જીવન બાગ મહેકતો રાખવા માટે પુનર્લગ્ન જરૂરી - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • જીવન બાગ મહેકતો રાખવા માટે પુનર્લગ્ન જરૂરી

જીવન બાગ મહેકતો રાખવા માટે પુનર્લગ્ન જરૂરી

 | 3:05 am IST

મંથન । તૃપ્તિ દવે

અતૂટ વિશ્વાસ અને સમર્પણનું જ બીજું નામ છે લગ્ન…! પરંતુ નિયતિ પર કોઈનો કંટ્રોલ નથી હોતો, તો વળી ક્યારેક જીવનસાથી પાસેથી જોઈતું ન મળવાથી કંઈક ઊણપ-અભાવથી પણ લગ્નજીવન તૂટતું હોય છે. પરિણામ સ્વરૂપે અધમાર્ગે જ જીવનસાથીનો સાથ છૂટી જાય છે. એવી દશામાં ઉદાસ થવાને બદલે આપણે જિંદગીને નવા દૃષ્ટિકોણથી નવી જ રીતે સજાવવા-શણગારવાની કોશિશ કરવી જોઈએ.

લગ્ન…શબ્દની સાથે જ જોડાઈ છે જીવનભર એકબીજાનો સાથ નિભાવવાની સુંદર ભાવના. આ સંબંધમાં બંધાતા યુવાજનોની આંખોમાં કંઈ કેટલાય ઈન્દ્રધનુષી રંગનાં સપનાં વસેલાં હોય છે. પણ કેટલીકવાર જીવનસાથી પછી તે પુરુષ હોય કે સ્ત્રી… તેનામાં રહેલાં કેટલાં અભાવ-સ્વભાવ, નિયંત્રણ-પરતંત્રતા, લઘુતાગ્રંથિ, જડપણું, ઉદાસીનતા કે સંબંધને સમર્પણ ભાવનાથી નિભાવવાના અભાવને કારણે સમયની સાથેસાથે સપનાના એ રંગ ધૂંધળા થવા લાગે છે ને આૃર્યની વાત તો એ છે કે, પરણતાં પૂર્વે કહેલા-દર્શાવેલાં સપનાંઓનો એવે વખતે અંદાજ પણ નથી આવતો કે એ રંગીન સપનાં ક્યારે અને કેવી રીતે પોતાના જીવનસાથીથી દૂર થતાં ચાલ્યા ગયાં…? તે પછી યંત્રવત્ ખાવું-પીવું ને જીવનનું ગાડું ખેંચે રાખવું એ જ રૂટિન બની બેસે છે. અરે… કેટલીકવાર તો હાલત એટલી હદે બગડી બેસે છે કે, એક જ છત નીચે સાથે રહેનાર બે વ્યક્તિ જાણે પોતાના હોવા છતાં પરાયા બનીને જાણે પોતાપણું જ દર્શાવીને જીવતાં હોય તેવો ભાવ રાખીને જીવતાં થઈ જાય છે અને ક્યારેક તો નોબત છૂટાછેડા સુધી પણ પહોંચી જાય છે. જોકે, એમાં ખરેખર શાબાશી એવી વહુઓને આપવી જોઈએ કે જેઓ આ બધું સહન કરવા છતાંય પતિને જીવનભર-પૂરેપૂરો સાથ આપવા અને તન-મન-ધનથી બધેબધું સર્મિપત કરવા કટિબદ્ધ બને છે. અર્થાત્ જિંદગીને મૂગે મોંઢે સહન કરતી પણ પતિની ખુશીમાં ખુશી ગણી જીવ્યે જાય છે. આવી પુત્રવધૂઓ પણ સમાજમાં ઘણી છે. જે છૂટાછેડા લેવાનું તો દૂર પણ પોતાની જિંદગી-કરિયર- પર્સનાલિટીનેય ઠોકર મારીને પતિના હાથમાં હાથ પરોવી, સાથમાં સાથ આપી તેનું જીવન કંડારે છે.

જે જીવનસાથીઓમાં છૂટાછેડા લેવાય છે તેમનામાં કંઈ કેટલાય કારણો હોઈ શકે છે. જોકે, કોઈ પણ સંબંધ તૂટવાથી જિંદગી અટકી નથી જતી. જો કદાચ એવી દશા આવી પણ જાય તો પણ માનવીએ ઉદાસ કે હતાશ થયા વગર એકલવાયી જિંદગી ગુજાર્યા વગર પુનર્વિવાહ પર વિચાર અવશ્ય કરવો જોઈએ.

સાથ છૂટયો સાથીનો : કોઈ પણ સ્ત્રી માટે સૌથી દુઃખદ સ્થિતિ ત્યારે આવે છે, જ્યારે લગ્નના અમુક વર્ષો પછી તેના પતિનું નિધન થઈ જાય. આવી આઘાતજનક મનોસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એકાદ-બે વર્ષનો સમય અવશ્ય લેવો જોઈએ. પછી શાંતિથી સ્ત્રીએ પોતાના નવજીવન માટે નવી રીતે ભવિષ્ય માટે વિચારવું જોઈએ. જો પહેલા લગ્નથી બાળકો ન હોય તો એવી સ્થિતિમાં બીજા લગ્ન ખાસ જરૂરી બની જાય છે. કેમકે બાળક વિના એકલવાયું જીવન વિતાવવાની કલ્પના માત્ર ભયાવહ લાગે છે, પરંતુ આ દશામાં ને દિશામાં બહુ જ સમજી-વિચારીને પગલું ભરવું જોઈએ. જો તમે કોઈ વિધૂર વ્યક્તિની પસંદગી કરતાં હોય તે આપના માટે સારું રહેશે, કેમ કે અહીંયાં બંનેની જીવનદશા લગભગ એક સરખી જ હશે અને બંને જણ એકમેકના દુઃખ-દર્દને વધુ સારી રીતે સમજી શકશે.

પરંતુ જો તમે કોઈ બાળકવાળા વિધૂર કે છૂટાછેડાવાળી વ્યક્તિ સાથે લગ્નનો નિર્ણય લેવા જાવ તો તે પૂર્વે એ સુનિશ્ચિત કરી લો કે તમે તે બાળકની કે બાળકોની જવાબદારી સારી રીતે ઉઠાવી શકશો કે નહીં? આવા લગ્ન માટે હા કહેતાં પહેલાં તેમનાં બાળકો સાથે તાલમેલ મેળવવાની અને સદ્ભાવ જગાવવાની કોશિશ પણ કરો, જેની સાથે તમારે આગળનું શેષ જીવન વિતાવવાનું છે. આપની આ કોશિશથી લગ્ન પછી એડ્જેસ્ટમેન્ટમાં કોઈ પરેશાની નહીં થાય.

બાળકની જવાબદારી છે મુખ્ય : જો બાળકના જન્મ પછી પતિનું નિધન થઈ જાય તો એ સ્થિતિ કોઈપણ સ્ત્રી માટે દુઃખદ હોવાની સાથોસાથ બહુ જ મુશ્કેલ પણ હોય છે. જ્યારે બાળક નાનું હોય તો એવી સ્થિતિમાં કોઈ પણ સ્ત્રીએ પુનર્વિવાહ માટે અવશ્ય વિચારવું જોઈએ. એનાથી માત્ર સ્ત્રીનું જ નહીં, બલકે બાળકના જીવનનું સૂનાપણું પણ દૂર થઈ શકે છે. જોકે તઆ સંબંધમાં કોઈપણ નિર્ણય લેતાં પૂર્વે તમારે ભવિષ્યની કેટલીક અને ખાસ સ્થિતિઓ પર વિચાર કરવો જોઈએ. અર્થાત્ જે વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છો, તેને પણ બાળકો છે કે કેમ? જો હોય તો તમારે બંનેએ હળીમળીને એ વિચારવું પડે કે, શું તમારા અને તેમનાં બાળકોમાં પરસ્પર મેળ બેસી શકશે? શું ભાવિ પતિ આપના બાળકોને એટલો પ્યાર અને સંરક્ષણ આપી શકશે કે જેથી તેને ભવિષ્યમાં પિતાની કમી મહેસૂસ ના થાય? લગ્ન પછી જો પતિ તમારી પાસે બાળકની ઇચ્છા રાખે તો એવે વખતે તમારો નિર્ણય શું હશે? શું તમે તમારાં બધાં બાળકો સાથે સમાનરૂપથી ન્યાય કરી શકશો? પુનર્વિવાહ પહેલાં આપની પાસે આવાં બધાં જ સવાલોના સ્પષ્ટ જવાબ અવશ્ય હોવા જોઈએ. આપના અને બાળકના ભવિષ્ય પ્રત્યે સંપૂર્ણપણે સંતુષ્ટ થયા પછી જ બીજા લગ્નનો નિર્ણય લો.

છૂટાછેડા પછી જિંદગી : લોકોની પ્રશ્નોત્તર નજર હંમેશાં છૂટાછેડાવાળી સ્ત્રીનો પીછો કરતી રહે છે અને છૂટાછેડા પછી કોઈપણ સ્ત્રી માટે એકલવાયું જીવન વિતાવવું ઘણું મુશ્કેલ બની જાય છે. જો આપની સાથે પણ આવું કંઈક બની ચૂક્યું હોય તો તમારે એક નવા જ દૃષ્ટિકોણથી, એક નવી જ જિંદગી શરૂ કરવા માટે અવશ્ય વિચારવું પડે, પરંતુ આપના માટે બીજીવાર લાઇફ પાર્ટનર શોધતી વખતે એવી નાની-નાની વાતોનું ધ્યાન અવશ્ય રાખો, જેના કારણે આપનું લગ્નજીવન તૂટયું હતું. કોશિશ એવી હોવી જોઈએ કે તમારાથી બીજીવાર એવી ભૂલ ન થાય પણ આગળના લગ્નજીવન તૂટવા અંગે તમારા મનમાં અપરાધભાવ કદી ન રાખો, નહીંતર તમારી હવે પછીની નવી જિંદગીમાં ખરાબ અસર પડશે. સાથે જ જે વ્યક્તિ સાથે તમે મેરેજ કરવા જઈ રહ્યા છો, તેના વિશે પૂરતી જાત તપાસ-જાણકારી મેળવી લો. જો આપને લાગતું હોય કે તે વ્યક્તિ પોતાનું અતીત તમારાથી છુપાવી રહી છે તો તમારે એવા સંબંધ વિશે હા ન કહેવી જોઈએ કે લગ્ન માટે તૈયાર થવું ન જોઈએ. જોકે, એ જ રીતે તમે પણ તમારા ભાવિ જીવનસાથીથી કંઈ જ ન છુપાવો. બલકે સચ્ચાઈની સાથે જ નવા જીવનની શરૂઆત કરો.

પુરુષ અને પુનર્વિવાહ : કેટલાક લોકો એવું માને છે કે પુરુષો માટે પુનર્વિવાહ એ કોઈ સમસ્યા નથી, પરંતુ વાસ્તવમાં એવું નથી. છૂટાછેડાવાળા પુરૂષો માટે પણ બીજા લગ્ન બેહદ કઠિન બની જઈ શકે છે, કેમ કે મોટાભાગની મહિલાઓના મનમાં એ સંશય રહે છે કે, શું વ્યક્તિ છૂટાછેડાનું અસલી કારણ છુપાવી તો રહ્યો નહીં હોય? પહેલી પત્ની શા કારણથી છૂટી થઈ હશે? વગેરે જેવા અનેક પ્રશ્નો મહિલાઓના મનમાં શંકા-કુશંકા પેદા કરે છે. એટલા માટે છૂટાછેડા પછી બીજીવાર લગ્ન કરવા માગતા હોવ તો તમારા ભાવિ લાઇફ પાર્ટનર સામે કંઈ જ છુપાવશો નહીં અને તમારી સચ્ચાઈના બળ પર તેનો વિશ્વાસ મેળવ્યા પછી જ લગ્નનો નિર્ણય લો.

પુનર્વિવાહ કરતી વખતે મોટાભાગના યુવકો પોતાના માટે અવિવાહિત અને નાની વયની યુવતીની પસંદગી ઇચ્છે છે, જે ખરેખર અયોગ્ય અને ખોટી સાબિત થાય છે. ખરેખર નાની વયની અવિવાહિત યુવતીના મનમાં લગ્ન અને ભાવિ પતિ બાબતે ઘણાં બધાં અને ખૂબસૂરત સપનાં વસેલાં હોય છે. એવે વખતે જો તેના લગ્ન કોઈ બાળકવાળા વિધૂર કે છૂટાછેડા લીધેલ વ્યક્તિ સાથે થઈ જાય તો તેના બધાં સપનાં પળભરમાં તૂટી જાય છે. અચાનક સામે આવનારી જવાબદારીઓથી તે ગભરાઈ જાય છે. પરિણામ સ્વરૂપે લગ્ન પછી દાંપત્યજીવન બેહદ તનાવપૂર્ણ બની જાય છે. એટલા માટે તમારી સાથે બાળક પણ હોય તો આપે આપના માટે પરિપક્વ વિચારસરણીવાળી સમજદાર યુવતીની પસંદગી કરવી જોઈએ. જેથી તે તમારા બાળકની જવાબદારી સારી રીતે અને સાચી રીતે ઉઠાવી શકે.

અંતમાં સૌથી જરૂરી વાત એ છે કે, ભલે સ્ત્રી હોય કે પુરુષ બધાએ પોતાના નવા જીવનની શરૂઆત હંમેશાં સકારાત્મક વિચારધારા સાથે કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન