'ચાલો એક દિવસ પાછા સ્કૂલમાં..' હેપ્પી ટીચર્સ ડે - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • ‘ચાલો એક દિવસ પાછા સ્કૂલમાં..’ હેપ્પી ટીચર્સ ડે

‘ચાલો એક દિવસ પાછા સ્કૂલમાં..’ હેપ્પી ટીચર્સ ડે

 | 1:24 am IST

યૂથ કોર્નર । દીપા સોની

કોલેજના ત્રીજા વર્ષમાં ભણતો આકાશ કહે છે કે, સ્કૂલમાં ભણતા ત્યારે કોલેજમાં જવાની બહુ ઇચ્છા હતી. સ્કૂલના નિયમોથી ક્યારેક કંટાળો આવતો પણ કોલેજમાં આવ્યા પછી સ્કૂલ બહુ યાદ આવે છે. સ્કૂલમાં ભલે આકરા નિયમો હતા પણ આત્મીયતા હતી. દરેક શિક્ષક માતા-પિતાની જેમ સમજાવતા, સલાહ આપતા, લાગણી રાખતા. મને તો જ્યારે સ્કૂલની યાદ આવે, શિક્ષકોની યાદ આવે ત્યારે અચૂક સ્કૂલે ચક્કર મારી આવું છું.

શિક્ષિકા બની રહેલી હેતલ કહે છે કે, સ્કૂલ પ્રત્યે લગાવને કારણે જ મેં આ કેરિયર પસંદ કરી. મારા વિદ્યાર્થીઓ માન આપે ત્યારે મને આ પદ પર પહોંચાડનાર મારા શિક્ષકો જરૂર યાદ આવે અને હું ક્યારેક મારા શિક્ષકને મળવા પણ જાઉં છું.

બેન્કમાં નોકરી કરતો વિરલ કહે છે કે, મને જીવનમાં કંઈ મૂંઝવણ હોય ત્યારે હું અચૂક સ્કૂલે જાઉં છું. મારા શિક્ષકોને મળું છું. મારા શિક્ષકો મને અવશ્ય રસ્તો બતાવે છે.

નાનપણની બધી યાદ તાજા જ રહેતી હોય છે. સ્કૂલ સમયના મિત્રો.. તોફાનો.. હોમવર્ક ન કરવાથી મળેલી સજા, સ્કૂલમાં મળેલા ઇનામો, મિત્રો સાથેની ધીંગામસ્તી, બધું જ યાદ હોય છે. જ્યારે બાળપણની વાત કરતા હોઈએ ત્યારે વાતોમાં સ્કૂલ અચૂક આવે જ અને વાત કરતા મનમાં ખુશી.. ઊમળકો અને ચહેરા પર હાસ્ય આવી જ જાય. તો પછી તે સ્કૂલમાં ફરીથી આંટો મરવાનું મન કેમ નથી થતું? બહાર નીકળતા હોઈએ ત્યારે પ્રાથમિક શિક્ષણ લીધું હોય તે સ્કૂલ રસ્તામાં આવે તો એક વાર તો બોલાઈ જ જવાય કે મારી સ્કૂલ. બસ.. આ મારી સ્કૂલમાં ફરીથી એક વાર જવાનો વિચાર કેમ નથી આવતો??

હમણાં એક વાર જૂની સ્કૂલમાં જવાનું થયું ત્યારે બાળપણની યાદો નજર સમક્ષ તરી ગઈ. એક અજીબ રોમાંચ થયો. બધી જ યાદો ફટાફટ નજર સામે આવી ગઈ. દરેક શિક્ષકના ચહેરા ડ્રોઇંગ આવડતું હોત તો આબેહૂબ દોરી શકી હોત તેવી રીતે યાદ આવી ગયા. આટલા સમયથી સ્કૂલે ન આવવા બદલ મનમાં ગ્લાનિ થઈ. બધા જ શિક્ષકોના નામ, તેમના વિષય, તેમનો પિરિયડ ક્યારે આવતો, તેમની સ્ટાઈલ, તેમની આદતો.. બધું જ યાદ આવી ગયું.

‘શિક્ષક દિન’ ૫ સપ્ટેમ્બર.. આપણે બધાએ આપણા શિક્ષકોને યાદ કર્યા જ હશે. મેસેજ પણ કર્યા હશે પણ શું વર્ષમાં એક જ વાર શિક્ષકોને યાદ કરવાના હોય? શું સ્કૂલ સમયના શિક્ષકને ફરીથી મળવાનું મન ન થાય? સાચા અર્થમાં શિક્ષકો કે જે શિક્ષણના વ્યવસાયીકરણથી જોજનો દૂર હતા. જેમણે સાચા અર્થમાં શિક્ષા અને સંસ્કાર આપ્યા. તેમને ક્યારેય મળવાનું મન ન થાય?? સ્કૂલ સમયની દોસ્તી એ જ પાક્કી મિત્રતા છે. પછીની બધી દોસ્તી તો વ્યવસાયિક કે તકવાદી છે. તે દોસ્તો યાદ છે તો તે શિક્ષકોને કેમ યાદ નથી રાખ્યા. આવા બધા જ વિચારો સ્કૂલનું પગથિયું દાયકાઓ પછી ચડતા મનમાં ઘેરી વળ્યા.

શિક્ષણ જેવા વિષયને લઈને બનેલી ‘થ્રી ઇડિયટ્સ’, ‘તારે જમીં પર’, ‘ચોક એન્ડ ડસ્ટર’, ‘હિંચકી’ જેવી ફિલ્મો જોઈને થયું કે ચલો દિલથી જે એકદમ નજીક છે, છતાં આપણે જેનું અંતર નથી કાપી શકતા તેવી સ્કૂલની એક મુલાકાત લઈ આવીએ. જ્યાં આપણે બેસતા, ભણતા, રમતા તે બધી જ જગ્યાએ ફરીથી સ્પર્શ કરી આવીએ. મોટાભાગે તો થોડા ઘણા ફેરફાર સિવાય સ્કૂલ તે જ હાલતમાં મળશે. જેમાં આપણે ભણતા હતા. કદાચ આપણા શિક્ષકો પણ મળી જશે. આપણી સ્કૂલ, આપણો ક્લાસ, વાહ કેટલો રોમાંચ આવશે.. અનુભવ તો કરી જુઓ.

ભલે તમે અત્યારે ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે મોટા વેપારી હો.. ભલે ને તમારાં બાળકો પોશ અંગરેજી માધ્યમની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતાં હોય.. પણ છતાં એક વાર સ્કૂલમાં જઈને તેની ખાલી બેન્ચ પર બેસી તો જુઓ. મન ભરાઈ ન જાય તો કહેજો.. દિલ ભાવુક ન થઈ જાય તો કહેજો. ભલેને તમે એ.સી. કેબિનમાં, રિવોલ્વિંગ ચેરમાં બેસતા હો.. પણ સ્કૂલની બેન્ચ પર વધુ આનંદ આવશે. ભલેને કોમ્પ્યુટર પર ફટાફટ ટાઈપ કરતા હો.. લાખોનો વેપાર કરતા હો, ચેકમાં સાઈન કરતા હો, પણ જ્યાં ભણ્યા હતા તે ક્લાસના બ્લેકબોર્ડ પર ચોકથી લખવું વધુ આનંદ આવશે. ભલેને કેટલાય લોકો યસ સર.. યસ મેમ.. કહીને તમારી સામે ઝૂકતા હોય પણ જ્યારે તમારા શિક્ષક ‘આ મારો/મારી વિદ્યાર્થી છે’ એમ કહીને માથે કે ખભે હાથ મૂકશે ત્યારે અત્યાર સુધીની સફર સાર્થક ગણાશે. રિટાયર્ડ થયેલા શિક્ષકો કે દુનિયા છોડી ગયેલા શિક્ષકોની વાતો નવા શિક્ષકો પાસેથી સાંભળશો ત્યારે અત્યાર સુધી આપણી પ્રગતિના પાયારૂપ શિક્ષકોથી અલિપ્ત રહ્યા તેનો અફસોસ થશે. શિક્ષકને હંમેશાં એ જ જોઈતું હોય છે કે તેમનો વિદ્યાર્થી સંસ્કારી બને અને પોતાના ક્ષેત્રમાં આગળ વધે. શિક્ષકને વિદ્યાર્થી પાસેથી કંઈ જ મેળવવાની આશા નથી. બસ વર્ષો પછી શિક્ષક સામે મળે ત્યારે વિદ્યાર્થી તેમનું અભિવાદન કરે એટલી જ આશા હોય છે. બસ એ જ તેમની જીવનભરની કમાણી અને સંતોષ… ખૂબીની વાત એ છે કે આપણને બધા જ શિક્ષકોના નામ યાદ હોય છે. તેમણે ક્યારેક કરેલી શિક્ષા કે વખાણ આપણે ભૂલ્યા જ નથી હોતા. આપણા બાળકો સાથએ પણ આપણી સ્કૂલની બધી વાતો દિલથી કરતા જ હોઈએ છીએ. તો પછી આવા શિક્ષકોને યાદ કરવાનો અવસર આવ્યો છે તો કેમ ચૂકાય?? ચલો શિક્ષકદિન નિમિત્તે એક વાર ફરીથી શાળામાં જઈને જૂના શિક્ષકોના આશીર્વાદ લઈ આવીએ.. ચલો શાળાની ફરીથી મુલાકાત લઈ આવીએ.. ચલો થોડી વારમાટે ફરીથી વિદ્યાર્થી બની જઈએ… ચલો તે જ ક્લાસમાં.. તે જ બેન્ચ પર બેસી આવીએ.

હેપ્પી ટીચર્સ ડે.