Learn how the omicron variant of the Corona was born
  • Home
  • World
  • જાણો કેવી રીતે થયો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો જન્મ ? એઇડ્ઝ સાથે તેનું કનેક્શન

જાણો કેવી રીતે થયો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો જન્મ ? એઇડ્ઝ સાથે તેનું કનેક્શન

 | 11:33 pm IST
  • Share

વિશ્વભરમાં હાલના સંજોગોમાં કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ મોટી ચિંતાનો વિષય બની ગયો છે. અત્યાર સુધી થયેલા અભ્યાસોના આધાર પર દાવો કરવામાં આવે છે કે કોરોનાના આ વેરિઅન્ટમાં ૩૦થી વધારે મ્યૂટન્ટ જોવા મળ્યા છે કે, જે તેને અત્યાર સુધીનો સૌથી સંક્રામક વેરિઅન્ટ બનાવે છે. સૌથી પહેલાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના આ વેરિઅન્ટે ઝડપથી પોતાના પગ પસારવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ૧૦થી વધારે દેશોમાં ઓમિક્રોનથી સંક્રમિત કેસીસ દેખાવા લાગ્યા છે. ઘણા દેશોએ આ વેરિઅન્ટને પોતાના દેશમાં પ્રવેશતો રોકવા માટે સાવચેતીના પગલારૂપે આંતરરાષ્ટ્રીય પ્રવાસો ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

કોરોનાનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ ચિંતાનો વિષય

આ બધાની વચ્ચે લોકોના મનમાં એક સવાલ ઊભો થયો છે કે વિશ્વમાં ઓમિક્રોનનો પ્રથમ શિકાર કોણ બન્યો હતો અથવા તો ક્યા વ્યક્તિથી ઓમિક્રોનના સંક્રમણની શરૂઆત થઈ હતી? આ બાબતને લઈને સાઉથ આફ્રિકાના એક વૈજ્ઞાનિકે મોટો દાવો કર્યો છે. આ વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે એવો સંદેહ છે કે કોરોનાનો આ નવો વેરિઅન્ટ કોઈ એચઆઈવી-એઇડ્ઝના દર્દીમા લાંબા સમય સુધી કોવિડ-૧૯ સંક્રમણ રહેવાના કારણે ફેલાયો છે. કોરોનાના આ નવા વેરિઅન્ટ પર નજર રાખતા વૈજ્ઞાનિકનું કહેવું છે કેઇમ્યૂનોકમ્પ્રોમાઇઝડ વ્યક્તિ જો કોવિડથી સંક્રમિત થાય તો સંક્રમણનો ગાળો લાંબો થઈ શકે છે જેને પરિણામે વાઇરસને મ્યૂટન્ટ થવાનો સમય મળે છે. ઓમિક્રોનનો ઉદય સંભવિતપણે આ પ્રકારે થયો હશે.

વાઇરસનું મ્યૂટેશન કેવું હોય છે?
વાઇરસમાં મ્યૂટેશનને સમજવાનો પ્રયાસ કરીએ તો વૈજ્ઞાનિકો કહે છે કે વાઇરસના આનુવંશિક કોડિંગમાં કેટલીક ખામીઓના કારણે મ્યૂટેશન થાય છે. સામાન્ય રીતે આવી સ્થિતિ ત્યારે આવે છે કે જ્યારે વાઇરસ રેપ્લિકેટ કરે છે. ક્યારેય ક્યારેક આનુવંશિક કોડમાં આ પરિવર્તન વાઇરસમાં એક પ્રોટીનને બદલી નાખે છે જેને પરિણામે વાઇરસની પ્રકૃતિમાં બદલાવ આવે છે. આ કારણ છે કે મ્યૂટેશનની પછી વાઇરસ વધારે સંક્રામક અને ઘાતક બની જાય છે. ઓમિક્રોનના કિસ્સામાં કદાચ આવું જ થયું હોઈ શકે.

ઇમ્યૂનોકમ્પ્રોમાઇઝડ દર્દીઓમાં વાઇરસનું મ્યૂટેશન
નેચર જર્નલમાં પ્રસિદ્ધ એક અભ્યાસમાં એક ઇમ્યૂનોકમ્પ્રોમાઇઝડ દર્દીના ડેટા અંગે જણાવવામાં આવ્યું હતું કે જેનું કોવિડ સંક્રમિત રહેવાના ૧૦૨ દિવસ બાદ મોત થયું હતું. ૧૦૨ દિવસના સમયગાળા દરમિયાન ૨૩ અલગ અલગ દિવસમાં લેવામાં આવેલા નમૂનાના અભ્યાસમાં કેમ્બ્રિજ યુનિ.ના સંશોધકોની એક ટીમને જાણવા મળ્યંુ હતું કે ઇમ્યૂનોકમ્પ્રોમાઇઝડ દર્દીના શરીરમાં વાઇરસમાં થનારા મ્યૂટેશન તેને સરળતાથી પ્રસરનારા અને એન્ટિબૉડીથી બચવામાં સક્ષમ બનાવે છે.

ઓમિક્રોન વેરિઅન્ટના ઉદયને લઈને અભ્યાસ
આ પ્રકારના રિપોર્ટ્સને આધારે હવે વૈજ્ઞાનિકો એ બાબતનો ક્યાસ લગાવી રહ્યા છે કે સંભવિતપણે ઓમિક્રોન વેરિઅન્ટ પણ કોઈ ઇમ્યૂનોકમ્પ્રોમાઇઝડ કોવિડ પોઝિટિવ દર્દીના માધ્યમથી પેદા થયો હોઈ શકે છે. એટલું જ નહીં તમામ અભ્યાસોના માધ્યમથી વૈજ્ઞાનિક ચિકિત્સકોને પણ સતર્ક કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઇમ્યૂનોકમ્પ્રોમાઇઝડ કોવિડ રોગીઓની સારવાર કરવા સમયે વિશેષ સાવધાની રાખવાની ખાસ જરૂર છે, કેમ કે આવા રોગી વાઇરસના મ્યૂટેશનના મુખ્ય વાહક બની શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો