જીવન રેખા - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS

જીવન રેખા

 | 1:37 am IST

ધારાવાહી નવલકથા । પ્રકરણ : ૩૨

મેક્ગીલ યુનિવર્સિટી-કેન્સર કેર સેન્ટર…. મોન્ટ્રીયલ….!

“મારે વિચારવું પડશે, અમોલ….!” આયુષીએ કહ્યું : “કેનેડામાં ઇલાજ કરાવવાની મારી ઇચ્છા નથી, ભારતમાં દરેક બીમારીનો ઇલાજ થઈ જ શકે છે. ….”

“પણ મોન્ટ્રીયલમાં ટેક્નોલોજી એડવાન્સ હોય છે આયુષી.” અમોલે કહ્યું : “તું જાણે છે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે વિશ્વના અનેક લોકો મેક્ગીલ યુનિર્વિસટીના કેન્સર કેર સેન્ટરને પસંદ કરે છે.”

“અમોલ, તારા લાખો રૂપિયા ફના કરવાનો મને કોઈ હક નથી….” આયુષી બોલી : “અને એ કર્યા પછી પણ મને કેટલું આયુષ મળશે…. એ તો ઈશ્વરાધીન બાબત છે….”

“આયુષી, યુ આર અ ડોક્ટર!” અમોલે કહ્યું : “ડોક્ટરના મોંએ આવા શબ્દો શોભતા નથી. ડોક્ટરે પેશન્ટના જીવનની અંતિમ ક્ષણ સુધી લડવાનું હોય છે જ્યારે તું પોતાના માટે ય હિંમત હારી જશે તો કેમ ચાલશે….?” અમોલ ક્ષણેક રોકાઈને બોલ્યો : “આપણે મોન્ટ્રીયલ જઈને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવીશું…. તે પછી રિહેબિલિટેશન પ્રોગ્રામ એટેન્ડ કરીને એક-દોઢ મહિનામાં તો ઇન્ડિયા પાછા આવી જઈશું….”

“પણ અમોલ-” અત્યાર સુધી મૌન રહી અમોલને સાંભળી રહેલી આયુષી બોલી : “હું એક કુંવારી છોકરી છું. મારી મમ્મી મને એકલી તારી સાથે છેક વિદેશ કેવી રીતે મોકલી શકે….?”

“આયુષી એ જ મુદ્દો હશે તો હું પહેલાં તારી સાથે લગ્ન કરી લઈશ….” અમોલે કહ્યું : “આપણે લગ્ન પછી મોન્ટ્રીયલ જવા નીકળીશું બસ…’ અમોલે આયુષીના માથે હાથ પસારતા હસીને કહ્યું : “હું મારી પત્નીને તો મારી સાથે હનીમૂન કરવા મોન્ટ્રીયલ લઈ જઈ શકું ને…?”

“અમોલ, તું લાગણીપ્રધાન માણસ છે…” આયુષી બોલી : “તારા મમ્મી-પપ્પા એ ક્યારેય નહીં સ્વીકારે કે તું એક લ્યૂકેમિયા પેશન્ટ પ્રેમિકા સાથે લગ્ન કરીને તારું જીવન બરબાદ કરે…”

“આયુષી, તું મારા મમ્મી-પપ્પાને ઓળખી નથી શકી… હું મેઘનગરથી અમદાવાદ આવવા નીકળ્યો ત્યારે એમને મેં બધી વાત કરી દીધી છે….” અમોલ બોલ્યો : “તું જાણે છે એ લોકોએ શું કહ્યું….?”

“શું….?” આયુષી એની સામે જોઈ રહી.

“મારી મમ્મીએ મને કહ્યું છે કે, તું પાછો આવે ત્યારે અમારી પુત્રવધૂને સાથે લઈ આવજે.” અમોલે કહ્યું : “લગ્ન કરવાની મંજૂરી પણ એમણે જ આપી છે. મારી મમ્મી પણ આપણી સાથે મોન્ટ્રીયલ આવશે….”

આયુષીએ અમોલનો હાથ જે એના ગાલ પાસે હતો એ પોતાના ગાલે ખેંચીને પસારવા માંડી.

યશોધરા બારણામાં ઊભી હતી…. એ રૂમમાં આવી…. ને બોલી : “અમોલ, દીકરા મારી દીકરીનો સરસ ઇલાજ થાય એ માટે હું ગમે તે કરવા તૈયાર છું….”

“મમ્મી, તમારે કશું કરવાનું નથી.” અમોલે કહ્યું : “માત્ર અમારા સિવિલ મેરેજ કરાવી આપવાના છે એ પછી કેનેડાના વિઝા અને તત્કાલ પાસપોર્ટની વ્યવસ્થા હું કરી લઈશ….”

“ભલે દીકરા-” યશોધરા અમોલની સામે બેસી ભીની આંખે બોલી : “મારી દીકરીને મારી શક્તિ મુજબ દમામથી વિદાય કરવાની ઇચ્છા હતી…. પણ એ કદાચ મારા નસીબમાં નથી….”

“મમ્મી-” અમોલે કહ્યું : “આયુષી દોઢ મહિના પછી સાવ સાજી નરવી થઈને પાછી આવશે…. પછી અમે બંને ફરીથી ચોરીના ચાર ફેરા ફરીને લગ્ન કરીશું…. બસ….!”

યશોધરા એની સામે ઓશિયાળભર્યું હસી રહી…. બપોર સુધી અમોલ અને આયુષી વાતો કરતાં રહ્યાં…. પછી અમોલ અને મિતેન સિવિલ મેરેજ માટે ડોકયુમેન્ટ્સની તૈયારીમાં લાગી ગયા હતા.

સિવિલ મેરેજ….! એક શરત અથવા એક સ્ટેટસ જે કાયદાકીય કરારથી અસ્તિત્વમાં આવે છે કે જેમની અંગત કેપેસિટી અનુસાર એક પુરુષ અને એક સ્ત્રી મ્યુચ્યુઅલી પરસ્પરની સાથે પતિ અને પત્ની તરીકે રહેવાનું પ્રોમિસ આપે છે, જ્યાં સુધી સંબંધોના કાયદેસરના ર્ટિમનેશનનો બીજો કરાર કરવામાં ન આવે…!

યશોધરા એના રૂમમાં મૌન બેઠી હતી…. જીવનના પસાર થયેલા અનેક વર્ષો જાણે આંખોના સ્મૃતિપટ પર ડોકાઈ ડોકાઈને અદૃશ્ય થતાં ગયેલાં. આયુષી સાથે વીતેલી એના સાહચર્યની એકેએક પળ અમૂલ્ય હતી…. જે એણે મહેશચંદ્ર અને આયુષીની સાથે વિતાવી હતી…. દીકરીને ડોક્ટર બનાવવા મહેશચંદ્રએ જોયું હતું એ સપનું સાકાર થઈને સામે આવ્યું ત્યાં વિધાતાએ એની કપરી કસોટી આદરી મૂકી દીધી…. વિષ્ણુનગર રો-હાઉસીઝના આખાય મકાનમાં આયુષીની યાદો મઘમઘતી રહેશે…. એક આખુંય જીવન જ્યાં જેમની સાથે પસાર થયું હતું.

ત્યાં એ જ વ્યક્તિની ગેરહાજરીમાં એકેય પળ ગુમાવવી બહુ જ કપરી હોય છે…. પણ યશોધરાને પેલી એક ફિલ્મનો સંવાદ યાદ આવ્યો…. બાબુ મોશાય, હમ સબ રંગમંચ કી કઠપુતલિયાં હૈ…. કોન કબ ઔર કૈસે ઊઠેગા કોઈ નહીં જાનતા….! હા, પણ આયુષી એ કોઈ કઠપુતલી નહીં, એક જીવતું જાગતું ધબકતું જીવન છે….!

શો મસ્ટ ગોન ઓન-! મહેશચંદ્ર હંમેશા કહેતા….! જીવન તેના લયમાં વહેતું જ રહે છે એની સાથે વહેતા રહેવામાં જ માનવ જીવનની સાર્થકતા અને સફળતા છે. જીવન રોકાતું નથી. એ તો એના લયમાં ક્ષણ ક્ષણ વહેતું જ રહે છે…. પોતે પણ વહેવું પડશે…. જીવનની જવાબદારીઓ છે…. શ્રદ્ધાના લગ્ન કરાવવાના છે અને મિતેનની કોલેજ આવતા વર્ષે પૂર્ણ થઈ જશે એને પગભર કરવાનો છે…. જે પરિવારને સંભાળવાનું વચન આપીને યશોધરા મહેશચંદ્ર સાથે લગ્ન કરી આવી હતી…. એ ઘરની ધૂરાને સંપૂર્ણપણે જે રીતે પરિવારની આબરુને છાજે એમ સંભાળવાની છે….!

અમોલ ચાર દિવસ સુધી અમદાવાદ રોકાયો. અમોલ અને આયુષીના સિવિલ મેરેજ માટે જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હતા એ તૈયાર કર્યાં…. જે દિવસે મેરેજ રજિસ્ટર્ડ કરવાના હતાં એ દિવસે અમોલના પપ્પા ઉમાકાંત અને માતા ઉષાદેવી પણ મેઘનગરથી અમદાવાદ એમની ગોલ્ડન રંગની તવેરા કારમાં આવ્યા હતા. મેરેજ એગ્રીમેન્ટ કરવા ગયા ત્યારે આયુષીએ સરસ લાલ જોડીની ચણિયા ચોળી પહેરી હતી…. શ્રદ્ધા અને મિતેન પણ સરસ તૈયાર થયા હતા.

મહેશચંદ્રના અવસાન પછી યશોધરાએ કેટલાંય વર્ષો પછી આજે લાલ-લીલા વસ્ત્રો પહેર્યા હતા. આયુષી અને શ્રદ્ધાએ હાથોમાં મેંદી મૂકી હતી. વિષ્ણુનગરના પડોશીઓ જાણતા હતા કે યશોધરાની મોટી અને ડોક્ટર દીકરી આયુષીના સિવિલ મેરેજ કરીને આવતી કાલે વિદેશમાં કેનેડા જવાની છે…. આસપાસની કુંવારી છોકરીઓને આયુષીના સદ્ભાગ્યની ઈર્ષ્યા થતી હતી કે…. આયુષીને પરણીને વિદેશ લઈ જનારો એનો રૂપકડો રાજકુમાર પણ એમ.ડી. ડોક્ટર હતો અને આયુષી એની સાથે કેનેડા જવાની હતી. આયુષી એક નસીબદાર છોકરી હતી….!

અમોલ, આયુષી, ઉમાકાંત, ઉષાદેવી, યશોધરા, મિતેન અને શ્રદ્ધા સૌ અમદાવાદ લગ્ન રજિસ્ટ્રાર પાસે પહોંચ્યા…. કાયદાકીય પ્રક્રિયા પછી આયુષી અને અમોલે લગ્ન રજિસ્ટ્રાર સમક્ષ સહીઓ કરી અને એગ્રીમેન્ટ પણ રજૂ કર્યા…. કચેરીના રજિસ્ટ્રારે કહ્યું હતું કે, બંને પ્રકારના લગ્ન પ્રમાણપત્રોની કોપીઓ બે-ત્રણ કલાક પછી મળશે. અગાઉ નક્કી કર્યા મુજબ સૌને હોટેલ રોયલ પેલેસમાં લંચ લેવા જવાનું હતું.

યશોધરાએ કહ્યું હતું કે, આયુષી અને અમોલના લગ્ન નિમિત્તે એ સૌને સાથે હોટેલ રોયલ પેલેસમાં લંચ ઓફર કરવા ઇચ્છે છે એટલે મિતેને અગાઉથી હોટેલમાં એક તરફના સ્પેશિયલ ફેમિલી રૂમમાં બુકિંગ કરાવીને રાખ્યું હતું. સૌ આનંદમાં હતા. સૌ હોટેલ પહોંચ્યા ત્યારે હોટેલના મેનેજમેન્ટે સૌ મહેમાનો સાથે દુલ્હા-દુલ્હનના પોષાકમાં અમોલ અને આયુષીને પુષ્પચુચ્છ આપીને આવકાર્યા.

અહીં સૌએ મહામૂલા સ્વાદિષ્ટ લંચની મજા માણવાની હતી….

લગ્ન સંપન્ન થયા પછી આયુષી-અમોલના બંનેના મસ્તકે હાથ પસારી ઉમાકાંત, ઉષાદેવી અને યશોધરાએ બંનેને આશીર્વાદ આપ્યા….! સૌ એક જ ટેબલ પર જમવા બેઠા હતા. લંચના મેનુમાં પંજાબી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ગુજરાત અને સ્પેશિયલ કાઠિયાવાડી એમ પાંચ જુદા જુદા મેનુની વાનગી હતી. ઉપરાંતમાં અનારસા, રાજભોગ, ગાજર-હલવો, કાજુ કતરી, ખજૂર પાક, બાલુશાહી, શીખંડ, માલપુવા, મોતીચુર, ખીર, બરફી, બાસુંદી, લાડુ અને લાપસીની મીઠાઈ ઉપરાંત ખમણ, કટલેસ, સમોસા, રસપાત્રા, કેળાંવડા અને ભાખરવડીનું ફરસાણ પીરસાતું હતું. ઊંધિયું, બેંગન ભર્તો, તળેલાં તુરિયા, ભરેલા ભીંડાનું શાક, પ્લેઈન રાઈસ, બટર પુલાવ, જીરા રાઈસ, દાલ કરિ, ટોમેટો ફ્રાઈ, નાન, રોટલી, પૂરી, પરાઠા અને રોટલાં, જાત જાતના કાઠિયાવાડી અથાણાં, મરચાં અને સુગંધી ચટણીઓ પીરસાઈ રહી હતી.

યશોધરા, શ્રદ્ધા, મિતેન, આયુષી, અમોલ, ઉમાકાંત અને ઉષાદેવી સહિત સૌ આનંદ આનંદમાં હતા.

સાંજે પેપર્સની ફાઈલ સાથે અમોલ અને આયુષી સહિત ઉમાકાંત એન ઉષાદેવીએ યશોધરાની રજા લીધી…. ગોલ્ડન કલરની તવેરા કાર વિષ્ણુનગરની સાંકડી ગલીમાં આવી શકે એમ નહોતી…. એટલે છેક બહાર ખડી હતી. શ્રદ્ધા અને મિતેનને વળગીને આયુષી ખૂબ રડી…. યશોધરા પાસે અનરાધાર રડી પડી…. યશોધરા ભીની અને વરસતી આંખે આયુષીની પીઠ પસારતી રહી…. આયુષી અમોલ સાથે ઘરના મુખ્ય દ્વારની બહાર નીકળી એટલે યશોધરાએ ઉમાકાંત અને ઉષાદેવી સામે હાથ જોડીને કહ્યું : “મારી દીકરીને સાચવજો…. મેં એને હથેળીમાં રાખીને ઉછેરી છે….” કહેતાં કહેતાં યશોધરા ફરીથી રડી પડી…. ઉષાદેવી બોલ્યાં : “તમે આયુષીની ફિકર ન કરશો…. અને અમોલ-આયુષીની સાથે હું પણ કેનેડા જવાની છું….” ઉમાકાંતે કહ્યું : “આયુષી તમારી દીકરી છે એમ અમારી પણ દીકરી છે એમ જ માનજો…. ચિંતા ન કરશો….”

સૌ છેક…. વિષ્ણુનગરની સાંકડી ગલીની બહાર તવેરા કાર સુધી આવ્યા…. યશોધરા અને આયુષી બંને પરસ્પર ચહેરા સામે તાકી રહ્યા હતા એ ફરી ફરી વળગીને રડી પડતાં હતાં…. કેટલીય ક્ષણો સુધી એકલી રડતી રહેલી યશોધરા અને શ્રદ્ધા ફરી આયુષીને વળગીને રડી પડી ધ્રુસકે ધ્રુસકે….! આજે મહેશચંદ્રની બી-પાંચ નંબરના રો-હાઉસની દીવાલો ફરી એખ વાર અશ્રુભીની થઈ ગઈ….!

વહેતા સમયની ક્ષણેક્ષણ જાણે આયુષીના જીવનને ક્ષીણ બનાવી રહી હતી…. સ્મૃતિઓના શાંત સરોવરમાં પ્રસંગો ખર્યા કરે છે એમ દિવસો વીતતા ગયા અને આખરે એ દિવસ આવી ગયો જ્યારે એ પરિવારની દેવચકલી આયુષી બી-પાંચ નંબરના રો-હાઉસની મૌન દીવાલો પર સિંદુરિયા થાપા થઈને પરણી ચાલી…. મૌનના આંસુભર્યા કોલાહલમાં આખોય પરિવાર જાણે ડૂબી ગયો હતો…. ને સાથે જ યશોધરા પણ….!

યશોધરાની આંખો દૂર દોડી જતી તવેરા કારમાં દોડતી એની દીકરીને જોઈ રહી…. એ હૃદયથી દૂર નહોતી ગઈ…. આંખોથી ખૂબ દૂર જઈ રહી હતી…. છેક…. મોન્ટ્રીયલ…. જ્યાં જીવનરેખાની પેલે પાર આશાનો એક દીવડો જગમગતો જલી રહ્યો હતો. એની ડગમગતી જ્યોત એક નવજીવનનો સંકેત આપતી હતી…. પાતળી પડતી જતી જીવનરેખાના દોર પર દોડતી જતી જિંદગી એ જગમગતા દીવડા સુધી પહોંચવા મથી રહી હતી…. બસ ક્યાંય અટકે, ઝાંખી પડે કે ભૂંસાય નહીં ને જીવનરેખાની પેલે પાર ટમટમતા જીવનની આશાના ઉજાસ બિંદુ સુધી પહોંચી જાય…. એ જ આશા યશોધરાની ધૂંધળી આંખોમાં આકાર લઈ રહી હતી!

(સમાપ્ત)