Learn about skin problems and remedies that arise in monsoons
  • Home
  • Fashion & Beauty
  • ચોમાસામાં ઊભી થતી ત્વચા સમસ્યા અને ઉપાય,જાણો

ચોમાસામાં ઊભી થતી ત્વચા સમસ્યા અને ઉપાય,જાણો

 | 7:00 am IST

બ્યૂટી । શહેનાઝ હુસેન

બળબળતા ઉનાળા પછી આવતો વરસાદ કોને પ્રસન્ન નથી કરતો ? લીલાછમ થયેલા વૃક્ષો, હરિયાળી, કારની રોમેન્ટિક સફર અને સાંજે પ્રિયજનો સાથે પસાર થતો સમય કોને નથી લોભાવતા ? અત્યારે તનમનને શીતળતા અને આહ્લાદકે આપતો વરસાદ શરૂ થઈ ગયો છે. અને આશા રાખીએ કે આ વર્ષે પ્રકૃતિની સારી કૃપા વરસે.

વરસાદનું આગમન શીતળતા આપે છે પરંતુ તે ત્વચાને માટે કેટલીક તકલીફો પણ લાવે છે. ત્વચા નિસ્તેજ બને છે. એલર્જી થાય છે, ડાઇપર-પિગમેન્ટેશન, ફેસિયલ ફોલિક્યુલાઇટિસને જન્મ આપે છે. ભેજ અને કચરો મળીને વાળને નિસ્તેજ, બરછટ બનાવે છે. બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેકશન્સ ત્વચા અને વાળમાં તરત થઈ જાય છે. હવામા વધુ ભેજ હોવાને કારણે ત્વચાની તેલગ્રંથિઓ વધુ સક્રિય બને છે. જેથી ખંજવાળની સમસ્યા ઉતપન્ન થાય છે. આ સ્થિતિ ત્વચા અને વાળ બંનેને અસર કરે છે.

વર્ષાઋતુમાં વધારે પડતો પ્રસ્વેદ, પાણીની ઊણપ, સૂર્યની ફોટો-ટોક્સિક અસરો અને હવામાંનો ભેજ વગેરે મળીને ચેપની સ્થિતિ ઉત્પન્ન કરે છે. અળાઇ તેમાની એક સમસ્યા છે. તમને પણ જો આ ઋતુમાં આ પકારની સમસ્યા થાય તો તેમનો સામનો કરવાની કેટલીક રીતો છે જે તમને ઉપયોગી થશે.

જો તમને ત્વચાનો કોઇ ચેપ લાગે તો તે વધે નહીં તે માટે એન્ટી-ફંગલ પાઉડરનો ઉપયોગ કરો. તમારી ત્વચાને હંમેશા કોરી રાખો. ભેજવાળા કપડાં ના પહેરશો. ભીના પગરખાં કે શૂઝને પણ તરત કાઢી નાખો. આવી નાની નાની અગમચેતી તમને સ્વસ્થ રહેવામા મદદ કરશે.

સુંદરતા એ ફક્ત જોવાની કે બાહ્ય બાબત નથી. તે અનુભવનો વિષય છે. વર્ષાઋતુમાં તો આ વાતનુ મહત્ત્વ ઘણું વધી જાય છે. કારણકે આ ઋતુમાં સુંદર દેખાવું અથવા સુંદરતાનો અનુભવ કરવો એ મુશ્કેલ કામ છે. હવામાના અતિશય ભેજને કારણે ત્વચા અને વાળ બંનેની હાલત બગડી જાય છે. પરસેવો અને તેલ વાળ-ત્વચાને કુરૂપ બનાવી દે છે. તેથી ઋતુ પ્રમાણે વાળ-ત્વચાનો નિત્યક્રમ ઘડવો જરૂરી છે.

ફૂલોની સુગંધવાળું સ્કિન-ટોનિક આ ઋતુમાં સારું રહે છે. આ ટોનિકને એક વાટકીમાં કાઢીને ફ્રીઝમા મૂકી રાખો. તેમાં રૂના પૂમડા બોળી રાખો. ઠંડું થાય ત્યારે તે રૂના પૂમડાથી ત્વચા સાફ કરો. ગુલાબજળનો ઉપયોગ કરીને આવું ટોનિક બનાવી શકાય. ગુલાબજળ કુદરતી સ્કિન-ટોનર છે. દિવસમાં જ્યારે જરૂર લાગે ત્યારે તેનાથી ત્વચા સાફ કરતા રહો. તેનાથી તાજગી મળશે. ઠંડું ટોનર છિદ્રોને બંધ કરીને ત્વચાને સ્વસ્થ બનાવે છે.

હું આંખોનો થાક ઉતારવા માટે પણ સ્કિન-ટોનિક વાપરું છું. તેમા બોળેલા રૂને આંખો પર મૂકું છું. આંખો પર ઠંડું પાણી છાંટવાથી પણ રાહત મળે છે. ઘણીવાર થાકને કારણે આંખો સૂજી જાય છે. આ સ્થિતિમાં હું વારાફરતી ઠંડા-ગરમ પાણીથી આંખો ધોઉં છું. કેટલીકવાર પાણીમાં બોળેલી ટી-બેગ્સને પોપચા પર મૂકું છું. ટી-બેગ્સ સોજામાં રાહત આપે છે.

વર્ષાઋતુનો ફેસ-માસ્ક આ પ્રમાણે બનાવો ત્રણ ચમચી ઓટ્સને એક ઇંડાની સફેદી, એક ચમચી મધ અને એક ચમચી દહીમાં મિક્સ કરો : જો તમારે ઇંડાની સફેદી ના વાપરવી હોય તો તેના બદલે ગુલાબજળ અથવા નારંગીનો રસ લો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી ધોઈ લો. સપ્તાહમાં બે વાર આ પ્રમાણે કરો. આ ફેસ-માસ્કમાં બદામનો પાઉડર અથવા લીંબુ-સંતરાની છાલનો પાઉડર ઉમેરી શકાય.

બીજો માસ્ક છે. ફ્રૂટ માસ્ક. ગરમ અને ભેજવાળી ઋતુમાં માસ્ક તાજગી દાયક છે. આ માસ્કમાં તમે કાકડીનો છૂંદો ઉમેરી શકો કારણકે કાકડી એસ્ટ્રિન્જન્ટ છે અને છિદ્રોને બંધ કરે છે. ફ્રૂટ માસ્ક બનાવવામાં પાકું પપૈયુ, છીણેલું સફરજન, તરબૂચ, પાઇનેપલ વાપરી શકાય. પપૈયું અને કાકડી ત્વચાનું ટેનિંગ (તડકાથી આવેલી કાળાશ) દૂર કરવામાં મદદ કરે છે. સૂકી ત્વચા પર કેરી ખૂબ લાભ આપે છે. ફ્રૂટ માસ્કને ચહેરા પર લગાવો અને અડધા કલાક બાદ પાણીથી ધોઈ લો.

હું મારા વાળ આ ઋતુમાં અવારનવાર ધોઉં છું. ચા અને લીંબુનો રસ વાળ માટે ઉત્તમ પદાર્થો છે. તે વાળમાં ચમક લાવે છે. વાપરેલી ચાને ફરીવાર પાણીમાં ઉકાળો. ઠંડી થાય પછી ગાળી લો. અને તેમાં એક લીંબુનો રસ મેળવો. વાળને શેમ્પૂ કર્યા બાદ અંતે આ પાણીને વાળમાં રેડી દો. મિશ્રણને સુગંધિત બનાવવા લીંબુનો રસ અને અડધો કપ ગુલાબજળ એક મગ પાણીમાં મિક્સ કરો અને વાળમાં રેડી દો.

વાળને નિસ્તેજ અને બરછટ બનતા રોકવા આ પ્રમાણે કરો. એપલ સીડર વિનેગરને પાણીમા મિક્સ કરો. એક ચમચો એપલ સીડર વિનેગર અડધા કપ પાણીમાં મિક્સ કરો. આ મિશ્રણને શેમ્પૂ કર્યા બાદ વાળમાં રેડી દો. તે તમારા વાળને શીતળતા આપશે. વાળ ધોવા માટે સૌમ્ય ગુણોવાળો શેમ્પૂ વાપરો. રસાયણમુક્ત શેમ્પૂ વાપરવાનું ટાળો. ચોમાસામાં વાળ વધારે ઊતરે છે અને તેનું મુખ્ય કારણ છે. બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેકશન્સ. ફેસિયલ ફોલિલાઇટિસથી બચવા માટે પરસેવાથી બચો અને વાળને શક્ય એટલાં પ્રસ્વદે-મુક્ત રાખો. દિવસમાં બે-ત્રણવાર સ્નાન કરીને પરસેવાથી બચી શકાય છે.

આપણે સાર્વજનિક ટોઇલેટ્સ વાપરવાનું ટાળવું જોઈએ કારણકે તેમાં ચેપકારક પરિબળો વધારે હોય છે. રોજનું ૧૦-૧૨ ગ્લાસ પાણી પીઓ અને ત્વચાને કોમળ રાખવા મોઇસ્ચરાઇઝર વાપરો. દરેક પ્રકારની ત્વચા માટે મોઇસ્ચરાઇઝર જરૂરી છે.

પગને ઠંડા કે ગરમ પાણીમાં બોળી રાખવા એ પરમ રાહતદાયક અને તાજગી દાયક ઉપાય છે. પા ડોલ હૂંફાળા પાણીમાં એક ચમચો મીઠું અને અડધો કપ લીંબુનો રસ ઉમેરીને તેમાં પગ બોળો. તેમાં થોડાં ટીપા ટી-ટ્રી-ઓઈલ ઉમેરી શકાય. તે પગને ત્વચાની સમસ્યાઓથી દૂર રાખે છે. પગને અડધો કલાક બોળીને રાખો. ગમરમ ભેજવાળી આબોહવામાં ઠંડા પાણીનો ઉપયોગ પણ તાજગી આપે છે. ઠંડા પાણીમાં ગુલાબજળ, લીંબુનો રસ અને યુ. ડી. કોલન ઉમેરીને તેમાં અડધો કલાક પગ બોળી રાખો. તે પગને ઠંડા, સ્વચ્છ અને સુગંધિત બનાવશે.

ચોમાસામાં ત્વચાને સ્વચ્છ રાખો. તેને જંતુમુક્ત રાખવા એન્ટિ-ફંગલ પાઉડર વાપરો. ત્વચાને ભેજમુક્ત રાખો.

કોઈના વસ્ત્રો કે ટુવાલ વાપરશો નહીં. સિન્થેટિક કે તંગ વસ્ત્રો પહેરવાનું ટાળો. વસ્ત્રોના કાપડમાંથી હવાની અવરજવર રહે અને પરસેવો સુકાય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો. પગમાં પણ પવન લાગે અને પરસેવો સુકાય તેવા સુતરાઉ મોજાં અને ચંપલ પહેરો.

ચોમાસામાં ફૂગજન્ય ચેપને કારણે નખ કદરૂપા અને બરડ બને છે. ચોમાસામાં નખને નિયમિત રીતે કાપતા રહો. જેથી કચરો ભરાઈને તેમાં ચેપ ના લાગે.

ચોમાસામાં ખૂબ પરસેવો થવાને કારણે શરીરમાંથી પાણીની હાનિ થાય છે. તેથી લીંબુ પાણી અને ફળોના રસ જેવા પ્રવાહી લેતા રહો. અન્ય સામાન્ય તકલીફોમાં ઘરેલુ ઉપાય કરો. કફ અને ગળાની ખરાબીમાં આદંવાળી ચા પીઓ. તેમાં થોડા તુલસીના પાન પણ નાખો. ગળામાં સોજો હોય તો ફક્ત તુલસીની ચા પણ પી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન