LGBTQ લોકોને કાયદાકીય સ્વીકૃતિ મળી, હજુ સામાજિક બાકી છે - Sandesh
  • Home
  • Columnist
  • LGBTQ લોકોને કાયદાકીય સ્વીકૃતિ મળી, હજુ સામાજિક બાકી છે

LGBTQ લોકોને કાયદાકીય સ્વીકૃતિ મળી, હજુ સામાજિક બાકી છે

 | 1:46 am IST

સ્નેપ શોટ

ગુરુવારે દેશની સુપ્રીમ કોર્ટે ૧૫૮ વર્ષ જૂની આઈપીસીની કલમ ૩૭૭ પર ઐતિહાસિક ચુકાદો આપીને બે પુખ્ત વયની વ્યક્તિ વચ્ચે મરજીથી બંધાયેલા જાતીય સંબંધો   કાયદેસર કર્યા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આપણી આસપાસ કેવા કેવા ફેરફાર આવનાર દિવસોમાં આવવાના છે તેની હજુ ઘણાબધાને કલ્પના નથી. સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદાથી વર્ષોથી દબાઈ રહેલી એક સ્પ્રિંગને છૂટી કરી છે, હવે આ સ્પ્રિંગ છૂટીને સમાજમાં કેવી અસરો ઊભી કરશે તેનું નિરીક્ષણ કરવું સમાજશાસ્ત્રીઓ માટે રસપ્રદ બની રહેશે.

આવનારા દિવસોમાં લગ્ન સંબંધિત જાહેરાતોનાં પેજ પર એક આવી પણ જાહેર ખબર જોવા મળશે.

આ પ્રકારની જાહેરાત માટે મેટ્રોમોનિયલ પેજ ઉપર હવે વર જોઈએ છે, કન્યા જોઈએ છેના વિભાગ ઉપરાંત એક અલગ વિભાગ શરૂ કરવો પડશે જેનું નામ LGBTQ કોર્નર હોઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે સજાતીય સંબંધોને માન્યતા આપી દેશમાં આ પ્રકારના સંબંધોને કાયદાકીય રક્ષણ પૂરું પાડયું છે પરંતુ આ પ્રકારના સંબંધો માટે સમાજમાં જે નફરત અને વિરોધનું  વાતાવરણ છે તે વાતાવરણ સુપ્રીમ કોર્ટ દૂર કરી શકવાની નથી, એટલા માટે જ આવનારા સમયમાં આ પ્રકારની પણ જાહેરખબર અખબારોમાં જોવા મળે તો નવાઈ નહીં.

સમાજમાં વર્ષો જૂની પડેલી રૂઢિઓ અને તેના ગમા-અણગમા કાયદાથી  દૂર થતા નથી.  સમાજે સજાતીય સંબંધોને હંમેશાં નફરત અને ઘૃણાની નજરે જોયા છે. પુરુષ-પુરુષ વચ્ચેના સંબંધો અથવા તો સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સંબંધોને સમાજે તિરસ્કાર્યા છે. LGBTQ(લેસ્બિયન, ગે,  બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિઅર)  લોકોને  હવે કાયદાએ તેમની પસંદગી મુજબ જીવવાનો હક્ક આપ્યો છે. આ હક્ક માટે વર્ષોથી આ લોકોએ લડત ચલાવી હતી અને વર્ષો સુધી આ લોકો સમાજની નફરત અને તિરસ્કારનો ભોગ બનેલા હતા. પોતાની ઓળખ છુપાવીને જીવવું એ કેટલું દર્દનાક હોય છે તેનો ખ્યાલ ક્યારેય સામાન્ય વ્યક્તિને આવી શકવાનો નથી. એક પુરુષનાં શરીરમાં એક સ્ત્રી  છુપાયેલી હોય કે પછી એક સ્ત્રીનાં શરીરમાં પુરુષ છુપાયેલો હોય કે પછી એક વ્યક્તિ એવી હોય કે તેને પુરુષ કે સ્ત્રી બંને તરીકે ઓળખાવવું ગમતું ના હોય  કે પછી એક છોકરીને એ ખબર ના પડતી હોય કે તેનો જાતીય ઝુકાવ છોકરા તરફ છે કે છોકરી તરફ, આ લોકોની જિંદગી ખૂબ જ જટિલ બની જતી હોય છે. બાળપણ તો જેમ તેમ પસાર થઈ જાય છે પરંતુ જેવો આ લોકો ટીનેજમાં પગ મૂકે છે ત્યારથી તેમની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. એક છોકરો હોય છે કે જેને છોકરાઓની રમતો ગમતી હોતી નથી, તેને છોકરીનાં કપડાં પહેરવાં ગમે છે. આ છોકરાના ઘરવાળાં જ તેનો સ્વીકાર કરતાં નથી અને આ છોકરો પોતાની સમસ્યા કોઈને કહી પણ શકતો નથી. કેવી જબરજસ્ત ઉલઝનમાં આ છોકરો ફસાયેલો હશે તેની કલ્પના કોઈને પણ આવી શકે તેમ નથી.

આ પ્રકારનાં લોકો માનસિક રીતે બીમાર નથી, તેમને કોઈ રોગ નથી, તેઓ કોઈ સમસ્યારૂપ નથી, બસ કુદરતી રીતે તેઓ આવાં છે, એટલે કે નેચરલી તેઓનો સેક્સ્યુઅલ ઝુકાવ છોકરો હોય તો છોકરા તરફ હોય છે અને છોકરી હોય તો છોકરી તરફ જ રહે છે. આ લોકો સમાજે નક્કી કરેલાં ચોક્ઠામાં ફિટ બેસતાં નથી. સમાજે નક્કી કરેલું છે કે છોકરો છોકરીને જ પ્રેમ કરી શકે અને છોકરી છોકરાને જ પ્રેમ કરી શકે છે આના સિવાયની વાત સમાજ અને અત્યાર સુધી સરકાર-કાયદો સ્વીકારી શકતા ન હતા,  હવે જ્યારે કાયદાએ આ લોકોની મજબૂરી અને સમસ્યા સમજી છે ત્યારે વાત રહી છે  સમાજની. આપણા દેશની સરકાર અને કોર્ટ  LGBTQ લોકોની સમસ્યા ૧૫૮ વર્ષ પછી સમજી છે, ત્યારે હવે સમાજ આ લોકોને ક્યારે સ્વીકારશે તે એક મોટો પ્રશ્ન છે.

દેશને આઝાદી મળી ત્યારથી અસ્પૃશ્યતા- નિવારણ માટે કાયદાઓ બન્યા છે, બંધારણે પણ અનુસૂચત જાતિ અને જનજાતિઓ માટે ખાસ સવલતો અને સુવિધાઓ આપેલી છે, પરંતુ સમાજ આજદિન સુધી આ પછાત જાતિઓને પોતાનાં દિલમાં સ્થાન આપી શક્યો નથી. આ એક કરુણતા છે. ઊંચનીચની ભાવના જ સમાજની કેટલીક ઉચ્ચ જાતિઓમાં ઘર કરી ગઈ છે તે પેઢી-દર-પેઢી ચાલતી આવે છે અને તેમની માન્યતાઓને દેશનો કાયદો આજદિન સુધી પણ તોડી શક્યો નથી. દેશના દરેક નાગરિક સમાન છે તે માટે  સરકાર અને સમાજસુધારકોએ પણ ઘણીબધી લડાઈઓ લડી છે,  જેનાથી સમાજમાં ઘણો સુધારો જોવા મળ્યો છે, પરંતુ હજુ સંપૂર્ણ રીતે ઘર કરી ગયેલી રૂઢિગત માન્યતાઓ દૂર થઈ શકી નથી.

LGBTQનાં લોકોને હજુ એક મોટી લડાઈ લડવાની બાકી છે, આ લડાઈ છે સમાજમાં સ્વીકૃતિની. સમાજ જ્યાં સુધી પોતાના વિચારોમાં ઓપનનેસ લાવીને કેટલાંક લોકો સ્પેશિયલ છે, અસામાન્ય છે અને આપણાથી જુદાં છે અને આ આખી વાત કુદરતી છે, તેવું જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી LGBTQ લોકોની લડત અધૂરી છે. સમાજમાં આ લોકો માટે જે હોમોફોબિક ફોબિયા છે તે દૂર કરવા માટેની લડત હવે LGBTQ એક્ટિવિસ્ટોએ લડવાની છે. LGBTQ લોકોને કાયદાકીય રક્ષણ આપવા માટેના નાઝ ટ્રસ્ટ,  સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઇંદિરા જયસિંહ, હમસફર ટ્રસ્ટના ગૌતમ યાદવ, સુનિલ મેહરા-નવતેજ જોહર,  માનવઅધિકાર માટે લડતા વકીલ મેનકા ગુરુસ્વામી, રીતુ દાલમિયા કેશવ સુરી, અક્કાઇ પદ્મશાલી, આરીફ ઝફર જેવાં સંખ્યાબંધ લોકોએ લડત ચલાવી અને તેનું પરિણામ મેળવ્યું છે. હવે આ લોકોએ અને તેમના સાથીદારોએ સમાજ આ LGBTQ લોકોને માન્યતા આપે તે માટે લડત લડવાની છે અને સમાજ પાસે આ લોકોને માન્યતા અપાવવાની છે.