જિંદગીની જવાબદારીઓ અને ફરજો કઈ? - Sandesh

જિંદગીની જવાબદારીઓ અને ફરજો કઈ?

 | 2:59 am IST

તડકભડકઃ સૌરભ શાહ

રાત રહે જાહરે

પાછલી ખટ ઘડી

સાધુ પુરુષને સૂઈ ન રહેવું

નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ

એક તું એક તું એમ કહેવું

———————-

જોગિયા હોય તેણે જોગ સંભાળવા

ભોગિયા હોય તેણે ભોગ તજવા

વેદિયા હોય તેણે વેદ વિચારવા

વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા

——————-

સુકવિ હોય તેણે સદ્ગ્રંથ બાંધવા

દાતાર હોય તેણે દાન કરવું

પતિવ્રતા નારીએ કંથને પૂછવું

કંથ કહે તે તો ચિત્ત ધરવું

———————

આપણે આપણા ધર્મ સંભાળવા

કર્મનો મર્મ લેવો વિચારી

નરસૈંયાના સ્વામીને સ્નેહથી સમરતઃ

હરિ નવ અવતરે નર ને નારી

નરસિંહ મહેતાએ પાંચસો વર્ષ પહેલાં આ પ્રભાતિયું લખ્યું અને આજે પણ એ એટલું જ તાજું છે, રિલેવન્ટ છે, કામનું છે. આ આખાય ભજનની ઓપરેટિવ પંક્તિ છેઃ ‘આપણે આપણા ધર્મ સંભાળવા.’

સૂર્યોદય થાય એના પહેલાં ઊઠી જવાનો મહિમા ઘણો મોટો છે. શારીરિક અને માનસિક- બેઉ દ્રષ્ટિએ. મોડે સુધી જાગવું અને મોડેથી ઊઠવુંવાળી લાઈફસ્ટાઈલ જેઓ સેકન્ડ શિફટમાં કે પછી રાતપાળીમાં કામ કરતા હોય એના માટે બરાબર છે અથવા તો પછી એ.આર.રહેમાન જેવા ક્રિયેટિવ જિનિયસને આવી નિશાચરવૃત્તિ શોભે. પણ જેમ કોેેલેજ અધૂરી છોડી દેવાથી બધા સ્ટીવ જોબ્સ બની જતા નથી એમ આખી રાત ઉજાગરાઓ કરીને કોઈ એ.આર.રહેમાન પણ બની જતું નથી. સેકન્ડ, મિનિટ અને કલાક નહોતા ત્યારે પળ, ઘડી, પ્રહર વગેરેનાં એકમો હતાં. ઘડી એટલે ૨૪ મિનિટનો સમય, પ્રહર એટલે ત્રણ કલાક. સૂર્યોદય થયાના બે પ્રહર અર્થાત્ છ કલાક વીતી ગયા પછીનો સમય દો-પ્રહર એટલે કે દોપહર- બપોરનો સમય ગણાય. અર્વાચીન સમયમાં સૂર્યોદય થાય એની બે ઘડી પહેલાંનો, ચોવીસ દુ ૪૮ મિનિટ પહેલાંનો સમય બ્રાહ્મમુહૂર્તનો ગણાય. આજકાલ ૬.૩૦ વાગ્યે સૂર્યોદય થાય છે એટલે પોણા છ પહેલાં બ્રાહ્મમુહૂર્ત શરૂ થઈ જાય. પણ નરસિંહના જમાનામાં તેમ જ ઋષિમુનિઓના પ્રાચીન કાળથી સૂર્યોદયની બે ઘડી પહેલાંનો નહીં છ ઘડી (ખટ ઘડી) પહેલાંનો સમય બ્રાહ્મમુહૂર્તનો ગણાતો અને સાચું બ્રાહ્મમુહૂર્ત એ જ છે, બે ઘડીવાળું સગવડિયું છે. છ ઘડી એટલે ૨૪ ગુણ્યા ૬ બરાબર ૧૪૪ મિનિટ અર્થાત્ લગભગ અઢી કલાક. સાડા છએ સૂરજદાદા ઊગે તેના અઢી કલાક પહેલાં, મળસ્કે ૪ વાગ્યે ઊઠીને કામે લાગી જવાનું. (આવું ત્યારે જ બને જ્યારે તમે ટીવી પરની સીરિયલોનો તથા ન્યૂઝ ચેનલોનો ત્યાગ કરીને રાતે નવ વાગ્યે પથારીમાં પડીને સૂઈ જાઓ.)

બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને કોણે શું કરવું એનું પ્રિસ્ક્રિપ્શન મહેતાજીએ આપ્યું છે. લેખના આરંભે ક્વોટ કરેલી એમની જગપ્રસિદ્ધ પંક્તિઓ ફરી વાંચી જઈએ. ઘરમાં બધાં જ ઘસઘસાટ ઊંઘતા હોય ત્યારે કોઈનેય ડિસ્ટર્બ કર્યા વિના, સાંસારિક પ્રવૃત્તિઓની પળોજણમાં પડયા વિના આપણે જીવનનું સ્તર ઊંચું આવે એવી, ક્વોલિટેટિવ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. રસોડામાં જઈને ચાની તપેલી અને કપ-રકાળી-ગળણી-ડબ્બાડુબ્બીના ખડખડાટથી આખા ઘરને ખલેલ પહોંચાડયા વિના ચૂપચાપ યોગ અને પ્રાણાયમ કરી શકાય, પ્રભુનું સ્મરણ કરી શકાય. પણ એથીય ઉત્તમ પ્રવૃત્તિ કઈ? નરસિંહ મહેતાએ આખા પ્રભાતિયાનો સાર આ એક લીટીમાં આપી દીધો છેઃ ‘આપણે આપણા ધર્મ સંભાળવા.’

ભારતીય પરંપરા મુજબ ધર્મ એટલે મઝહબ, પંથ કે રિલિજયન નહીં. ધર્મનો ખૂબ વિશાળ અર્થ આપણે ત્યાં છે અને હજારો વર્ષથી એ સ્વીકારાયેલો છે. વિદેશીઓએ આવીને એમના રિલિજયનની વ્યાખ્યામાં આપણા ધર્મને બેસાડવાની શરૂઆત કરી જેમાંથી બધી ભાંજગડ શરૂ થઈ. જેમ વિદેશીઓ પાસે આપણી રોટલી, ભાખરી, રોટલા, થેપલાં માટે કોઈ ટર્મ નહોતી એટલે એમણે એ બધાને બ્રેડ કહેવાનું શરૂ કર્યું

 

એવી જ રીતે એમણે ધર્મને રિલિજયન કહેવાનું શરૂ કર્યું. પણ આપણે એમની ‘બ્રેડ’ની સંજ્ઞાાને આપણી રોટલી-પુરી વગેરે માટે સ્વીકારી નથી. કોઈ દિવસ ઉનાળામાં તમે સાંભળ્યું કેઃ ‘આજે તો અમે રસ-બ્રેડનું જમણ કીધું?’ રસ-રોટલી કે રસ-પુરી જ હોય. એ જ રીતે ધર્મની સંજ્ઞાા જ આપણા માટે યોગ્ય છે. મઝહબ કે પંથનો નિર્દેશ કરતી રિલિજયનની સંજ્ઞાા આપણા માટે ઘણી સાંકડી-સંકુચિત પુરવાર થાય.

આપણે આપણા ધર્મ સંભાળવા. ધર્મનો આપણે ત્યાં વિશાળ અર્થ છે. ભગવદ્ ગીતામાં જ્યારે કહેવાય છે કે સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ ત્યારે ગીતાકાર પંથ કે મઝહબ કે રિલિજયનની વાત નથી કરતા. ક્યાંથી કરે? પાંચ હજાર વર્ષ પહેલાં એ બધા રિલિજયન કે મઝહબનો જન્મ પણ નહોતો થયો. વેદવ્યાસ જ્યારે સ્વધર્મે નિધનં શ્રેયઃ કહે છે ત્યારે સૂચવે છે કે આપણે આપણો ધર્મ જાળવતાં જાળવતાં મોતને ભેટવું સારું, બીજાના ધર્મને અપનાવવાથી જિંદગી ભયજનક બની જશે. ગીતાકારે ધર્મની જે વ્યાખ્યા, સંસ્કૃતના જ્ઞાાતાઓ માટે આપી તેને નરસિંહે આપણા જેવા કોમન લોકો માટે ગુજરાતીમાં મૂકી આપીઃ વેદિયા હોય તેણે વેદ વિચારવા, સુકવિ હોય તેણે સદ્ગ્રંથ બાંધવા.

વેદ-ઉપનિષદના જે જ્ઞાાતા છે તે વેદિયા ગણાતા. વેદિયાનો નેગેટિવ અર્થ તો આપણી સંસ્કૃતિના શત્રુઓએ પ્રચલિત કર્યો છે. જે વેદના જ્ઞાાતા છે એમને વેદનું અધ્યયન કરવું. જે સુકવિ છે અર્થાત્ ચિંતક-વિચારક-લેખક- સાહિત્યકાર છે તેણે સદ્ગ્રંથ બાંધવા, સરસ પુસ્તક થાય એવું લખવું (કોલમો નહીં) એ જમાનામાં ડોક્ટર, આર્િકટેક્ટ, સીએ કે પાયલટ નહોતા. અન્યથા નરસિંહે એ લોકોએ પણ શું શું કરવું એની યાદી આપી હોત. નરસિંહ કહેવા માગે છે કે કુદરતે તમારા પર કામની જે જવાબદારી સોંપી છે તે કામની નિપૂણતા વધે એવી પ્રવૃત્તિ બ્રાહ્મમુહૂર્તમાં કરવી. ધર્મ એટલે તમારી ફરજ. ધર્મ એટલે તમારી જવાબદારી. ધર્મ એટલે તમારું કામ, તમારી જિંદગી, તમારી જીવનશૈલી.

ધર્મ કરવો એટલે ટીલાં ટપકાં અને ક્રિયાકાંડ કે મંદિર-દેરાસરમાં જઈને પૂજા કરવી એવી ધારણા છે. પરંપરા મુજબ જે લોકોને આવી પ્રવૃત્તિઓ કરવી હોય તો જરૂર કરે પણ આપણો ધર્મ માત્ર એટલામાં સમાઈ જતો નથી. શિક્ષકનો ધર્મ ભણાવવાનો છે. સંગીતકારનો ધર્મ ગાવાનો કે વગાડવાનો છે. બ્રાહ્મમુહૂર્તમાં શિક્ષકે, સંગીતકારે પોતાના ધર્મને વફાદાર રહીને વિદ્યાભ્યાસ, રિયાઝ ઈત્યાદિ પ્રવૃત્તિ કરવી જોઈએ.

જિંદગી વેડફી નાખવા માટે નથી મળી. કુદરતે આપણને આપણા માટેની, આપણા કુટુંબ માટેની, આપણા સમાજ અને આપણા દેશ માટેની કેટલીક જવાબદારીઓ આપણને સોંપી છે. કેટલીક ફરજો આપણા માથે મૂકી છે. કેટલાક કામ પૂરાં કરવાનું આપણને કહ્યું છે. આ કામ પૂરાં કરતાં રહીએ, આ ફરજો-જવાબદારીઓ આપણે નિભાવતા રહીએ એનો અર્થ એ કે આપણે આપણો ધર્મ નિભાવીએ છીએ. આપણે આપણું કામ કરતાં રહીશું તો આ કામ આપણને ટકાવી રાખશે, સાચવી લેશે. કામ નહીં કરીએ, બેકારમાં જિંદગી વેડફી નાખીશું તો આપત્તિ વખતે કોઈ તમને સંભાળવા આવવાનું નથી. કામમાં નિષ્ઠા હશે તો એ તમારી જિંદગીને નિખાર આપશે. આ જ અર્થમાં કહેવાયું છે કે ધર્મો રક્ષતિ રક્ષતિઃ જે પોતાના ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા એનો ધર્મ કરે છે.

ધર્મ એટલે ભગવાન, પૂજા, આરતી, યજ્ઞા, પ્રાર્થના તો ખરાં જ. પણ ધર્મ માત્ર એમાં જ સીમિત નથી. આ બધું આપણા ધર્મનો એક અનિવાર્ય હિસ્સો છે. ધર્મને રિલિજયન કે મઝહબ બનાવીને આપણે આપણા જીવનની વિશાળતાને સંકુચિત કરી નાખી છે. ધર્મને ગીતાકારે કરેલી વ્યાખ્યાના અર્થમાં અપનાવીએ અને ધર્મને નરસિંહે આપેલા પ્રિસ્ક્રિપ્શનના સંદર્ભમાં અપનાવીએ. બ્રાહ્મમુહૂર્તમાં ઊડી શકીએ તો સારું જ છે નહીં તો જાગ્યા ત્યારથી સવાર માનીને ગાઈએઃ આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી…હરિ નવ અવતરે નર કે નારી.

– પાન બનાર્સવાલા

– પડી સાંજ તો એટલી હાશ છે કે કશુંક કાયમી મેં સવારે લખ્યું છે.

– www.facebook.com/Saurabh.a.shah