Slap: The Same Language Of Oppose Against Politicians In The World
  • Home
  • Supplements
  • Sanskar
  • નેતાઓને થપ્પડ અને જૂતાં : વિશ્વમાં આક્રોશની ભાષા એકસમાન  

નેતાઓને થપ્પડ અને જૂતાં : વિશ્વમાં આક્રોશની ભાષા એકસમાન  

 | 4:06 am IST

સિયાસત કો લહુ પીને કી લત હૈ વરના મુલ્ક મં સબ ખેરિયત હૈ. ચૂંટણીના લાં…બા સમયગાળામાં પોલિટિક્સના ઓવરડોઝથી હવે લોકો કંટાળ્યા છે. નુક્કડથી ન્યૂઝ ચેનલ્સ સુધી એ જ છાપેલાં કાટલા જેવા નેતાઓ અને એ જ ભાષણો વચ્ચે કયાંક કયાંક થપ્પડોની ગુંજ સંભળાઈ રહી છે. સરાજાહેર નેતાઓ ઉપર જૂતાં ફેંકવાની અને થપ્પડો મારવાની ઘટનામાં આ વખતે ફરી એકવખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને હાર્દિક પટેલને લાફા ખાવા પડયા છે. “સિયાસત ઈસ કદર અવામ પે એહસાન કરતી હૈ, પહલે આંખે છિન લેતી હૈ ફિર ચશ્મે દાન કરતી હૈ…” આવી સ્થિતિ વિશ્વમાં જ્યાં જ્યાં છે ત્યાં સરફીરા લોકો જાહેરમાં નેતાઓને નિશાન બનાવી ધ્યાન ખેંચે છે. માત્ર ભારત જ નહીં અમેરિકા, ઈરાક, ગ્રીસમાં પણ આવા બનાવો બન્યા છે. ભારતમાં કેજરીવાલ પર થપ્પડ, ચપ્પલ, શાહી, મરચાંની ભૂકી… વગેરે પ્રકારના ૯ હુમલા થયા છે, જે પોતે એક વિક્રમ છે. તેમની પાર્ટી માટે આ કંઈ નવું નથી.

આમ આદમી પાર્ટીના પ્રવક્તા એઝાઝને તો ટીવીની લાઈવ ડિબેટમાં પાર્ટીની ભૂતપૂર્વ સભ્ય ટીના શર્માએ લાફો ઝીંકી દીધેલો.. જાતિવાદની ચર્ચામાં અભદ્દ ટિપ્પણીથી મામલો બીચકતા એન્કરની દરમિયાનગીરી છતાં ટીનાનો હાથ ઉપડી ગયેલો.

લાઈવ શોમાં થતી ગરમાગરમી હિંસક બની જતી હોય તેવું પૂરા વિશ્વમાં બને છે એથેન્સમાં ગ્રીસની ગોલ્ડન ડોન પાર્ટીના પ્રવકતાએ બે ડાબેરી નેતાઓને ઉપરા છાપરી થપ્પડો ઝીંકતા ભારે ધમાલ થયેલી.

સુરેન્દ્રનગરમાં જનઆક્રોશ રેલીને સંબોધતા હાર્દિક પટેલને ખુદને જ જન આક્રોશનો ભોગ બનવું પડેલું. હાર્દિકના આંદોલન વખતે પત્ની અને પુત્રને થયેલી હેરાનગતિથી અકળાયેલા તરુણ ગજ્જરે રેલી વખતે હાર્દિકને લાફો મારી દાઝ કાઢેલી.

હરિયાણામાં નોકરી ન મળતાં પરેશાન કમલ મુખીનીએ મુખ્યમંત્રી ભુપિન્દર સિંઘ હુડ્ડાને લાફો મારતાં ભારે હોબાળો થયેલો. પત્રકારો પ્રશ્નોના બાણ ચલાવે એ તો સમજાય પણ એક શીખ પત્રકાર જરનૈલ સિંઘે તત્કાલીન નાણાંમંત્રી પી. ચિદમ્બરમ ઉપર બૂટનો ઘા કરેલો. આમ આદમી પાર્ટી વતી ચૂંટણી લડતા જરનૈલ સિંઘના પ્રશ્નનો મંત્રીએ જવાબ ન આપતાં તેણે બૂટ ફેંકી ગુસ્સો ઉતાર્યો હતો.

અમેરિકામાં ૨૦૧૪માં સ્ક્રેપ રિસાયકલિંગ વિશે બોલી રહેલા હિલેરી કિલન્ટન ઉપર એક યુવતીએ જૂતાંનો ઘા કરેલો. હિલેરીએ બહુ ફની પ્રત્યાઘાત આપતાં કહેલું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આટલું વિવાદસ્પદ હશે એ મને ખબર ન હતી. જૂતાંને અપમાનની ચરમસીમા ગણવામાં આવે છે. ઈરાક યુદ્ધ વખતે જયોર્જ બુશ ઉપર ઈરાકી પત્રકાર મુન્તધર અલ ઝૈદીએ બબ્બે જૂતાં ફેંકેલા.

એવું નથી કે માત્ર લોકો જ નેતાઓને મારે છે હિન્દુસ્તાનમાં નેતાઓ અને તેના (ચા કરતા કીટલી વધુ ગરમ ટાઈપના) સગાંઓ પણ કર્મચારીઓને જાહેરમાં ઢીબી નાખે છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આમ તો શાંત સ્વભાવના છે, પણ એક રેલીમાં અવ્યવસ્થાથી ચીડાઈને તેણે પોતાના બોર્ડીગાર્ડને તમાચો મારી દીધેલો. ડેલહાઉસી તેની શીતળતા માટે જાણીતા છે, પરંતુ ત્યાંનાં ધારાસભ્ય આશાકુમારીએ લેડી પોલીસ કોન્સ્ટેબલને ગરમાગરમી કરી લાફો ઝીંકી દીધેલો, કારણ એટલું જ કે સિમલામાં રાહુલના કાર્યક્રમમાં અંદર જતાં એમએલએને કોન્સ્ટેબલે રોકેલાં. જો કે કોન્સ્ટેબલે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપેલો. લેડી સિંઘમ !!

શિવસેનાના સાંસદ જરા હટકે હોય છે – પ્લેનમાં બિઝનેસ કલાસ ન મળતાં રવિન્દ્ર ગાયકવાડે એર ઈન્ડિયાના કર્મચારીને જૂતાંથી મારેલા. જમીનના કેસોમાં બહુ કજિયા થતા હોય છે – એનસીપીના કરજત (રાયગઢ)ના ધારાસભ્યએ આવા જ એક મામલે ડેપ્યુટી કલેકટરને ધોઈ નાખ્યા હતા. મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય રામચંદ્ર અવસરેએ તો પોલીસ સ્ટેશનની અંદર અધિકારીઓની હાજરીમાં જ રાજુ સાથવણે નામના કોન્સ્ટેબલને થપ્પડ મારી દીધેલી.

‘જાનતા હે મેં કૌન હું? ‘ નેતાઓના સગાસંબંધીઓ આવું અકસર બોલે છે સમાજવાદી પાર્ટીના નેતા રમેશ યાદવના ભત્રીજા અને ભાજપના ધારાસભ્ય ચંદ્રકાન્ત મેઘવાલના પતિએ પણ કોન્સ્ટેબલોને ધોઈ નાખ્યા હતા.

આપણું રાજકારણ ખરેખર એકશનપેક્ડ ફિલ્મ જેવું જ છે.

ઝૂમ ઈન  

મેરા ઝુકના ઔર તેરા

ખુદા હો જાના…

અચ્છા નહીં ઈતના

બડા હો જાના…

ઝૂમ આઉટ  

જિસકી જો નિયત થી

ઉસને વો બહાયા

કિસાનો ને દૂધ તો

સરકારને ખૂન બહાયા

 

વાઈડ એન્ગલ :- જયેશ ઠકરાર

fb/ jayesh thakrar wide angle

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન