા જાગે તે અતિ સ્વાભાવિક છે.

રોજિંદા પ્રશ્નોમાં ૮૦ થી ૯૦ ટકા લોકો નાણાકીય મુશ્કેલી કે આર્થિક સદ્ધરતા અંગેના પ્રશ્નો પૂછતા હોય છે. તેથી અત્રે માનવીને આર્થિક સદ્ધર બનાવનારા જન્મકુંડળીના વિવિધ યોગોની ચર્ચા કરીશું.

જન્મકુંડળીમાં આર્થિક બાબતે શુભાશુભ જાણવા માટે બીજું (ધન) અને અગિયારમું (લાભ) સ્થાન વધુ મહત્ત્વ ધરાવે છે. આકસ્મિક ધનલાભ માટે પાંચમું સ્થાન અને આઠમું સ્થાન પણ અગત્યનું ગણાય છે.

લક્ષ્મીકારક ગ્રહોઃ ધનસુખ માટે સૌથી વધુ મહત્ત્વનો કારક ગ્રહ શુક્ર છે. તેને ખાસ મહત્ત્વ આપવું જોઇએ. વળી ચંદ્ર ગુરુ જેવા ગ્રહોના શુભત્વને પણ ધ્યાનમાં લેવું જોઇએ. ચંદ્ર મંગળનો સંયોગ જન્મકુંડળીમાં લક્ષ્મીયોગનું સર્જન કરે છે.

વિલ-વારસાથી ધનસુખ

વડીલ વર્ગ તરફ્થી મળવાપાત્ર મિલકત તેમજ વિલ વારસા માટે જન્મકુંડળીમાં આઠમું સ્થાન અગત્યનું છે. સહેજ વધુ વિચારીએ તો જણાશે કે આઠમું સ્થાન એટલે સાતમાસ્થાન (પત્ની ભુવન) થી બીજું સ્થાન થાય. પત્ની તરફ્થી ધનલાભ થશે કે કેમ? તે બાબત અવશ્ય જાણી શકાય છે. કર્મના સિદ્ધાંત મુજબ જોઇએ તો દસમા કર્મ સ્થાનથી અગિયારમું (લાભ) સ્થાન એટલે જન્મકુંડળીમાં આઠમું સ્થાન આવે છે. જન્મકુંડળીમાં આઠમે રહેલો કેતુ તેમજ ક્યારેક અષ્ટમેશ ગ્રહ દ્વિતીય (ધન) સ્થાનમાં રહ્યો હોય તો વારસાગત મિલકતના યોગનું સર્જન કરે છે.

જન્મકુંડળીમાં પહેલું, ચોથું, સાતમું અને દસમું સ્થાન કેન્દ્ર સ્થાન તરીકે ઓળખાય છે. પાંચમું અને નવમું સ્થાન ત્રિકોણ સ્થાન તરીકે ઓળખાય છે. અત્રે સાદી અને સરળ ભાષામાં ધન પ્રાપ્તિના યોગની જાણકારી આપી છે.

ધન પ્રાપ્તિના યોગ

    વૃષભ રાશિના ચંદ્ર પર ગુરુની દ્રષ્ટિ હોય તો ઉત્તમ લક્ષ્મી યોગ બને છે.
    કર્ક રાશિના ચંદ્ર પર મીનના ગુરુની દ્રષ્ટિ હોય તો સારો લક્ષ્મીયોગ ગણાય.
    જન્મકુંડળીના બીજા સ્થાને વૃષભ કે તુલા રાશિનો શુક્ર સારો પૈસો આપે.
    લગ્નેશ લાભસ્થાને હોય તેમજ લાભેશ લગ્ન સ્થાને હોય તો સારો લક્ષ્મીયોગ. અચાનક પૈસા પણ મળે.
    નવમાંશ કુંડળીમાં વર્ગોત્તમી ચંદ્ર સારો યશ-ર્કીિત તથા લક્ષ્મી આપે છે. અહીં પૂર્ણ ચંદ્ર કે વધુ કળાનો ચંદ્ર (સુદ દસમથી વદ પાંચમ તિથિનો) હોય તો ફ્ળની માત્રામાં વધારો કરે છે.
    લગ્નેશ લગ્ન સ્થાને તથા લાભેશ લાભ સ્થાને હોય તો જાતક ધનવાન હોય. સાદી ભાષામાં લગ્નેશ અને લાભેશ સ્વગૃહી હોવા જોઇએ.
    પંચમેશ પાંચમા સ્થાને હોય તો સંતાન થકી ભાગ્યોદય કરાવે છે.
    ભાગ્યસ્થાનનો સ્વામી ઉચ્ચનો કે સ્વગૃહી થઇને કેન્દ્ર સ્થાનમાં કે ત્રિકોણ સ્થાનમાં હોય તો શ્રેષ્ઠ લક્ષ્મીયોગ બને છે.
    ધનેશ અને લાભેશ લાભસ્થાને હોય તો સારો લક્ષ્મીયોગ ગણાય.
    કર્ક લગ્નની કુંડળીમાં પાંચમે વૃશ્ચિક રાશિનો મંગળ અને અગિયારમા સ્થાને વૃષભ રાશિનો ચંદ્ર અખૂટ લક્ષ્મીયોગ આપે.
    ધન સ્થાનનો સ્વામી કેન્દ્રમાં હોય તો વ્યક્તિ આરામથી જિંદગી વિતાવે છે.
    જન્મકુંડળીમાં લગ્નેશ અને ધનેશ પરસ્પર એકબીજાના સ્થાનમાં હોય તો વ્યક્તિ ધનવાન થાય.
    કર્ક લગ્નમાં ઉચ્ચનો ચંદ્ર, ઉચ્ચનો ગુરુ કે ઉચ્ચનો મંગળ વ્યક્તિને સારો ધનલાભ આપે છે.
    જન્મકુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનના અધિપતિનો સંબંધ સારી લક્ષ્મી આપે છે.
    લગ્નેશ ચોથાસ્થાને કે ચતુર્થેશ લગ્નસ્થાને હોય તો માતા થકી ધનલાભ અપાવે.
    ભાગ્યેશ લગ્ન સ્થાને (પ્રથમ સ્થાને) હોય તો લગ્ન પછી ભાગ્યોદય કરાવે.
    સ્વગૃહી શુક્રની સાથે ચંદ્ર દેહ ભાવે હોય તો અખૂટ લક્ષ્મીયોગ બને છે.
    કર્મેશ બળવાન થઇને લાભસ્થાને હોય તો સારો ધનલાભ અપાવે.
    ભાગ્યેશ સાતમા સ્થાને હોય તો પતિ-પત્ની થકી સારો ફયદો કરાવે છે.
    કર્ક લગ્નની કુંડળીમાં પાંચમે વૃશ્ચિક રાશિનો મંગળ સારું ધન આપે છે.
    મેષ લગ્નની કુંડળીમાં પ્રથમ સ્થાને મંગળ હોય તો મહેનતનો પૈસો આપે છે. મજૂરમાંથી કારખાનાના માલિક થનારી વ્યક્તિઓની કુંડળીમાં આ યોગ જોવા મળે છે.
    વૃષભ લગ્નની કુંડળીમાં છઠ્ઠા સ્થાને તુલા રાશિનો શુક્ર સારો પૈસો આપે છે.
    કર્ક લગ્નની કુંડળીમાં ચોથા સ્થાને તુલા રાશિનો શનિ તથા દસમે મેષ રાશિનો મંગળ સારો ધનલાભ આપે છે.
    પ્રથમ સ્થાને તુલા રાશિનો શુક્ર હોય તો વ્યક્તિને ધનવાન બનાવે છે.