જિંદગી- 'વચગાળાનો એક સમય' - Sandesh

જિંદગી- ‘વચગાળાનો એક સમય’

 | 2:59 am IST

કેલિડોસ્કોપઃ મોહમ્મદ માંકડ

હેડિંગ – જિંદગી- ‘વચગાળાનો એક સમય’

 

ઘરની બારી પાસે એક વૃદ્ધ સ્ત્રી બેઠી છે. સાંજ ઢળી ગઈ છે; જિંદગી શરીર પરથી નીતરી ગઈ છે. ઈચ્છાઓ, આશાઓ મનમાં જ રહી ગઈ છે. જિંદગીના હિસાબનું સરવૈયું એની નજર સામે છે, સંતોષજનક નથી.

યુવાનીમાં ઘણાં સપનાંઓ હતાં. એ સપનાંઓ પૂરાં થયાં નથી, બીજી તરફ વિચાર્યું નહોતું એવું ય કેટલંુક મળ્યું છે. પણ કોણ જાણે કેમ વસવસો રહી ગયો છે – નિરાંતે જીવી શકાયું નથી.

બાળકો નાનાં હતાં. એમને ઉછેરવાના હતાં, ભણાવવાનાં હતાં, પરણાવીને થાળે પાડવાનાં હતાં. એ બધું તો પૂરું થઈ ગયું છે, પણ હવે શું? કેટલી ઈચ્છાઓ, આકાંક્ષાઓ ફળ્યા વિનાની જ રહી ગઈ છે. છોકરાંઓ મોટાં થશે, સારો સમય આવશે, ત્યારે કેટલુંક કરવાનું બાકી રાખ્યું હતું, એ બાકી જ રહી ગયું છે અને જિંદગી જાણે ઝડપથી ચાલી ગઈ છે.

હજારો લાખો માણસો યોજનાઓ કરે છે. આનંદ કરવાની અને સ્વજનોને આનંદ કરાવવાની યોજનાઓ, પ્રવાસની યોજનાઓ, કંઈક વિશિષ્ટ રીતે જીવવાની, કામ કરવાની, દુનિયા જોવા-જાણવાની, પાર વગરની યોજનાઓ માણસના મનમાં પડેલી હોય છે. એ બધું એ નિરાંતે કરવા ઈચ્છતા હોય છે, પણ જિંદગી એવી નિરાંત કોઈને આપતી નથી.

નોકરી-ધંધા માટે ટ્રેઈન કે બસ પકડવાની છે, બાઈક કે કાર લઈને દોડવાનું છે. ખાવા પીવાનું હમણાં તો દોડતાં દોડતાં જ કરવાનું છે. ઊંઘવાનું પણ એવું જ છે. સમયસર ઊંઘવા મટે ટીકડીઓ પેટમાં નાંખીને મગજને ઘેન ચડાવી દેવાનું છે. કંઈક સરસ કરવું છે – મનને શાંતિ મળે, આનંદ મળે, સંતોષ મળે એવું એવું કરવું છે, પણ નિરાંતે.

પત્નીનો ફોન આવે છે કે, આજે કોઈક ફિલ્મ જોવા કે શોપિંગ માટે જઈએ. જવાબ તૈયાર છે. ‘આજે એક જરૂરી મિટિંગ છે, એમ કરને, તું કોઈકને સાથે લઈને જઈ આવને. અથવા તો-‘

સાંજે નાનો દીકરો ગણિતના ગુણાકાર-ભાગાકાર વિશે થોડું પૂછે છે. જવાબ એક જ છે. ‘બેટા, હમણાં હું બહુ જ થાકી ગયો છું.’

‘આપણે કેરમ રમીશું, પપ્પા? હું પણ હોમવર્ક કરીને થાકી ગયો છું.’

‘હું થાકી ગયો છું, બેટા તું કેમ સમજતો નથી?’

પણ સમજણ કદાચ પપ્પાને જ નથી. દીકરા સાથે રમવું છે, ખૂબ રમવું છે, વાર્તાઓ કહેવી છે, એને હસાવવો છે, રમાડવો છે, પણ આજે નહિ. આજે થાક છે, સમય નથી.

જિબ્રાને ચિત્રકારની એક વાત લખી છેઃ એક ચિત્રકારને ઉત્તમ ચિત્ર બનાવવાની ધૂન હતી. એ માટે આસમાનના રંગ જેવો જ આસમાની રંગ શોધવામાં તેને સાત વર્ષ લાગ્યા. પછી ગુલાબી રંગ શોધવામાં બીજા સાત વર્ષ લાગ્યાં. આમ, એક પછી બીજો રંગ શોધવામાં જ એમના વર્ષો વીતી ગયા. આખરે ચિત્રકાર જ્યારે હાથમાં પીંછી લઈને ફલક ઉપર ચિત્ર બનાવવા માટે બેઠો ત્યારે એનો હાથ ધ્રૂજતો હતો- ઉંમર થઈ ગઈ હતી. પીછીં હાથમાંથી પડી ગઈ. એ ફલક સામે જોઈ રહ્યો. સામાન અને સાધનો બધા ભેગાં થઈ ગયાં હતાં, પણ એમાં જ વર્ષો વીતી ગયાં હતાં, ચિત્ર ક્યારેય ન થઈ શક્યું.

આવતીકાલે બધું શ્રેષ્ઠ કરવાની આશામાં આજે જિંદગી જીવવાનું માંડી વાળવું એ કમનસીબી છે.

બીજા કોઈ પ્રાણીઓમાં કલ્પનાશક્તિ નથી, એટલે યોજના કરવાની શક્તિ પણ નથી. માણસમાં એ અદ્દભુત શક્તિ છે, પણ એનો ઉપયોગ ‘બધું જ ભવિષ્યમાં કરીશું’ એ માટે કરે તો એ એની કમનસીબી જ છે.

આજે તમને બે કલાકની નિરાંત મળી શકે તેમ નથી, પણ પંદરેક મિનિટ તો મળી શકે તેમ છે. આજે તમે ટોલ્ટસ્ટોયની મહાનવલ ‘યુદ્ધ અને શાંતિ’ વાંચી શકો તેમ નથી, પણ કોઈક લેખકની નાનકડી વાર્તા ચોક્કસ વાંચી શકો એમ છો. આજે તમે કોઈક કવિની કવિતા કે ગઝલ જરૂર માણી શકો એમ છો. કોઈક લાંબુ ન હોય એવું સાહિત્ય જરૂર માણી શકો એમ છો તો એ આજે જ માણી લેવું. આજે દેહરાદૂન, સિમલા કે ઊટી જઈ શકાય એમ નથી. પણ બહાર ખુલ્લા આકાશ નીચે, ગામની નદીના કાંઠે જઈ શકાય એમ છે તો શા માટે ન જવું?

હું કિશોર વયનો હતો ત્યારે અમારા ગામમાં એક ડોકટર હતા, મારા કરતાં મોટી ઉંમરના વાંચવાના બહુ શોખીન હતા. એ જમાનામાં તો કોઈને ટી.વી; મોબાઈલ; ઈન્ટરનેટની તો કલ્પના જ નહોતી. ટેલિગ્રામ અગત્યનું કોમ્યુનિકેશનનું સાધન ગણાતું. ગામમાં ઈલેક્ટ્રીસિટી નહોતી.

 

ડોક્ટર રાત્રે ફાનસના અજવાળામાં વાંચતા. આસપાસ નાનાં ગામડાંઓ હતાં અને કેટલાય ગામડાંઓ વચ્ચે અમારે ત્યાં જ આ એક સરકારી દવાખાનું હતું. ડોકટરને દિવસે તો કામ રહેતું જ, પણ રાત્રેય ગમે ત્યારે વિઝિટે જવું પડતું.

રાત્રે કોઈપણ ડોક્ટરને અવાજ દે. ડોક્ટર ચોપડી બંધ કરે, દર્દીની વાત સાંભળે. વિઝિટમાં જવાની જરૂર પડે તો ત્યાં પણ જાય. ફરી પાછા આવીને પુસ્તક ઉઘાડે અને વાંચવામાં લીન થઈ જાય.

એકવાર મેં એમને પૂછયું. ‘આમાં તમને ખલેલ ન પડે?’

‘ખલેલ તો પડે.’

‘તો વાંચવાની શું મજા આવે.’

‘જો એવી મજાનો કે નિરાંતનો વિચાર કરું તો હું કશું જ વાંચી ન શકું. જેટલું બને એટલું આ ‘વચગાળાના સમય’માં જ વાંચવાનું છે. હું રિટાયર્ડ થઈશ, નિરાંત હશે ત્યારે વધારે વાંચીશ.’

મને અત્યારે સમજાય છે કે, ‘જિંદગીમાં બધું નિરાંતે કરીશું’ એવું વિચારનારા આજે જે મળ્યું છે એ પ્રાપ્ત કરવાની તક ચૂકી જાય છે.

આનો અર્થ એવો ન કરશો કે, માણસે યોજના કરવી જ નહીં. સરસ મકાન બનાવવું છે, ર્ફિનચર બનાવવું છે, સરસ બગીચો બનાવવો છે, અને એ બધું નિરાંતે કરવું છે તો એમાં કોઈ વાંધો નથી. પણ અત્યારે તમારા હાથ ઉપર છે, થઈ શકે તેમ છે, એનો ઉત્તમ ઉપયોગ કરો.

વોલ્ટ ડીઝનીને કોઈએ પૂછયું, ‘તમે આટલા બધાં ઉત્તમ ચિત્રોનું સર્જન કઈ રીતે કરી શકો છો? આટલી નવી નવી કલ્પનાઓ ક્યાંથી લઈ આવો છો?’

ડીઝનીએ કહ્યું, ‘હું જ્યારે કોઈ વસ્તુ બનાવું છું ત્યારે તે આખરી જ છે, એમ માનીને બનાવવાનો પ્રયત્ન કરું છું.’

માણસની જિંદગી પોતે જ એક વચગાળાનો સમય છે. જન્મથી મૃત્યુ વચ્ચેની એ પળો એને મળી છે. આવતીકાલે વધુ સારું જીવન જીવવા માટે એ ચોક્કસ યોજનાઓ કરી શકે છે, પણ આવતીકાલની ઉત્તમપળોની આશામાં પોતાની ‘આજ’ એણે નિરર્થક બનાવી ન દેવી જોઈએ.

ટોચ પર પહોંચવા ઈચ્છનારે ટેકરીની તળેટીથી ચડવાની શરૂઆત કરવી પડે છે; એટલું જ નહિ સતત ચાલતાં પણ રહેવું પડે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન