જીવન જીવવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ - Sandesh

જીવન જીવવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ

 | 1:03 am IST

સંસ્કાર

આ દુનિયામાં સૌથી દુર્લભમાં દુર્ભલ શું? પૈસા, ગાડી, બંગલા, સ્ત્રી, પુત્ર આદિ? ના. આ દુર્ભલ નથી. શાસ્ત્રોકારો કહે છે કે,

દુર્ભલં ત્રયમેવૈતત્

દૈવાનુગ્રહહૈતુકમ્ ।  

મનુષ્યત્વં મુમુક્ષુત્વં

મહાપુરુષસંશ્રય : ।।  

મનુષ્યનો દેહ, મોક્ષની ઈચ્છા અને મોટાપુરુષનો જોગ મળવો એ ત્રણ અતિ દુર્ભલ છે. એ તો જેના ઉપર ભગવાનની અગાધ કૃપા હોય તેને જ મળે છે.

સૌથી પહેલાં તો મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ છે

ભક્તે ભગવાનને પૂછયું હે પ્રભુ! મનુષ્ય જન્મ ક્યારે મળે? ‘૧૨૮૦ કિ.મી. લાંબી, ૧૨૮૦ કિ.મી. પહોળી અને ૩.૫ કિ.મી. ઊંડી વાવને પાણીથી ભરીએ અને માથાનાં વાળનાં ચાર ઊભાં ફાડીયાં કરીને એમાંથી એક ફાડિયાને પાણીમાં બોળીએ અને બહાર ખંખેરીએ અને જ્યારે એ વાવનું બધું જ પાણી ઉલેચાઈ જાય ત્યારે મનુષ્ય જન્મ મળે.’ આ પાણી ક્યારે ઉલેચાય? ગણતરી થઈ શકશે? કહેવાનું તાત્પર્ય છે કે, મનુષ્ય જન્મ મળવો અતિ દુર્ભલ છે. કદાચ માની લો કે, મનુષ્ય જન્મ મળી ગયો….એટલે બધું મળી ગયું? ના. સાથે-સાથે મોક્ષની ઈચ્છા જાગવી એ પણ દુર્લભ છે.

મનુષ્ય જન્મ તો ઘણાને મળ્યો છે. દુનિયામાં ઘણા માણસો જીવે છે. સવારે ઊઠે, સ્નાન કરે, કામ ધંધો કરે, પૈસા કમાય, ખાય-પીવે, મોજ-મજા કરે અને…આવો થોડા દિવસો, થોડા વર્ષો ચાલે અને પછી મરી જાય…તો આનો અર્થ શું?

શું ખાવું પીવું, પૈસા કમાવવા, પંચવિષયના ભોગ ભોગવવા એ જ જીવન છે? લોકમાં કહેવાતા સારામાં સારા પંચવિષય જેને મળ્યા છે- જેને મળ્યા હતા તે સુખી શું હતા?

નંદરાજાથી માંડી નિકોલાઈ ચોસેસ્કુ, હોનેવર, ઈરાનનો શાહ, ફિલિપિન્સનો માકોર્સ, યુથોપિયાનો હેલેસેલાસી વગેરે આખી જિંદગી પૈસા-પૈસા કરતા રહ્યા છે ને અંતે પાછા પસ્તાયા છે…

ઈઝરાઈલનો રાજા સોલોમાન એ જમાનામાં દર વર્ષે તે ૨૫ કરોડનું સોનું જમા કરાવતો, અત્યારે તેની કિંમત અબજોમાં થાય…આવું પાછું જીવ્યો ત્યાં સુધી જમા કરાવતો રહ્યો…પાત્રથી માંડીને સિંહાસન પણ સોનાનાં હતાં. બુદ્ધિશાળી વ્યક્તિઓમાં તે મોખરે હતો. એમ કહેવાય છે કે, તેને ૭૦૦ તો રાણીઓ હતી…૩૦૦ અપરણિત સ્ત્રીઓ રાખતો. તેના માટે ૧૪૦૦ રથ રાખ્યા હતા…વિચારો એની પાસે આલોકનું શું નહોતું? છતાંય એમાંથી એણે શું ઉકાળ્યું? એકલેસીસસ્ટેસ નામના પુસ્તકમાં તેણે લખ્યું છે કે, સુખની મેં ઈચ્છા કરી જે જે મેળવ્યું તે બધું હવામાં બચકા ભરવા જેવું વ્યર્થ કર્યું છે. મને આપઘાત કરવાના વિચાર કાયમ આવતા રહ્યા છે. મેં જીવનમાં મૂર્ખાઈ જ કરી છે.

આવો પૈસાવાળો- આટલી સ્ત્રીઓવાળો-આટલી અગાધ બુદ્ધિવાળો જો સુખી નથી થયો તો જેની પાસે એકાદો ફલેટ-બંગલો છે…મહિને બે-પાંચ-દસ હજાર રૂપિયા મેળવનાર છે. તે શું વિષયો ભોગવીને સુખ લઈ લેવાના છે માટે સાવધાન…

શું આવી રીતે જગતસંબંધી ભોગ મળે એ જ જિંદગી છે?  

આ જીંદગી તમને મળી,

જોઈલો છે કેવડી,

આવવું અને પાછા જવું,

એ બે ક્રિયાપદ જેવડી,

હસવું પરાણે રડવું છૂપા,

એ બે ક્રિયાપદ જેવડી,

પામી પામીને મૂકી જવું

એ જીંદગી પણ

વેઢારવી કે શણગારવી

એ પસંદગી આપની.

આપણું જીવન એ ભગવાન તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. તે ભેટનું સુચારુ ઉપયોગ કરવાને માટે આપણે જીવન તરફ જોવાની વિશિષ્ટ દ્રષ્ટિ કેળવવી જોઈએ.

મનુષ્ય જન્મ મળ્યા પછી આપણે પછીનું વિચારવું જોઈએ…મોક્ષની ઈચ્છા જાગવી જોઈએ…કે આ જન્મ પછી શું….કેવું કાર્ય કરું તો હું આ જન્મમરણમાં છૂટું…ભગવાનને જન્મ મને શેના માટે આપ્યો છે? ભગવાને આવો દુર્લભ મનુષ્ય જન્મ આપ્યો પછી મારે કઈ ફરજ છે? કેવું કાર્ય મારે કરવું જોઈએ? એનો દિન-રાત વિચાર કરવો જોઈએ?

શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કહે છે કે, આવો સવળા વિચાર કરીને અંતે આપણે આપણને મળ્યા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનું ધ્યાન, ભજન, કીર્તન કરવું જોઈએ અને સત્સંગ કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ કરવા જોઈએ તો આપણું જીવન સાર્થક બની જાય. આપણે સૌ કોઈએ આવી જીવનદ્રષ્ટી કેળવવી જોઈએ.

  • સાધુ હરિકૃષ્ણસ્વરુપદાસજી કુમકુમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન