વિરમગામ સગીરા સાથે દુષ્કર્મ બનાવના ચાર આરોપીઓને આજીવન કેદની સજા - Sandesh
  • Home
  • Ahmedabad
  • વિરમગામ સગીરા સાથે દુષ્કર્મ બનાવના ચાર આરોપીઓને આજીવન કેદની સજા

વિરમગામ સગીરા સાથે દુષ્કર્મ બનાવના ચાર આરોપીઓને આજીવન કેદની સજા

 | 11:32 am IST

વિરમગામ શહેર ખાતે વર્ષ ૨૦૧૨માં એક ૧૪ વર્ષની સગીર વયની દીકરી પર ચાર યુવાનોએ દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ ઘટયો હતો. જે બનાવનો કેસ વિરમગામના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં મંગળવારના રોજ ચાલી જતાં આ કેસના આરોપી એવા ચારે યુવાનોને કોર્ટે આજીવન કેદની સાથે પ્રત્યેકને રૃ. ૨૫ હજાર દંડ, જો દંડ ન ભરે તો વધુ ચાર વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.

આ ચકચારી બનાવ તા. ૨૮-૩-૨૦૧૨ના રોજ ઘટવા પામ્યો હતો જેની પોલીસ ફરિયાદ શહેર પોલીસ સ્ટેશન ખાતે ૩૧-૩-૧૨ના રોજ નોંધાઈ હતી. જેમાં ફરિયાદીએ બનાવની હકીકત જણાવી હતી કે સગીરા પોતાની બહેનપણીના ત્યાં પુસ્તકો લેવા જતી હતી એ દરમિયાન શહેરના ટાવરચોક પાછળ મુનસર તરફ જવાના માર્ગે જ્યોતીવાળાની દુકાન આગળ પહોંચતા એક રિક્ષા તેણીની પાસે આવીને થોભી હતી અને તેમાં બેઠેલા ચારેય યુવાનો પૈકી એકે છરી ગળાના ભાગે મૂકી બીજાએ મોં દબાવીને રિક્ષામાં બેસાડી વણી ફાટક પાસે ગરનાળા નીચે લઈ ગયેલા અને ત્યાં તેણીની સાથે વારાફરતી યુવાનોએ દુષ્કર્મ આચર્યું હતું. આ બળજબરી દુષ્કર્મ દરમિયાન પોતે બેભાન થઈ ગઈ હતી અને છેલ્લેે તેને પાણી નાંખી હોંશમાં લાવવામાં આવી હતી અને પછી વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ પાસે આવેલ માતાજીના મંદિર પાસે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ઉતારીને જતા રહ્યા હતા.

યુવતી ઘરે પહોંચતા બનાવની જાણ પરિવારમાં થતાં તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ચારેય યુવાનો વિરુદ્ધ ગુનો નોંધાવામાં આવ્યો હતો. પોલીસે તાબડતોબ ચારેય યુવાનોને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. જે દુષ્કર્મનો કેસ વિરમગામના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ એન.એસ. પ્રજાપતિ જજની કોર્ટમાં ચાલતો હતો. જે કેસમાં ૨૬ સાક્ષીઓ તથા ૪૪ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા અને સરકારી વકીલ હંસરાજસિંહ સોલંકી દ્વારા ધારદાર દલીલો આરોપી પક્ષના વકીલ સામે કરવામાં આવતા તમામ દલીલો, રજૂઆતો અને પુરાવા ચકાસીને અંતે જજે આ બનાવના ચારેય વિરમગામ નૂરી સોસાયટીના યુવાનો યુસુફ મુસ્તુફાભાઈ મંડલી, સદ્દામ ઉર્ફે ડીપી મુસ્તુફા મંડલી, મહેબુબ ઉર્ફે ટેપલો ગુલાબભાઈ સિંધી તથા ઈર્શાદ આબિદભાઈ સિપાઈને આજીવન કેદની સજા સાથે ૨૫ હજાર દંડ જો દંડ ન ભરે તો ચાર વર્ષની સાદી કેદની સજા સંભાળવી હતી. પોલીસે ઈન્ડિયન પી. કોડ કલમ ૩૪૧,૩૪૨, ૩૬૩,૩૭૬ (૪)., ૧૨૦ (બી), ૫૦૬ (૨) તથા ડીપી એક્ટ ૫૦૧ મુજબ ગુનો નોંધ્યાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન