Let the children do what they like, not what their parents like
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • માબાપને ગમતું કામ નહીં, બાળકોને ગમતું કામ કરવા દઈએ

માબાપને ગમતું કામ નહીં, બાળકોને ગમતું કામ કરવા દઈએ

 | 12:30 am IST
  • Share

બાળઉછેરને સરળ બનાવવા માતાપિતાએ પ્રયત્નો કરવા જોઇએ. એ પ્રયત્નોના ભાગરૃપે મિત્રો આપણે આ કોલમમાં અલગ રીતે પરેન્ટિંગનો કક્કો ઘૂંટી રહ્યાં છીએ. ચાલો, આપણે આજે કક્કામાં ‘. થાકનો થ ઘૂંટીએ. 

 ‘મમ્મી, આજે સાયન્સનો પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, આજે ડાન્સ ક્લાસ નહીં જાઉં તો ચાલે?’  

ન ચાલે, આવતા વીકમાં સિલેક્શન છે, તારું તો થઈ જ જવાનું છે પણ પ્રેક્ટિસ તો જોઈએ. ‘  

મમ્મા, મારે ડ્રોઇંગ જ શીખવું છે, કરાટે ક્લાસ આવતા વર્ષે જાઉં તો ચાલેને?’ 

ના, તું પાછળ પડી જઈશ, મેન્ટલ મેથ્સના ક્લાસ પણ આવતા વર્ષે આવશે, સાયન્સની એકસ્ટ્રા એક્ઝામ પણ…એટલે વેકેશનમાં કરાટે પૂરું કરવું પડે.‘  

ડેડ, ક્રિકેટ રમવું મને ગમે છે પણ મારે એમાં કોચિંગ નથી લેવું, મારે તો બસ ભણવું છે, ખૂબ વાંચવું છે.‘  

ઓલરાઉન્ડર બનવું પડે, એમ ન ચાલે, વેદિયા થવાય.‘ 

મમ્મી, મારે ટેબલ ટેનિસ શીખવું છે, ચેસ નહીં, મને ટેબલ ટેનિસ શીખવા જવા દેને.‘ 

ના, ટેબલ ટેનિસ રમી રમીને તું થાકી જઈશ. એમાં આગળ વધવાના ખાસ કોઇ ચાન્સ પણ નથી. ચેસમાં તને થાક પણ નહીં લાગે અને આ બુદ્ધિજીવીઓની રમત છે, તારી બુદ્ધિનો વિકાસ થશે.‘ 

 આજે બધાને પોતાનું બાળક બધી જ પ્રવૃત્તિઓમાં નંબરવન પર જોઈએ છે, ભણવામાં, રમવામાં, ઇતર પ્રવૃત્તિઓમાં…  

બધા જ એમ વિચારે છે કે જમાનો ઝડપનો છે. આગળ વધવાનો છે. પોતાનું બાળક બધું નહીં શીખે તો મોટું થતાં પાછળ પડી જશે. બાળક પાછળ ન પડી જાય એટલે સ્કૂલના અને ટયૂશનના સમય ઉપરાંત વધારાના જાતજાતના અને ભાતભાતના ક્લાસ રાખવામાં આવે છે. આટલું ઓછું હોય એમ બાળકને શનિ-રવિ અને વેકેશનમાં પણ નિરાંત લેવા દેવી નથી. પહેલાં બાળક વેકેશનમાં નિરાંતે રમી શકતું, મોડે સુધી ઊંઘી શકતું, મહોલ્લામાં રખડપટ્ટી કરતું. આ બધી વાત તો હવે જાણે ભૂતકાળ બની ચૂકી છે. સતત પ્રવૃત્તિમય રહેવાથી બાળકને થાક લાગે છે. સવારે ઊઠે ત્યારથી શરૃ કરી મોડી સાંજે પરવારતું બાળક થાકની ફ્રિયાદ કરે ત્યારે માબાપ ડોક્ટરની પાસે જાતજાતનાં વિટામિન્સ સપ્લિમેન્ટ્સ લખાવી લાવે છે. ઘણાં માતાપિતા ડોક્ટર પાસે જવાને બદલે ટીવીમાં આવતી જાહેરાતોને આધારે બાળક માટે વિવિધ પ્રકારની પ્રોડક્ટ લઇ આવે છે.  

 એક બાજુ બાળક માબાપનું ધાર્યું કરે એ માટે એને પિત્ઝા, બર્ગર, આઇસક્રીમ, ચોકલેટ્સ આપતાં માબાપ જાણેઅજાણે બાળકને શારીરિક રીતે નબળું તો પાડે જ છે સાથે સાથે દોડાદોડી અને ઊંઘવાના સમયમાં કાપ થવાથી બાળક વધુ થાક અનુભવે એ સ્વાભાવિક છે. બહારથી અપાતા વિટામિન એમાં ખાસ મદદ નથી કરતા અને માબાપ ફ્રિયાદ કરે છેઃ આજકાલનાં છોકરાં તદ્દન નબળાં, જરા જરામાં થાકી જાય છે. અમે તો નાના હતા ત્યારે કેટલું ચાલતા, કેટલું કામ કરતા તોય થાક કોને કહેવાય એની અમને ખબર સુધ્ધાં નહોતી પડતી. ‘  

 પણ એ લોકો એ ભૂલી જાય છે કે ત્યારે આટલા ટયૂશન અને એક્સ્ટ્રા ક્લાસ નહોતા. એ લોકો પોતે જે પ્રવૃત્તિ ગમે તે જ કરતા, માબાપનું કોઈ દબાણ નહોતું. ઘરના વડીલો એમના સમયનો હિસાબ પણ નહોતા પૂછતાં.  

 થાક લાગવાનાં ત્રણ કારણો હોય છે ઃ એક તો આરામ વગર વધુ પડતી પ્રવૃત્તિઓ કરવી, બીજું પોષક ખોરાકનો અભાવ અને ત્રીજું ન ગમતી પ્રવૃત્તિ કરવી.  

 આમાં ત્રીજું કારણ સમજવું બહુ મહત્ત્વનું છે. ન ગમતું કોઈ પણ કામ માત્ર થાક જ આપે છે. એમાં મહેનત કરવાથી ભલે સફ્ળ થવાય પણ એનો આનંદ માત્ર માબાપને જ થશે, બાળકને નહીં, અને એનાથી ઊલટું ગમતી પ્રવૃત્તિ માત્ર આનંદ આપે છે. એ કામ માટે કલાકો આપવા પડે તો પણ થાક નહીં લાગે.  

  જો તમારું બાળક થાકી જાય છે? તો એને ગમતું કામ કરવા દો, તમને ગમતું કામ નહીં. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો