નેતાઓના દિમાગ પર હજુ યે સવાર છે- વીઆઈપી સિન્ડ્રોમ ! - Sandesh
NIFTY 10,582.95 +34.25  |  SENSEX 34,520.13 +125.07  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • Chini Kam
  • નેતાઓના દિમાગ પર હજુ યે સવાર છે- વીઆઈપી સિન્ડ્રોમ !

નેતાઓના દિમાગ પર હજુ યે સવાર છે- વીઆઈપી સિન્ડ્રોમ !

 | 4:04 am IST

ચીની કમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીઆઈપી કલ્ચર ખતમ કરવા મોટરકાર પર લાલ લાઈટ રાખતા વીઆઈપીઓ પર લગામ લગાવી છે, પરંતુ દેશના કેટલાક નેતાઓના દિમાગમાંથી વીઆઈપી કલ્ચરનું ભૂત હજુ સવાર છે. કેટલાક લોકો હજુ માનવા જ તૈયાર નથી કે તેઓ વીઆઈપી કેટેગરીમાં આવતા નથી.

સાહેબ બહાર ગયા છે

ચૂંટણીઓ આવે છે ત્યારે સેંકડો લોકો ઉમેદવાર બનવા એડી ચોટીનું જોર લગાવે છે. ધારાસભ્ય કે સંસદસભ્ય બનવાની આ ઘેલછા પાછળ લોકોની સેવા માટેની ઈચ્છા ઓછી અને પોતાની જ અને પોતાના જ પરિવારની સમૃદ્ધિની લાલસા ઉપરાંત લાલ લાઈટવાળી ગાડીની ઝંખના વધુ હોય છે. કોઈ એક મંત્રી જ્યારે સાયરન વગાડતી પોલીસ વાનની પાછળ આલિશાન કારમાં આવતા જણાય છે ત્યારે એ દૃશ્ય જોઈને ઘણાંને એવો જ ઠાઠ ભોગવવાની ઈચ્છા થાય છે. બધાને જ ટિકિટ જોઈએ છે અને મંત્રી જ બની જવું છે. લોકો તેમને નામથી બોલાવવાના બદલે ‘સાહેબ’ કહે તેવી તેમની અપેક્ષા હોય છે. મજાની વાત તો એ છે કે કેટલાક મંત્રીઓ મંત્રીઓ મટી ગયા પછી સાવ બેકાર હોય અને તેમના ઘરે ફોન કરીએ તો નેતાશ્રીનાં પત્ની કહે છે : ”સાહેબ બહાર ગયા છે.”

અલ્યા ભાઈ ! ‘સાહેબ’ મટી ગયા પછી પણ સાહેબ! 

એવું અનેક વાર જોવામાં આવ્યું છે કે, નેતાઓ કરતાં તેમની પત્નીઓનો રુઆબ પતિદેવ કરતાં વધુ હોય છે. કેટલીક વાર નેતાશ્રીની પત્નીશ્રીઓ અધિકારીને ફોન કરી સીધી સૂચના આપતી હોય છે. એટલે કે વીઆઈપી કલ્ચર પત્નીશ્રીઓ સુધી પહોંચ્યું છે.

વીઆઈપી ટ્રીટમેન્ટ

ધારાસભામાં કે લોકસભામાં ચૂંટાયેલા લોકો પ્રજાના પ્રતિનિધિઓ છે, પરંતુ એક વાર ચૂંટાઈ ગયા પછી કે મંત્રી બની ગયા પછી તેઓ પોતાની જાતને રાજા સમજવા માંડે છે. અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવાં શહેરોમાં વસતા લાખો લોકો સાંજે કામ-ધંધેથી નીકળે છે ત્યારે ટ્રાફિક જામના કારણે સમયસર ઘરે પહોંચી શકતા નથી, પરંતુ મંત્રીશ્રીને રસ્તા ક્લિયર જોઈએ છે. એરપોર્ટ પર તેમને કોઈ રોકટોક ગમતી નથી. દરેક એરપોર્ટ પર એક વીઆઈપી લોન્જ હોય છે. વિમાન ઊપડવાની થોડી જ મિનિટો પહેલાં તેમને વિમાન સુધીનો રસ્તો ક્લિયર કરી આપવામાં આવે ઔછે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામ રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્ત થયા બાદ પણ વિમાની મથકે અન્ય ઉતારુઓની જેમ લાઈનમાં ઊભા રહેતા હતા, પરંતુ એમનો દાખલો આપીએ તો ઘણાંને એ વાત ગમતી નથી.

વિમાની મથક પર

જેઓ નિયમિત રીતે વિમાની મુસાફરી કરે છે તેમને ખબર છે કે તેમની શિડયૂલ્ડ ફ્લાઈટ લેઈટ ઊપડશે તેમ જણાવવામાં આવે છે. આ ફ્લાઈટ્સ મોડી થવાના અનેક કારણો છે જેવા કે ખરાબ હવામાન અને હવાઈ પટ્ટી પર ‘કન્જેશન.’ પરંતુ કેટલાંક વિમાનો મોડા ઊપડવાનું એક કારણ વિમાની મથકે વીઆઈપી મૂવમેન્ટ પણ એક છે. એ રિપોર્ટ અનુસાર ‘વીઆઈપી મૂવમેન્ટ’ના કારણે એક જ દિવસમાં ૧૩ જેટલાં ઉડ્ડયનોના રૂટ બદલવામાં આવ્યા હતા. એની અસર ૯૦ ડોમેસ્ટિક વિમાનો પર પડી. કેટલીક વિમાની કંપનીઓએ તો સોશિયલ મીડિયા દ્વારા ઉતારુઓને જાણ કરી કે તેઓ એરપોર્ટ જવા નીકળતા પહેલાં ફ્લાઈટની પરિસ્થિતિ જાણી લે.

એ વાત સાચી છે કે, છેલ્લા દોઢ દાયકા દરમિયાન ઘરેલુ ઉડ્ડયનોની સંખ્યા, મુસાફરોની સંખ્યા અને વિમાનોની સંખ્યા વધી છે. બધા જ લોકો માત્ર ફરવા જતા હોતા નથી. કોઈને કોઈ બીમાર કે મૃત્યુ પામેલાના ઘરે જલદી પહોંચવાનું હોય છે તો કોઈને કોઈના લગ્નમાં, કોઈને ઈન્ટરવ્યૂ આપવા જવાનું હોય છે. તો કોઈને બીજી કોઈ ઈમરર્જન્સી હોય છે અને એ વખતે ફ્લાઈટ રદ થઈ જાય કે લેઈટ થઈ જાય તો તે ઉતારુ વિવશ બની જાય છે.

વીઆઈપી સિન્ડ્રોમ

અત્રે એ જાણવું જરૂરી છે કે, આપણા દેશમાં ચારસોથી વધુ લોકોને સરકારી ધારાધોરણ પ્રમાણે ‘વીઆઈપી’ જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૧૧માં આવા લોકોની સંખ્યા ૩૩૨ હતી, તેમને કેન્દ્રીય સુરક્ષા બળની સુરક્ષા પ્રાપ્ત થઈ હતી. આ આંકડો ૨૦૧૩માં ૩૮૧ થયો, ૨૦૧૪માં ૪૧૮ થયો, ૨૦૧૫માં ૪૬૨ થયો, ૨૦૧૬માં મે સુધીમાં ૪૫૪ થયો.

આ સિવાય પણ દેશના હજારો જનપ્રતિનિધિ, બ્યૂરોક્રેટ્સ, ઉદ્યોગપતિઓ, સાધુઓ તથા સેલિબ્રિટીઝ વીઆઈપી સિન્ડ્રોમના શિકાર છે. જેમને જાહેર સ્થળો પર સ્પેશિયલ ટ્રીટમેન્ટ ના મળે તો તેઓ નારાજ કે દુઃખી થઈ જાય છે. કોઈ વાર ગુસ્સે થઈ જાય છે.

ઘણી વાર આપણે ઘણી બાબતોમાં દેશની સરખામણી ચીન સાથે કરીએ છીએ. આવી તુલના કરવાવાળાઓને એ જાણવામાં રસ પડશે કે ભારત કરતાં વધુ વસતીવાળા ચીનમાં કુલ ૪૩૪ લોકોને વીઆઈપી તરીકેની માન્યતા મળી છે. અમેરિકા સુપર પાવર છે છતાં ત્યાં માત્ર ૨૫૨ લોકોને, બ્રિટનમાં ૮૪ લોકોને, ફ્રાન્સમાં ૧૦૯ લોકોને, જાપાનમાં ૧૨૫ લોકોને, જર્મનીમાં ૧૪૨ લોકોને અને રશિયામાં ૩૦૫ લોકોને અધિકૃત રીતે વીઆઈપી જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૧૨માં ભારતમાં ઝેડ પ્લસ સુરક્ષા મેળવનારા ૨૦ જણ હતા આજે ૪૯ જેટલી વ્યક્તિઓને ઝેડ પ્લસ સુરક્ષા મળે છે.

ગાંધીજી ભુલાયા

ગાંધીજીની સાદગી હવે ઈતિહાસ બની ગઈ છે. વાઈસરોયે તેમને ચર્ચા માટે આમંત્રણ મોકલ્યું ત્યારે તેમણે પ્લેન કે સ્પેશિયલ ટ્રેનની સવલતની ઓફર કરી હતી, પરંતુ બાપુએ ઉતારુ ટ્રેનના ત્રીજા વર્ગમાં જ દિલ્હી જવાનું પસંદ કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રીઓ બાબુભાઈ જશભાઈ અને ચીમનભાઈ પટેલ એક વાર રાજકોટથી સાથે અમદાવાદ આવતા હતા. રસ્તામાં કાર બગડતાં એસ.ટી. બસમાં બેસી અમદાવાદ આવ્યા હતા. સરદાર સાહેબનાં પુત્રી રિક્ષામાં બેસી કોંગ્રેસ ભવન આવતાં હતાં. મોરારજી દેસાઈ પ્લેનના બદલે ટ્રેનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરતા હતા.

સાહેબો, તમારે જ્યાં રોફ મારવો હોય તો મારજો, પરંતુ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપજો, પ્લીઝ !