ચાલો, આપણે પ્રામાણિકતાની જ્યોત પ્રગટાવીએ! - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ચાલો, આપણે પ્રામાણિકતાની જ્યોત પ્રગટાવીએ!

ચાલો, આપણે પ્રામાણિકતાની જ્યોત પ્રગટાવીએ!

 | 12:07 am IST

સંસ્કાર

ધન મેળવવું નીતિથી, વાપરવું પ્રીતિથી;  

ભોગવવું રીતિથી, તો બચી જઈશું દુર્ગતિથી  

ભારત એક એવી વૈવિધ્યસભર મોહક ભૂમિ છે કે જેણે વિશ્વભરમાંથી શાસકો, વિચારકો, પ્રવાસીઓ અને વેપારીઓને આકર્ષ્યા છે અને આંજ્યા પણ છે. તેની અનંત પૌરાણિક કથાઓ, આધ્યાત્મિક રહસ્યો, કલા અને સ્થાપત્ય, રીતરિવાજો અને પરંપરાઓ, ઋતુઓ અને કુદરતી સૌંદર્ય આ બધાંના જાદુઈ આકર્ષણે વિશ્વને આંજી દીધું છે અને વિશ્વના અનેક વિચારકો એકમતે તેને કબૂલ કરે છે.

આવું આપણા ભારતનું ગૌરવ છે, પરંતુ કોણ જાણે કેટલાય સમયથી હવે તે ગૌરવને હાનિ પહોંચે તેવું વર્તન સૌની આંખે આવીને વળગી રહ્યું છે. પ્રામાણિકતા વિસરાઈ રહી છે. બસ, દેખો ત્યાંથી લૂંટો. પછી તે ગરીબનું હોય કે દેવમંદિરનું હોય, સદાચારીનું હોય કે વ્યભિચારીનું હોય, બાળકનું હોય કે વૃદ્ધનું હોય… ગમે તેનું હોય બસ, લૂંટો લૂંટો ને લૂંટો… ચારે બાજુ આનાં પડઘમ ગાજી રહ્યાં છે. કોણ જાણે આ કઈ હદે પહોંચશે અને ક્યાં જઈને અટકશે ? કોઈ પણ કામ કરાવવું હોય તો લાવો, બસો ને પાંચસો, દસ હજાર ને પચાસ હજાર… અરે, આ શું આપણા ભારતની શાન છે ?

આપણામાં, આપણાં બાળકોમાં, આપણા પરિવારમાં, આપણા સમાજમાં આ હાનિકારક દૂષણો ન પ્રવેશી જાય તે આપણે જોવાનું છે. આપણી જવાબદારીને આપણે નિભાવવાની છે. માણસને મકાન, રોટલો અને કપડાં આપી દીધાં એટલે તે સુખી થઈ ગયો એમ માનવું એ ભૂલભરેલું છે. માણસ કેવળ રોટલાથી જીવતો નથી. તેનામાં સંસ્કાર જોઈએ. પૂર્વે યાદવો દારૂ, જુગાર, વ્યભિચારથી જ ખુવાર થઈ ગયા હતા. અને આજેય ઘણા સંસ્કાર વિનાના ખુવાર થાય છે તે આપણે નજરે જોયા છે અને જાણીએ છીએ.

એક પિતાએ પોતાના પુત્રને રામાયણનો ગ્રંથ વાંચવા માટે આપ્યો. થોડા દિવસ પછી તેના પિતાએ પૂછયું કે, બેટા, રામાયણ વાંચી લીધી ? હા, મેં વાંચી લીધી. બેટા ! તું રામ બનીશને ? ના. તો લક્ષ્મણ બનીશ ? ના. તો શું તું ભરત બનીશ ? ના. તો તું બનવા શું માંગે છે ? હું તો રાવણ બનીશ રાવણ. કેમ બેટા, તારે રાવણ બનવું છે ? રાવણ બનુંને તો મને ૧૦ આઈસક્રીમના કપ ખાવા મળેને ! રામ બનું તો તો એક જ મળે.

આ માર્મિક દૃષ્ટાંત ઘણું બધું કહી જાય છે. જે રાવણ બને છે તેને અનેકગણું મળી જાય છે. રામ બને છે તેને અલ્પ મળે છે, પરંતુ યાદ રહે, અંતકાળે રાવણ જેવાને પસ્તાવું પડે છે, રામના વિચારો અનુસરનારને નહીં. સાવધાન થઈ જવાની જરૂર છે. સમાજનો એક વર્ગ એવો છે કે, જેને ગમે તેટલું મળે તો પણ તેને તે ઓછું જ લાગે છે, તૃપ્તિ થતી જ નથી. તેથી જ્યાંથી મળે છે ત્યાંથી પકડી લે છે. જ્યાં-ત્યાં તે ઝાંવાં નાંખતો જ રહે છે. આજે તો વ્હાઈટ કોલર ચોર ઘણા છે. જેટલું નાના માણસોએ નુકસાન નથી પહોંચાડયું તેટલું મોટા શાહુકારોએ, દેશની સેવા કરવાની બૂમો પાડનારાઓએ પહોંચાડયું છે. પરંતુ તે ચોરી, અનીતિનું ધન બહુ ટકતું નથી તે સમજી રાખવા જેવું છે.

અનીતિ સે ધન હોત હૈ, વર્ષ પાંચ કે સાત;

તુલસી દ્વાદશ વર્ષ મેં, જડમૂલ સે જાત.

તુલસીદાસજી કહે છે કે, અણહકનું ધન પાંચ કે સાત કે દશ વર્ષ ચાલે છે. બાર વર્ષ પૂરાં થતાં-થતાં તો તે સર્વને લઈને જાય છે. તેથી આપણે નીતિમત્તાથી કમાઈને ધન સંપાદિત કરવું જોઈએ.

હકનું લઈએ ને હકનું દઈએ, હકનું હજમ થાય;

અણહકનો એક આનો લઈએ, તો ઊલટી બરકત જાય.

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ ધર્મ પાળવાની આજ્ઞા શિક્ષાપત્રીમાં શ્લોક ૮, ૯માં કરેલી જ છે.

શ્રીમદ્ ભાગવદ, પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે આલોક અને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિશે તે મોટા કષ્ટને પામે છે માટે સર્વેએ ધર્મ અવશ્ય પાળવો.

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી આદિ શાસ્ત્રોમાં ધર્મનું માત્ર પ્રતિપાદન કરીને મૂકી દીધું નથી, પરંતુ પોતાની હયાતીમાં જ શુદ્ધ ધર્મ પાળે અને બીજાને પળાવે એવા અનેક ભક્તોનું પણ ઘડતર કર્યું છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને સૌ કોઈના જીવનમાં નીતિમત્તા પ્રવર્તે તે માટે ગામોગામ વિચરણ કરીને સૌને સદુપદેશ આપ્યો છે. શિક્ષાપત્રી ગ્રંથમાં પણ પ્રામાણિકતાસભર જીવન જીવવાનો સંદેશ આપ્યો છે અને જનસમાજને લાલબત્તી ધરી છે.

જે ઘરમાં, જે પરિવારમાં, જે સમાજમાં, જે દેશમાં નીતિમત્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે તે જ ઘર, પરિવાર, સમાજ અને દેશ સુખી થાય છે. તો યુવાનો તમે તૈયાર થઈ જાવ. જે યુવાન હોય તે કાંઈક સમાજમાં નવીનતા લાવવા માટે હરહંમેશ તૈયાર હોય છે.

અંતમાં બસ, કોઈ કવિની ક્યાંક વાંચી હતી એ પંક્તિઓ, તેને તમે પણ વાંચી લો, વિચારી લો.

મહેંકી ઊઠે જમાનાના જમાનાઓ ફ્રી;  

કોઈ કળી ભરી એવી, મહેક છે કે નહીં ?  

જેના ઓજસથી પહોંચે, કાફ્લાઓ મંઝિલ પર;  

એવી એકેય સિતારામાં, ચમક છે કે નહીં ?  

  • સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજી કુમકુમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન