જિંદગી ઔર કુછ ભી નહીં... એક અજીબ સી પહેલી હૈ... - Sandesh

જિંદગી ઔર કુછ ભી નહીં… એક અજીબ સી પહેલી હૈ…

 | 5:09 pm IST

લાઈવ વાયર :- મયુર પાઠક

દુનિયા બહુ અજીબ છે. તમારી ટેલેન્ટની દુનિયાને કોઇ પડી નથી, પરંતુ તમને જો પ્રસિદ્ધિ મળે તો પછી આખી દુનિયા તમારી પાછળ પડી જાય છે અને તમારી ટેલેન્ટનાં વખાણ કરતાં થાકતી નથી. ઘણીવાર આ વખાણ સાંભળીને ખુદ તમને અચરજ થઇ જાય. ખરેખર હું આટલો ટેલેન્ટેડ છું? રાનૂ મંડલની જ વાત કરોને. પશ્ચિમ બંગાળમાં રાનાઘાટ રેલવે સ્ટેશન પર એક ખૂણામાં બેસીને ૬૦ વર્ષની રાનૂ મંડલ ફિલ્મી ગીતો ગાઇને પોતાનું પેટ ભરતી હતી. આવતાં-જતાં લોકો રાનૂનું ગીત સાંભળીને પાંચ-દસ રૂપિયા આપતા જાય અને રાનૂના દિવસો ટૂંકા થતા જાય. આવું કેટલા દિવસ ચાલ્યું? એક મહિનો, બે મહિના, નહીં, પૂરાં દસ વર્ષ ચાલ્યું. આપણે જોઇએ છીએ કે રેલવેમાં મુસાફરી દરમિયાન એવા સેંકડો લોકો હોય છે કે જેઓ ગીતો ગાઇ-વગાડીને લોકોનું મનોરંજન કરીને ગુજરાન ચલાવતાં હોય છે. વર્ષોથી આપણે આ જોતાં આવ્યાં છીએ. આમાંથી ક્યારેય કોઇનું નસીબ ચમક્યું નથી કે રેલવેમાં ફિલ્મીગીતો ગાનાર રાતોરાત બોલિવૂડમાં ચમકી જાય, પરંતુ રાનૂ મંડલના કિસ્મતની કહાની કંઇક અલગ બની ગઇ. છેલ્લાં દસ વર્ષથી તેની સાથે જે રોજ થતું હતું તેનાથી એક દિવસ કંઇક જુદું થયું. રાનાઘાટનો જ રહેવાસી અતીન્દ્ર ચક્રવર્તી રેલવે સ્ટેશન પરથી પસાર થતો હતો અને તેણે લતા મંગેશકરનું ગીત સાંભળ્યું, એક પ્યાર કા નગમા હૈ, મૌજોં કી રવાની હૈ, ઝિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ… સૂરીલા અવાજમાં ગવાતા આ ગીતે અતીન્દ્ર ચક્રવર્તીના પગ થંભાવી દીધા. તેણે જોયું તો એક ખૂણામાં ૬૦ વર્ષની મહિલા ચીંથરેહાલ બેઠી હતી. શરીર કૃષકાય, માથા પર અસ્તવ્યસ્ત વાળ. એ મહિલા સૂરીલા અવાજમાં ગીત ગાતી હતી. અતીન્દ્ર ચક્રવર્તીએ આ ગીતનો વીડિયો ઉતાર્યો અને મહિલાનું નામ પૂછીને આ ગીતને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું.

બસ, આ ઘડીથી રાનૂ મંડલની જિંદગી બદલાઇ ગઇ. સ્ટેશન પર બેસીને ગીત ગાતી રાનૂ મંડલનો આ વીડિયો એટલો વાઇરલ થયો કે રાતોરાત રાનૂ મંડલ ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ. માનો કે રાનૂની જિંદગી જ બદલાઇ ગઇ. લોકો પૂછપરછ કરવા માંડયા કે કોણ છે આ મહિલા કે જે આટલા સૂરીલા અવાજમાં ગીત ગાય છે. અખબારોમાં તેની સ્ટોરી છપાવા માંડી. ટીવીના સંગીતના શોમાં પણ રાનૂ મંડલને બોલાવવામાં આવી. આ શોના જજ હિમેશ રેશમિયાએ રાનૂને પ્રોમિસ આપ્યું કે હું તને મારી આગામી ફિલ્મનાં ગીત ગવડાવીશ. હિમેશે તેનું પ્રોમિસ પાળ્યું. તેની નવી ફિલ્મ હેપ્પી, હાર્ડી ઓર સંધુમાં રાનૂ મંડલ પાસે ગીત પણ ગવડાવ્યું. આ ગીતનો વીડિયો પણ હિમેશે સોશિયલ મીડિયા પર મૂક્યો. આ વીડિયોને એટલા લાઇક્સ મળ્યાં, તે એટલો વાઇરલ થયો કે ખુદ હિમેશ શોક થઇ ગયો. હિમેશે ત્યારબાદ બીજાં બે ગીતો પણ રાનૂ પાસે ગવડાવ્યાં.

કહાનીમાં ટ્વિસ્ટ હવે આવે છે. ગઇકાલ સુધી રાનૂ મંડલ એક ભીખારીની જિંદગી રેલવે સ્ટેશનના ખૂણામાં વિતાવતી હતી. તે હવે રાતોરાત સ્ટાર બની ગઇ એટલે તેનાં સગાંઓ પણ રાતોરાત ફૂટી નીકળ્યાં. રાનૂ મંડલની એક દીકરી આવી, એલિઝાબેથ. તેણે સીધો જ આરોપ લગાવ્યો કે મારી માતાનો લોકો ઉપયોગ કરી રહ્યાં છે. રાનૂને પ્રસિદ્ધિ મળતાં એલિઝાબેથ એકાએક બહાર આવી છે. રાનૂની દીકરી એલિઝાબેથ પર આક્ષેપો છે કે તેણે તેની માતાને એકલી છોડી દીધી હતી જેના કારણે રાનૂને ભીખ માગવાનો વારો આવ્યો હતો. રાનૂનો ભૂતકાળ પણ દુઃખદ છે. તેનાં બે લગ્ન થયેલાં હતાં અને પહેલા પતિએ તો તેને એટલા માટે છોડી હતી કે તે ક્લબમાં ગાતી હતી. બીજા પતિનું મૃત્યુ નિપજતાં રાનૂ એકલી પડી ગઇ. ચાર-ચાર સંતાનો હોવા છતાં કોઇ રાનૂને રાખવા તૈયાર ન હતાં અને આખરે રાનૂને ભીખ માગવાનો વારો આવ્યો. આજે હવે રાનૂ પાસે નામ છે, શોહરત છે, પૈસા છે ત્યારે રાનૂ મંડલનાં સગાંઓ ફૂટી નીકળ્યાં છે.

દુનિયા આવી જ છે. અહીં સૌ કોઇ ઊગતા સૂરજને જ પૂજે છે. તમારા પૈસા, તમારી શોહરત, તમારી સિદ્ધિને પોતાની સાથે જોડીને લોકો હકીકતમાં તો પોતાની રોકડી કરવા માગતા હોય છે. સેલિબ્રિટી સાથે કોઇ ફોટો પડાવે છે ત્યારે સેલિબ્રિટીને એમ લાગે છે કે તે પોતાનો ફેન છે, પોતાનો ચાહક છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પેલો ચાહક પોતાની પબ્લિસિટી કરવા સેલિબ્રિટીનો ઉપયોગ કરતો હોય છે. આ દુનિયામાં કોઇ કોઇનો ચાહક નથી. હકીકતમાં દરેકને પોતાનું મહત્ત્વ વધારવું હોય છે. સેલિબ્રિટીઝની શોહરત, તેની સત્તા, તેના પૈસાને લોકો પૂજે છે. આ સેલિબ્રિટી જ્યારે પાવરલેસ થઇ જાય છે ત્યારે તેની સાથે વાત કરવા પણ કોઇ બેસતું નથી. દુનિયામાં આવાં હજારો ઉદાહરણ છે.

રાનૂ મંડલ આજે સેલિબ્રિટી છે. જિંદગીનાં ૬૦ વર્ષો તેણે ગુમનામી, ગરીબી અને લાચારીમાં વિતાવ્યાં. અત્યારે તેનો સિતારો બુલંદી પર છે. જ્યારે દરેક સેલિબ્રિટી સાથે જેમ સાચીખોટી વાતો જોડાય છે તેમ રાનૂ મંડલની આસપાસ પણ અફવાઓએ ઘેરો ઘાલ્યો છે. રાનૂ માટે મીડિયામાં વાતો વહેતી થઇ કે સલમાન ખાને રાનૂને ૫૫ લાખનો ફ્લેટ ગિફ્ટ કર્યો છે. રાનૂએ ૧૫ લાખની કાર ખરીદી છે. રાનૂને બિગ બોસની ઓફર મળી છે. રાનૂએ એક ગીત ગાવાના ૨૫ લાખ લેવાનું શરૂ કર્યું છે. રાનૂને સલમાન ખાનની દબંગ-૩માં ગાવાનો મોકો મળ્યો છે. વગેરે વગેરે… રાનૂ મંડલનો સૌપ્રથમ વીડિયો બનાવનાર અતીન્દ્ર ચક્રવર્તી હવે તેનો મેનેજર છે. તેણે કહ્યું કે, તમામ વાતો ખોટી છે. રાનૂ આજે સોશિયલ મીડિયા પર સેન્સેશન છે એટલે તેની વાતોને ચગાવાઇ રહી છે. રાનૂ માટે એ વાત સાચી છે કે રાનૂને એ.આર. રહેમાનની ઓફિસમાંથી ફોન આવ્યો છે. સોનુ નિગમે પણ રાનૂ સાથે ગીત ગાવાની ઇચ્છા દર્શાવી છે.

રાનૂ માટે હિમેશ રેશમિયાએ કહ્યું છે કે, હવે તેને સુપર સ્ટાર બનતાં કોઇ નહીં રોકી શકે. હિમેશ રેશમિયાએ આ વાત તેની ટેલેન્ટ માટે કહી છે કે પછી રાનૂ અત્યારે સોશિયલ મીડિયા સેન્સેશન છે એટલે કહી હશે તે વાત સાથે ઘણા બધા પ્રશ્નાર્થ જોડાયેલા છે. જોકે એક વાત છે કે વહેતી નદીમાં બધાં જ હાથ ધોઇ લેતાં હોય છે. હકીકત એ છે કે રાનૂ મંડલે ગાવા માટે કોઇ તાલીમ લીધી નથી. કોઇનાં ગાયેલાં ગીતોની તે સુંદર અવાજમાં નકલ કરે છે. કદાચ એટલે જ લતા મંગેશકરે કહ્યું છે કે, રાનૂ નકલ ન કરે, પોતાની રીતે ગીત ગાય. આવનારા દિવસોમાં રાનૂ સુપર સ્ટાર બને છે કે પછી તે વનટાઇમ સેન્સેશન બનીને રહી જાય છે તે તો આવનારો સમય બતાવશે, પરંતુ દુનિયા બહુ અજીબ છે. પળમાં ઉપર ઉઠાવે છે અને પળમાં નીચે લાવી દે છે. એ વાત રાનૂ મંડલની કહાની પરથી સાચી લાગે છે.

શોર્ટસર્કિટ  

રાનૂ મંડલને હિમેશ રેશમિયાના સ્ટુડિયોમાં તેરી મેરી કહાનીનું ગીત ગવડાવાયું તેનો જે વીડિયો હિમેશ રેશમિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે તે સિવાય એક બીજો વીડિયો પણ ઔકોઇકે શેર કર્યો છે. આ વીડિયો જોતાં ખબર પડે છે કે ૬૦ વર્ષની રાનૂને અત્યારની ટેક્લોનોજી સાથે કદમ મિલાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. કેટલાય રિ-ટેક પછી રાનૂની ગીતની બે લાઇન ઓકે કરાય છે. રાનૂ સાથે બીજા સંગીતકારો આવી રીતે ક્યાં સુધી મહેનત કરશે તે પણ એક સવાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન