જીવનની કોઈ પરીક્ષા આખરી હોઈ શકે ? - Sandesh

જીવનની કોઈ પરીક્ષા આખરી હોઈ શકે ?

 | 5:08 am IST

મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

‘કેમ કોઈ બોલતું નથી ?’ રૈયાને પૂછયું.

‘ચૂપ મર….. જોતી નથી ?’ સ્મિતલે જવાબ આપ્યો.

‘અરે.. પણ થયું છે શું? કેમ બધા સજ્જડ થઈ ગયા છો ?’ રૈયાને પુનઃ પ્રશ્ન કર્યો.

‘વર્ગના બધાજ વિદ્યાર્થીઓ કંઈ બોલે છે?’ શિવાની બોલી.

‘ના, કોઈ કંઈ જ બોલતું નથી.’

‘હવે તો ચૂપ થઈ જા.’ સ્મિતલે ભારપૂર્વક દમ માર્યો.

‘ભલી બાઈ, હું એટલે જ તો પૂછું છું કે થયંુ છે શું ?’

‘ઓહ… આને કોણ સમજાવે ?’ દીપાલી બોલી.

‘સર પણ કંઈ બોલતા નથી, વિદ્યાર્થીઓ એકદમ શાંત છે. વોટ ઈઝ ગોઇંગ ઓન ?’

વર્ગખંડમાં પ્રોફેસર પગ મૂકે ને વર્ગ આખ્ખો જીવંત થઈ જતો. બધાં વિદ્યાર્થીઓ તાનમાં આવી જતા. વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષકના મુદ્ે આવું બનતું હોય છે. પરંતુ આજે સ્થિતિ સાવ જુદી હતી. થોડીક ગંભીર જણાતી હતી. વર્ગખંડમાં કયારેય નહિ ને આજે સર નિરાશ જણાતા હતા. વિદ્યાર્થીઓનું માર્કિંગ ખોટંુ નહોતું. સરના ચહેરા પરની પ્રસન્નતા આજે બાષ્પીભવન થઈ ગઈ હતી. સરના નિરાશાજનક મૌનને તોડવાની કોઈ વિદ્યાર્થીની હિંમત થતી નહોતી.

સૌ જાણવા ઉત્સુક હતા. સરના દુઃખમાં ભાગીદારી કરવા તૈયાર હતા. વિદ્યાર્થીઓના મિજાજ સામે આખરે પ્રોફેસરે મૌન તોડયું. કહ્યું, ‘ગઈકાલે મારી સોસાયટીમાં એક અઘટિત ઘટના બની. ધોરણ બારમાં અભ્યાસ કરતા એક તેજસ્વી વિદ્યાર્થીએ દવા પી લીધી. આજે હોસ્પિટલમાં એ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.’ બોલતાં-બોલતાં પ્રોફેસર ગળગળા થઈ ગયા. વિદ્યાર્થીઓ ફટી આંખે સાંભળી રહ્યાં હતાં.

પ્રોફેસરે પાણીનો ઘૂંટડો પી, થોડીક સ્વસ્થતા કેળવીને વાત આગળ ચલાવી. ‘મને એ સમજાવો કે કોઈપણ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા હોઈ શકે? અરે જીવન જ એનું નામ જયાં ડગલે ને પગલે પરીક્ષા જ થતી હોય. “લહરોં સે ડર કર નૌકા પાર નહિ હોતી” કસોટી વગરનું જીવન અસંભવ છે.’

વિદ્યાર્થિનીઓની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. ‘પણ સર તેણે દવા કેમ પીધી ? ભણવામાં તો તેજસ્વી હતો.’ હિરલે પ્રશ્ન કર્યો.

પ્રોફેસરે કહ્યું,’…. અરે… ભણવામાં તો ખૂબ હોંશિયાર. રેન્કર વિદ્યાર્થી. દસમાં ધોરણમાં હતો ત્યારે સ્કૂલમાં ર્ફ્સ્ટ આવેલો. રિઝલ્ટ આવેલું ત્યારે મને પેંડા આપવા પણ આવેલો. પરંતુ બારમા ધોરણમાં તેણે અજુગતું પગલું ભર્યું.’

પ્રોફેસર વિદ્યાર્થીઓને સંબોધીને બોલ્યા, “ક્રિકેટની રમતમાં એક ઓવરમાં તમે ત્રણ બોલ રમી શકયા ને બાકીના ત્રણ ખાલી ગયા તો તમે નિષ્ફ્ળ ગયા? ના, તમે બીજી ઓવરમાં બધા બોલ રમવાનો પ્રયત્ન કરશો. સમજો કે બીજી ઓવરમાં આઉટ થઈ ગયા તો શું ક્રિકેટ રમવાનું છોડી દેશો? ના, તમે બીજી ઈનિંગમાં વધુ પ્રેક્ટિસ કરીને વધુ સારો દેખાવ કરવાનો પ્રયત્ન કરશો “

‘હા, સર અમે ખરેખર આમ જ કરીએ છીએ.’ સૌ વિદ્યાર્થીઓ એક સાથે બોલ્યા.

‘જેમ ક્રિકેટની કોઈ ઈનિંગ કે કોઈ ઓવર કે કોઈ બોલ છેલ્લો નથી હોતો તેમ જીવનની કોઈ પરીક્ષા કે ટેસ્ટ આખરી નથી હોતો. દુઃખ એ વાતનું છે કે શિક્ષણમાં પાંખો મળે છે પણ (હિંમત) હોંસલો મળતો નથી. અને માત્ર પાંખોથી ઊડી શકાતંુ નથી. જીવનનું કોઈપણ કાર્ય સફ્ળતાપૂર્વક કરવા માટે હિંમત (હોંસલો) જરૂરી છે. આંતરિક શકિતની તાકાત વગરનું બધું નકામુ છે.’

પ્રત્યેક શાળામાં એક આશાવાદી અને પ્રયોગશીલ શિક્ષક મોજુદ હોય છે. શિક્ષકના ખભે એ જવાબદારી છે કે બીજુ કશું થાય કે ન થાય, પરંતુ એટલું ચોક્કસ થાય કે પરીક્ષાના ડરથી કોઈ વિદ્યાર્થી આત્મહત્યા ન કરે! ગણિતના બે સૂત્રો કે અંગ્રેજીના ચાર સ્પેલિંગ કે પછી પ્રયોગના બે અવલોકનો નહિ સમજી શકે તો ચાલશે, પરંતુ વિદ્યાર્થી જીવનની પરીક્ષામાં નાસીપાસ થાય એ નહિ ચાલે. વિદ્યાર્થીમાં હિંમત અને ધગશ ઊભા કરવાની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના પ્રેમાળ સંબંધો વગર આ સંસ્કરણ શકય નથી. સાબરકાંઠાના જ્ઞાાનપીઠ એવોર્ડ વિજેતા કવિશ્રી ઉમાશંકર જોશી આ બાબતની સાક્ષી પૂરતાં લખે છે કે “કેળવણી બે વ્યકિતઓ વચ્ચેની પ્રક્રિયા હોય તો પ્રેમ જેવું બીજું કોઈ એનું માધ્યમ ન હોઈ શકે.”

વિદ્યાર્થી જીવનની પ્રત્યેક સમસ્યાનો હિંમતપૂર્વક સામનો કરી શકે તેવા અભ્યાસક્રમની રચના થવી ઘટે. સૌ વિદ્યાર્થીઓ પ્રોફેસરને એકચિત્તે સાંભળી રહ્યા હતા.

મિસરી

‘બાળપણને નાથવાની સૌ મથામણ હોય છે,

ચોપડીમાં કયાં જીવનનું કોઈ શિક્ષણ હોય છે !

કાન્હો ગોવર્ધન ઉપાડે તો જગત લીલા કહે

રોજ બાળકને ખભે દફ્તરનું ભારણ હોય છે.’

-રાકેશ સગર, ‘સાગર’