નેતાઓ 'ભાવવધારા'ને ફરિયાદ નહીં, ડિમાન્ડ સમજે છે! - Sandesh
  • Home
  • Columnist
  • નેતાઓ ‘ભાવવધારા’ને ફરિયાદ નહીં, ડિમાન્ડ સમજે છે!

નેતાઓ ‘ભાવવધારા’ને ફરિયાદ નહીં, ડિમાન્ડ સમજે છે!

 | 2:19 am IST

રિવરફ્રન્ટની પાળેથી : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

અંગ્રેજીમાં એક કહેવત છે : When itis not necessary to change, it is necessary not to change. આપણે ત્યાં લાડકોડથી ઊછરી રહેલી મોંઘવારીનું પણ આવું જ છે સાહેબ! ચૂંટણીઓ આવવાના થોડા દિવસો પહેલાં મોંઘવારીની અસર એકદમ બદલાઈ જાય છે. ક્યારે એ એકાએક સોંઘવારીના વાઘા સજી લે કંઈ કહેવાય નહીં અને જેવી ચૂંટણીઓ વિદાય લે છે કે તરત જ સોંધવારીમાં જબરજસ્ત પરિવર્તન આવી જાય છે. એકદમ શીર્ષાસન કરીને મોંઘવારીરૂપે મૂર્તિમંત થઈ જાય છે. ભારતીય રાજકારણમાં મોંઘવારી-સોંધવારીની ચડતીપડતીનાં કારણો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય અર્થનીતિ પર આધાર નથી રાખતાં પણ આપણે ત્યાં સોળે કળાએ સજધજ થઈને આવતી ચૂંટણીર્સિજત રાજકીય પરિમાણો પર આધાર રાખે છે.

હમણાં આપણા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું : પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. ન્યૂ ચાણક્યની દૃષ્ટિએ આના બે અર્થ થાય. (૧) સરકારનું કોઈ નિયંત્રણ નથી – મતલબ કે જેને જેટલો ભાવ વધારવો હોય એટલો વધારવાની છૂટ છે અને (૨) માણસ જ્યારે રાજકારણી બની જાય છે ત્યારે પણ ક્યારેક આ રીતે સાચું બોલવાની ભૂલ કરી બેસે છે!

આમેય ઘણા વાંકદેખા એવું કહેતા હોય છે ને કે – ‘ફલાણા ભાઈનાં ઘરે શું જઈએ? અમારો ભાવ તો પૂછતા જ નથી?’ અહીં ભાવ ન પુછાયો એનું દુઃખ છે અને બીજી બાજુ ભાવ પુછાયો એનું દુઃખ છે અને બીજી બાજુ સત્તાપક્ષના જ એક બિનઅનુભવી અને અવ્યવહારુ સાંસદે સરકારને પ્રશ્ન કર્યો કે પેટ્રોલ-ડીઝલમાં આટલોબધો ભાવવધારો કેમ? આવી અણધારી હિંમત બતાવવા બદલ અહીં એમને સત્તાપક્ષ તરફથી ઇનામરૂપે સસ્પેન્શનનો ઓર્ડર મળ્યો! આવું છે સાહેબ! ભાવ ન પુછાય તોય દુઃખ અને ભાવ પુછાય તોય દુઃખ!

એક જમાનો હતો કે જ્યારે પેટ્રોલ-ડીઝલનો કોઈ ભાવેય પૂછતું નહોતું. આજે સરકારની ઉદાર આર્થિક દૃષ્ટિના આશીર્વાદે આપણે પેટ્રોલ-ડીઝલનો ભાવ પૂછી શકીએ એવી મજબૂત સ્થિતિમાં આવી ગયા છીએ તોય લોકો તો બૂમો જ પાડે છે કે ‘ભાવ વધ્યો… ભાવ વધ્યો…!’ અરે સાહેબ, ભાવ વધે એ તો સારું જ કહેવાય ને! ભગવાન જેવો ભગવાન પણ ભાવનો ભૂખ્યો હોય છે. ભાવની ભૂખ હોવી જોઈએ, ભાવ માટેની એક તરસ હોવી જોઈએ! આપણા માટે કોઈનો ભાવ કેમ કરીને વધે એવું આપણે બધા મનોમન શું નથી ઇચ્છતા? સરકાર અંતર્યામી છે. એને ખબર છે કે આમ આદમી માટે કોઈનો ભાવ વધે તો આમ આદમી રાજીનો રેડ થઈ જાય છે! એટલે એ ભાવ આપણા માટે યથા મતિ – યથા ગતિ – વધતો જ રહે, વધતો જ રહે એવું પ્લાનિંગ કર્યા જ કરે છે! આમ આદમીનાં કલ્યાણ માટે તો નેતાઓ પોતાનું ‘ત્યાગ કરવા લાયક’ સઘળું ત્યાગીને બિચારા થાય એટલું ‘કરતા’ રહે છે!  મોંઘવારી અને ભાવવધારા માટે હવે આપણે અન્ય દેશો પર આધાર રાખવો પડે એમ નથી. આ બાબતે આપણું અર્થતંત્ર પૂરેપૂરું સ્વાવલંબી બની ગયું છે. જનતા પણ હવે ટેવાઈ ગઈ છે કે – આ હવે નહીં સુધરે, મતલબ કે મોંઘવારી, અર્થતંત્ર નહીં! અર્થતંત્ર તો સાહેબ ત્યારે સુધરે જ્યારે દાનત સુધરે. સરકાર બિચારી રોજેરોજ કરોડો રૂપિયાની જાહેરાતો કરી કરીને કહ્યા કરે છે કે જુઓ ભાઈઓ અને બહેનો, ગઈ કાલે અમે આટલું ઉત્પાદન કર્યું, આજે અમે આટલું ઉત્પાદન કરી રહ્યા છીએ અને આવતી કાલે આટલું ઉત્પાદન કરવાનું અમારું આયોજન છે. આટઆટલું ઉત્પાદન કરતી સરકાર સામે આપણે ‘ઉત્પાદન તો થાય છે સાહેબ પણ શેનું ઉત્પાદન થાય છે?’ એવો સંશય પેદા કરીને આપણા કે સરકારના આત્માને દુઃખ થાય એવું નહીં કરવું જોઈએ. ભગવાને પણ કહ્યું છે કે ‘સંશયાત્મા વિનશ્યતિ’ કશુંય નાશ થાય એવું આપણે શા માટે કરવું? પછી એ સાત ખોટનો ભાવવધારો હોય કે પનોતાં પગલાં પાડતી લાડકી મોંઘવારી હોય. વધે છે ને? બસ એનો આનંદ ઉઠાવોને બોસ! કશુંક વધવું જોઈએ. ઉત્પાદન વધે એ કોને ન ગમે? વળી ઉત્પાદન શબ્દનો અર્થ કંઈ ઔદ્યોગિક પ્રોડક્શન, વાવણી કે લણણી પૂરતો જ ન હોય.

એનો અર્થ તો બહુ વિશાળ છે. અન્ય ઉત્પાદનોની જેમ ભાવવધારો અને મોંઘવારીનાં ઉત્પાદનને પણ આપણે આવકારવું જોઈએ, એનો લુત્ફ ઉઠાવવો જોઈએ. જુઓને કેટકેટલા પુલોનું ‘ઉત્પાદન’ થયું! ભલેને પછી બે-ત્રણ મહિનામાં તિરાડો પડવા માંડે કે રાડો પડાવે એમ તૂટવા માંડે. તૂટી ગયાનો શોક મનાવવામાં જિંદગીનો સમય વેસ્ટ કરવાને બદલે એ ઉત્પાદન જેટલા મહિના ટક્યું એટલા સમય સુધી તો કામમાં આવ્યું, એનો આનંદ લેવામાં જિંદગીનો સમય ઇન્વેસ્ટ કરવો જોઈએ!

જનતા માટે નવા જ પ્રકારના રસ્તાઓનું ઉત્પાદન થવા માંડયું છે. પહેલાં તો માત્ર ફોર્મલ રોડ હતા. ચાલવા માટે કે વાહનો માટે એકદમ સીધા-સરળ-વનપીસ જેવા, સળંગ તાકો પાથર્યો હોય એવા રસ્તાઓ હતા પણ આપણે પેન્ટને બદલે પશ્ચિમનું જિન્સ અપનાવતા થઈ ગયા, હવે એમાંય ક્યાંક ફાટેલાં કે થીંગડાં મારેલાં જિન્સની પણ ફેશન અપનાવતા થઈ ગયા! હવે તમે જ કહો મિત્રો, આપણા રોડ પણ સાવ ફોર્મલ હોય એ આપણા વિકાસશીલ સ્વભાવ માટે સારું કહેવાય? સાવ ઇસ્ટર્ન ન લાગીએ? આપણે તો પેલાં જિન્સની જેમ ક્યાંકથી ફાટેલાં – તૂટેલાં તો ક્યાંકથી થીંગડાં મારેલા રસ્તા જ જોઈએ! પ્રધાનો બિચારા પોતાને માટે સાવ સીધા-સાદા-સરળ એકદમ જૂનવાણી જેવા ફોર્મલ રોડનો ઉપયોગ કરે અને આપણને આવા ફેશનેબલ રોડની ગિફ્ટ આપે છે એનો આભાર ન માનીએ તો કેટલા નગુણા કહેવાઈએ!

આને કહેવાય સાહેબ – ‘ત્યેન ત્યક્તેન ભુંજિથા’ સત્તાધીશોનો આ કેટલો મોટો ત્યાગ કહેવાય! સૌથી મોટી વાત તો એ કહેવાય કે એ લોકોએ ભાવવધારો અને મોંઘવારીનો પણ ત્યાગ કરીને આપણા ચરણે મૂકી દીધાં. ભાવવધારો કે મોંઘવારી પ્રત્યે એ લોકોને સહેજપણ મોહ નથી આને જેવો તેવો ત્યાગ ન કહેવાય. જીવન જીવવાની કળા આને કહેવાય સાહેબ! અધ્યાત્મ ગુરુઓ આપણને ‘Art of Living’ શીખવે છે પણ આપણા સવાયા એવા રાજધ્યાત્મ મહાનુભાવો આપણને ‘Art of Living’નો મહિમા સમજાવે છે. કોઈક આપણને જીવવાની કળા શીખવે છે તો કોઈક આ રીતે કશુંક છોડવાની કળા શીખવે છે. છોડી દેવું એ પણ કળા છે!

આપણા માટે કોઈનો ભાવ વધતો હોય તો એના જેવું સુખ બીજું કયું હોઈ શકે? વેપારીઓ અને સત્તાધીશોને ખબર છે કે આમ આદમી તો બિચારો ભાવનો ભૂખ્યો છે. એના માટે જેટલો ભાવ બતાવતાં રહીશું અને વધારતાં રહીશું એટલો એ ખુશ થાય અને સતત ભાવ વધારતા રહીએ તો એને પૂ…રે… પૂ…રી તૃપ્તિ થાય! પણ આપણો સ્વભાવ જ એટલો વિચિત્ર છે કે આ લોકોનો આપણા માટે કેટલો બધો ભાવ છે, એ સમજી જ શકતા નથી અને ખોટેખોટી બૂમો પાડયા કરીએ છીએ કે ભાવવધારો, ભાવ વધારો… ‘ભાવ વધારો’ એ ખરેખર તો આપણી ફરિયાદ છે, પણ આપણા ભોળા શાસકો તો બીચારા એવું સમજે છે કે પબ્લિકની કેટલી તીવ્ર ડિમાન્ડ છે કે આપણને એ રોજેરોજ રિમાઇન્ડ કરાવે છે કે ‘ભાવ વધારો, ભાવ વધારો!’ એટલે શાસકો બિચારા ન છૂટકે ભાવ વધારતા રહે છે!

ગગનચુંબી ભાવો અને રાજકુમારીની જેમ વધતી રહેતી મોંઘવારી વચ્ચે પણ ભારતનો આમ આદમી હસતાં હસતાં જીવી રહ્યો છે, એ જોઈને કોઈપણ શાસક એટલો તો ચોક્કસ ગર્વ લઈ શકે કે જનતા ફક્ત અમારા શાસનમાં જ આટલી મજબૂત અને સહનશીલ બની શકી છે! એ તો સારું છે કે કોઈ સેવાભાવી નેતાએ હજુ એવું કહ્યું નથી કે જુઓ ભાઈઓ અને બહેનો, અમને તમારા એક એક રૂપિયાની ચિંતા છે, માટે રૂપિયાને અમે કેટલો સસ્તો કરી દીધો!

અમેરિકા ભલેને પોતાને શ્રીમંત સમજતો હોય પણ આપણા રૂપિયાની બરોબરી કરી શકે એમ છે? એક સાચા શાસક તરીકે અમને એ નથી સમજાતું કે ડોલર આટલો બધો મોંઘો છે તોય અમેરિકાનાં લોકો સહેજ પણ બૂમો નથી પાડતાં અને આપણે ત્યાં રૂપિયો કેટલો બધો સસ્તો થઈ રહ્યો છે તોય લોકો બૂમો પાડે છે!

ચૂસકી :

  • મુરતિયાનો ફોટો જોઈને છોકરીએ મેરેજ બ્યૂરોવાળાને કહ્યું : આમાં બીજો કલર હોય તો બતાવોને?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.