જીવનને ખુશહાલ બનાવવાના અકસીર ઉપાય - Sandesh
 • Home
 • Supplements
 • Stree
 • જીવનને ખુશહાલ બનાવવાના અકસીર ઉપાય

જીવનને ખુશહાલ બનાવવાના અકસીર ઉપાય

 | 1:15 am IST

જીવનશૈલી । નીપા શાહ

આપણને જીવનમાં જે મળ્યું છે અને જે મળવાની અપેક્ષા આપણે રાખીએ છીએ તે બે વચ્ચે જો મોટું અંતર હોય તો આપણે દુઃખી થઈએ છીએ. ખૂબ સરસ મેળવવાની ઝંખના અથવા કાલ્પનિક ઉપલબ્ધિઓની અપેક્ષા આપણને જે મળ્યું છે તેને જોવાની ક્ષમતા નષ્ટ કરી દે છે.

ભય, ગુસ્સો, લાલચ, ઇર્ષા જેવા નકારાત્મક ભાવો મનને સાંકડું બનાવી દે છે. જ્યારે પ્રેમ, સમજદારી, નમ્રતા, રમૂજ, ચમત્કાર વગેરેના ભાવો સકારાત્મક ભાવો છે અને તે મનની ક્ષિતિજોને વિસ્તારે છે, મનને વિશાળ બનાવે છે. ભવિષ્ય અજ્ઞાત હોય છે. પરંતુ તેના વિષે પણ આશાવાદી વલણ રાખો. લેટિન અમેરિકન લોકો જીવનને નાનકડા ચમત્કારોથી ભરેલું માને છે. આ પ્રકારનું વલણ જીવનમાં ખુશીઓ લાવે છે. જો ખુલ્લા મનથી જોવામાં આવે તો દરેક દિવસ આપણા માટે કાંઇક લઇને આવે છે. તેને જોવા માટેની દૃષ્ટિ કેળવવાની જરૂર હોય છે.

જ્યારે પણ આપણે માનસિક રીતે તાણમાં હોઇએ છીએ ત્યારે આપણી દૃષ્ટિ નકારાત્મક બની જાય છે. આ સ્થિતિમાં જીવનની સારી બાબતો આપણને દેખાતી નથી. યોગ્ય દૃષ્ટિ કેળવવા માટે શું કરવું જોઇએ? જીવનમાં તમને જે કાંઇ મળ્યું છે તેની ગણતરી કરો અને તે માટે ઇશ્વરનો આભાર માનો. કટોકટીભરી ક્ષણોમાં પણ ઇશ્વર પર શ્રદ્ધા રાખો અને તેના તરફ કૃતજ્ઞાતાનો ભાવ રાખો. કૃતજ્ઞાતાનો ભાવ એ અમૃતબિંદુ સમાન છે જે મનને હળવું અને આશાભર્યું બનાવે છે. જેવું મન હળવું બને કે તરત આસપાસની બાબતો સુખદ લાગવા માંડે છે. તમારા કામો યોગ્ય દિશામાં આગળ વધવા માંડે છે. જેની આશા ના હોય તેવી ઘટનાઓ ઘટવી જેવી કે તમે રાહ જોતા હતા તે પ્રોજેક્ટ તમને મળવો, ધંધામાં ખોટ દેખાતી હોય ત્યાં કોઇ ઓર્ડર મળી જવો, ગર્ભાશયમાં થયેલી ગાંઠ ઓગળી જવી, જે લેણા-નાણાં તમે માંડી વાળ્યા હોય તે અચાનક મળી જવા- આ બધા નાનકડાં ચમત્કારો જ છે. સકારાત્મક વલણ રાખવાથી જીવનમાં આ પ્રકારની ઘટનાઓ બનવાની સંભાવના વધી જાય છે.

નિરાશ ભાંગી પડેલું મન સુખ માટે બાહ્ય સાધનો પર નિર્ભર રહે છે. ખુલ્લું મન જાણે છે કે આનંદ અંતરમાંથી સ્ફૂરે છે. તેથી તે બહારના પરિબળો પર આધાર રાખતું નથી. લાખો રૂપિયાની કમાણી, પેરિસની સફર, મર્સિડીઝની ખરીદી વગેરે થોડાં સમય માટે આપણને આનંદ આપે છે. નિરાશ થયેલું મન પાછું પોતાના અંધારા ખૂણામાં ભરાઇને કોઇક બાહ્ય સુખદ પરિવર્તનની પ્રતીક્ષા કરતું રહે છે. ખુશ થવા માટે તે બીજી કોઇ નવીનતાની રાહ જુએ છે. વાસ્તવમાં આનંદ આપણાં અંતરમાંથી પ્રગટે છે. નિરાશાજનક દૃષ્ટિ આ આનંદનો અનુભવ કરવામાં અવરોધ ઊભો કરે છે. જીવનમાં શ્રદ્ધાને સ્થાન આપો. મનમાં એ ભાવ દૃઢ કરો કે ઇશ્વર સૌનું ભલું જ કરે છે. મુશ્કેલી આવે છે તો તેનો અંત પણ આવે છે. મનમાં એક વાર આ પ્રકારનો ભાવ દૃઢ થશે તો તમારા મનમાં હંમેશાં આનંદ છવાયેલો રહેશે. આનંદિત મનને દુનિયા પણ સુંદર દેખાય છે.

આપણે જો ખુશ રહીએ તો આપણી આસપાસના લોકો પણ ખુશ રહે છે. ખુશ રહેવાથી સારી ઊંઘ આવે છે, સારા સ્વપ્નો આવે છે, સવાર સારી લાગે છે અને આમ આખો દિવસ સારો જાય છે. શરૂઆતમાં પ્રયત્નપૂર્વક સારા વિચાર કરો. મહાવરો થયા બાદ તમારું મન આપમેળે ખુશ રહેતા શીખી જશે.

રોજ સવારે તમારી જાતને કેટલાંક વચન આપો. આ વચનોને મનની શુદ્ધિના ઉપાય ગણીને એક નોટબુકમાં રોજ લખવાનું રાખો. તેનાથી તમાારા મનને સકારાત્મક વિચારો કરવાનો અભ્યાસ થશે.

 • હું મારી જાતને વચન આપું છું કે હવેથી હું એટલી નિશ્ચલ બનીશ કે કોઇ બાબત મારા મનની શાંતિને તોડી નહીં શકે.
 • હું બધાની સાથે જીવનની સુંદરતા અને ધન્યતા અંગે જ વાત કરીશ.
 • હું મારા પરિવારજનો, મિત્રો તેમ જ જેમને પણ મળું તે સૌની કદર કરીશ અને દર્શાવીશ કે તેઓ મને કેટલાં વ્હાલા છે?
 • નાનકડા શિશુની જેમ હું આ સંસારને જિજ્ઞાસા અને આશાભરી દૃષ્ટિથી જોઇશે.
 • અન્યની સિદ્ધિઓને પણ હું મારી સિદ્ધિઓની જેમ બિરદાવીશ.
 • જીવનની દરેક ક્ષણને હું ધન્ય માનીશ અને જે કાંઇ કરીશ તે શ્રેષ્ઠ રીતે કરીશ.
 • મારા જીવનના ભૂતકાળને ભૂલીને હૃદયપૂર્વક હું વર્તમાનમાં જીવીશ.
 • હું સતત મારા મનને શુદ્ધ કરવા પ્રયત્ન કરીશ અને કોઇની નિંદા નહીં કરું.
 • હું યાદ રાખીશ કે હું એક હિંમતપૂર્ણ, શુદ્ધ, ઉચ્ચ અને આનંદસ્વરૂપ વ્યક્તિ છું. તેથી મારા જીવનમાં ચિંતા, ક્રોધ, ભય કે મુશ્કેલીને કોઇ સ્થાન નથી.
 • મારી ઊંચી કક્ષાને કારણે હું જે કાંઇ કરીશ તે મારા અને બીજાં લોકોના હિતમાં હશે.
 • રોજ સાંજે આ પ્રતિજ્ઞાઓને વાંચો અને યાદ કરો, તમે કેટલાં વચનનું પાલન કરી શક્યા છો? જે ના થયું હોય તે માટે તમારી જાતને ક્ષમા આપીને ફરી એક વાર પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા લો. પછી જુઓ કાદવમાંથી ખીલેલા કમળની જેમ તમારું મન અંધારા ખૂણામાંથી કેવું ખીલીને બહાર આવે છે!

જીવનને સુખી બનાવવા માટે…

 • નિરાશ થવાને બદલે વિસ્મયનો ભાવ અનુભવો.
 • પરિસ્થિતિ વધુ બગડે તેના કરતાં થયેલા નુકસાનને ખમીને આગળ નીકળી જાઓ.
 • નિષ્ફળતામાં સબડવાને બદલે બીજાં વિકલ્પો શોધો.
 • હિંમત ગુમાવવાને બદલે ફરી નવી શરૂઆત કરો.
 • ભૂતકાળની ભૂલોથી નાસીપાસ થવાને બદલે વર્તમાન સમયનો ઉપયોગ કરીને પરિસ્થિતિ સુધારી લો.
 • અનિર્ણાયકતાનો ભોગ બનવાને બદલે કોઇની સલાહ કે સાથ સહકાર લઇને યોગ્ય નિર્ણય લો.
 • ભવિષ્યની ચિંતા કર્યા વિના વર્તમાન ક્ષણને ધન્યતા પૂર્ણ માનો.
 • ફરિયાદ કરવાને બદલે કે નિષ્ફળતાથી વ્યથિત થયા વિના તમારા પ્રયત્નો ચાલુ રાખો.
 • અનિયમિત શ્વસન સાથે ચિંતા કરવાને બદલે ઊંડા શ્વાસ લો.
 • ડિપ્રેશનમાં આવીને ખાઉધરા બનવાને બદલે કસરત કરો કે ચાલવા જાઓ.
 • મનમાં ઘુમરાતા નકારાત્મક વિચારો પર ધ્યાન આપવાને બદલે વૃક્ષોમાંથી વહેતા પવનનો શીતળ, આહ્લાદક અનુભવ કરો.
 • ચૂપચાપ બેસવાને બદલે મોટેથી તમારું મનપસંદ ગીત ગાઓ.
 • વધુ ને વધુ ખુશ રહેતા શીખો. તમારું જીવન સાચે જ ખુશહાલ બનશે.