જીવનને 'મજબૂત' બનાવવું છે? - Sandesh

જીવનને ‘મજબૂત’ બનાવવું છે?

 | 1:24 am IST

ક્લાસિક : દીપક સોલિયા

ટચૂકડા કોરોના જેવી એક અણધારી ઘટના આખી માનવજાત પર કેટલો મોટો પ્રભાવ પાડી રહી છે તે અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ. આ જે બાબત છે તેના વિશે ખાસ્સું ઊંડું ચિંતન કરનારા એક આધુનિક વિચારકનું નામ છે, નસીમ નિકોલસ તાલેબ.

આ માણસ ઘણું બધું છે. એ શેરબજારના સટ્ટાના સોદાનો નિષ્ણાત છે, ફ્લિોસોફ્ર છે, પ્રાધ્યાપક છે, હેજ ફ્ંડનો ખેરખાં છે, લેખક છે, મેથેમેટિકલ સ્ટેટિસ્ટિશ્યન છે. ખૂબ ભણેલા-ગણેલા હોવા છતાં નસીમ તાલેબ પ્રચલિત ભણતરને, ચીલાચાલુ પ્લાનિંગ સાથે જિવાતા પ્રચલિત જીવનને તથા પ્રચલિત માન્યતાઓને જુસ્સાપૂર્વક અને રમતિયાળ ઢબે વખોડતા રહે છે. પોતે ઘણું જાણે છે એવા દાવા કરીને લોકોને સુરક્ષિત ભાવિ તરફ દોરનારા ‘નિષ્ણાતો’ને તો તાલેબ ઓલમોસ્ટ ‘ઠગ’ની કેટેગરીમાં મૂકે છે.

સરવાળે, તાલેબ ભાંગફેડિયા લાગી શકે. છતાં તેમની વાતો સમજવા-વિચારવા જેવી છે. તેમણે એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે, ‘બ્લેક સ્વાન’ એટલે કે કાળો હંસલો. સામાન્ય માન્યતા એવી છે કે હંસ તો સફ્દ જ હોય. દુનિયા એવું માનતી હતી કે હંસનો સફ્દ સિવાય બીજો કોઈ રંગ હોઈ શકે નહીં, પણ પછી ઓસ્ટ્રેલિયામાં કાળા હંસ જોવા મળ્યા. તાલેબનો તર્ક એવો છે કે હંસલા સફ્દ જ હોય એ નિયમને તોડી પાડવા માટે, એ માન્યતાનો ભંગ કરવા માટે એક જ કાળો હંસ જે રીતે પૂરતો છે એ જ રીતે, જગતની તથા જીવનની ચીલાચાલુ દિશાને બદલી નાખવા માટે કોઈ એક નાનકડી, અણધારી, નજીવી જણાતી ઘટના પૂરતી છે.

તાલેબની ફ્લિોસોફીનું હાર્દ એ છે કે જેની આપણને જાણ નથી તેની સાથે પનારો કઈ રીતે પાડવો. તાલેબનું કહેવું છે કે અલ્પ જાણકારીમાં અટવાતો માનવી જગતને અને જીવનને મારીમચડીને સ્પષ્ટ વિચારો તથા વિચારધારામાં ઢાળવા માટે મથીને છેવટે ભેરવાઈ પડતો હોય છે. તેના કરતાં, અનિશ્ચિતતાનો સ્વીકાર કરીને, તેનો લાભ ઉઠાવીને કઈ રીતે મૂડીરોકાણમાંથી મહત્તમ વળતર મેળવી શકાય અને કઈ રીતે વધુ ભર્યુંભાદર્યું અને ખાસ તો ‘મજબૂત’ જીવન જીવી શકાય તે વિશેની વાતો તાલેબ તેમનાં પુસ્તકો અને પ્રવચનોમાં કરતા રહે છે. તાલેબ એવો સમાજ તથા એવો માનવી તૈયાર કરવા માગે છે જે ‘બ્લેક સ્વાન રોબસ્ટ’ હોય, અર્થાત્ઃ જે અણધારી બાબતોનો સામનો કરવા બાબતે વધુ સજ્જ અને સક્ષમ હોય.

તો, આ તાલેબના ‘બ્લેક સ્વાન’ સિવાયના અન્ય એક પુસ્તકનું નામ છે, ‘બેડ ઓફ પ્રોક્રસ્ટિસ’. એટલે કે પ્રોક્રસ્ટિસનો પલંગ. અસલમાં આની દંતકથા એવી છે કે ગ્રીસનો પ્રોક્રસ્ટિસ નામનો એક વિકૃત રાજવી એવો હતો, જે વટેમાર્ગુને ઉઠાવી લાવીને પહેલાં તો બહુ સારી આગતાસ્વાગતા કરતો, પણ પછી રાત પડે ત્યારે ‘મહેમાન’ને એક ખાસ પલંગમાં સુવડાવતો. એ પલંગનું કદ ‘મહેમાન’ના શરીરના કદ જેટલું જ હોવું જોઈએ એ બાબતે તેનો આગ્રહ એટલો ક્રૂર હતો કે પલંગથી લાંબું શરીર ધરાવનાર ‘મહેમાન’ના શરીરને તે કાપીકૂપીને પલંગ જેવડું કરતો અને ટૂંકા શરીરને ખેંચીતાણીને લાંબું કરતો (પ્રોક્રસ્ટિસ શબ્દનો અર્થ એ જ છે, ખેંચવું-તાણવું). આ દંતકથાનું વધુ ક્રૂર વર્ઝન એવું પણ છે કે અસલમાં પલંગ એક નહોતો, બે હતા. એક લાંબો પલંગ, બીજો ટૂંકો પલંગ. પછી પ્રોક્રસ્ટિસ લાંબા માણસને ટૂંકા પલંગમાં સુવાડીને કાપતો અને ટૂંકા માણસને લાંબા પલંગમાં સુવાડીને ખેંચતો.

તાલેબનું કહેવું છે કે જરૂર પલંગ બદલવાની હોય ત્યાં માણસના શરીરનું કદ બદલવા જેવી નાદાની આખી દુનિયામાં ચોતરફ, મોટા પાયે જોવા મળે છે. આ નાદાની પર પ્રહારો કરતાં અનેક સૂત્રો તાલેબે તેમના પુસ્તક ‘બેડ ઓફ પ્રોક્રસ્ટિસ’માં નોંધ્યાં છે. એ બધાં જ સૂત્રો બધી જ રીતે સાચાં છે એવું નથી. નાટયાત્મક અને ‘ખેપાની’ એવા તાલેબની બધી વાતો શિષ્યભાવે સ્વીકારી લેવા જેવી નથી. જેમ કે, ‘બેડ ઓફ પ્રોક્રસ્ટિસ’માં પ્રોક્રેસ્ટિનેશન (કામ પતાવી નાખવાને બદલે લાંબું ખેંચવાની અને ટાળવાની એટલે કે લાસરિયાપણાની વૃત્તિ) વિશે એક સૂત્ર આ પ્રમાણે છેઃ ‘કોઈ પણ કાર્યને મુલતવી રાખવાનો (પ્રોક્રેસ્ટિનેશનો) મતલબ એ છે કે માણસનો આત્મા ક્યાંક ભરાઈ પડવામાંથી બચવા મથી રહ્યો છે.’ પહેલી નજરે આ ‘શેર’ વાંચીને વાહ વાહ, દુબારા દુબારા બોલવાનું મન થઈ શકે. જરાક પણ જોખમી હોય તેવું કામ માણસ શક્ય તેટલી હદે ટાળતો હોય છે એ વાત સાચી છે, પરંતુ કામ ટાળવાની ઇચ્છા પાછળ આત્માની ઇન્ટેલિજન્ટ મથામણ જ કામ કરતી હોય એવું નથી. મોટે ભાગે સીધીસાદી, નિર્ભેળ આળસથી પ્રેરાઈને માણસ કસરતથી માંડીને બીજાં અનેક કાર્યો ટાળતો હોય છે.

ટૂંકમાં, તાલેબ સાચા જ છે એવું માની ન લેવું. એમને થોડું મોણ નાખીને વાત કરવાની ટેવ છે, પરંતુ મોણની બાદબાકી કરીને, સહેજ સાવચેતી સાથે તાલેબની વાતો વાંચીએ તો એમાંથી ઘણું ઉપયોગી અમૃત મળી શકે તેમ છે. આવાં કેટલાંક સૂત્રો વિશે થોડી ચર્ચા કરીશું. શરૂઆત કરીએ એક રસપ્રદ સૂત્રથીઃ ‘તમારી પ્રતિષ્ઠા બચાવવા માટે તમે જે કંઈ કહો છો તેને લીધે તમારી પ્રતિષ્ઠા સૌથી વધુ ખરડાતી હોય છે.’

બોલો, ‘કવિ’ અહીં શું કહેવા માગે છે? વાત સાચી છે કે ખોટી છે? વિચારો… વધુ આવતા લેખમાં. (ક્રમશઃ)

[email protected] gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન