જીવનમાં સફળતા મેળવવા આળસને ત્યજવી જોઈએ - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • જીવનમાં સફળતા મેળવવા આળસને ત્યજવી જોઈએ

જીવનમાં સફળતા મેળવવા આળસને ત્યજવી જોઈએ

 | 2:18 am IST

સંસ્કાર

આળસ એ મનુષ્યોના શરીરમાં રહેલો મોટો શત્રુ છે. ઉદ્યમ સમાન બીજો કોઈ બંધુ નથી. ઉદ્યમ કરવાથી મનુષ્ય કદી દુઃખી થતો નથી.

બુદ્ધ કહે છે કે, આળસુ માણસ જીવતો મરેલા જેવો છે. એ સો વર્ષ જીવે તોયે નકામો!

આળસ અને અધીરાઈ એ દુનિયામાં બધાં પાપોનાં મા-બાપ છે.

એક તત્ત્વચિંતક, પોતાના લેખનકાર્ય માટેના મેજ ઉપર એક પથ્થરનો ઉપયોગ કરતા અને તેના ઉપર એમણે એક શબ્દ કોતરાવેલો હતો. આજ…તેમની દૃષ્ટિએ બસ, આજ…આજ ને આજ જ….આજની ઘડી રળિયામણી, કાલ કોણે દીઠી રે…

પરંતુ આળસુઓ કહેતા હોય છે કે,

આજ કરે સો કાલ કરો,

કાલ કરે સો પરસોં;

ઈતની જલદી કાહે કરો,

જબ રહેના હૈ બરસોં.

એક ગામમાં બે ખેડૂત બાજુબાજુમાં રહે. એક વખત બંનેની ભેંસો સાથે વિયાણી. એક ખેડૂત તે વખતે ઊંઘી ગયેલો તેની ભેંસને પાડી આવી અને જે જાગતો હતો તેની ભેંસને પાડો આવ્યો. આ ખેડૂત હોશિયાર માણસ હતો. તેણે તરત જ પાડાની જગ્યાએ પાડી લાવીને મૂકી દીધી. થોડી વાર પછી પેલો ખેડૂત જાગ્યો. તેણે પૂછયું કે, આપણી ભેંસને શું આવ્યું? ત્યારે ખેડૂત કહે છે કે, જાગતાને પાડી ને ઊંઘતાને પાડો. માટે જ કહેવાયું છે કે,

ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, અબ રૈન કહાં જો સોવત હૈ;

જો સોવત હૈ વો ખોવત, જો જાગત હૈ વો પાવત હૈ.

જે માણસે જીવનમાં પ્રગતિ કરવી હોય એણે દરેકે-દરેક બાબતમાં સજાગતા રાખવી જોઈએ. એક નાની સરખી આળસ ઘણી વખત મોટી મુસીબતનું સર્જન કરે છે. એક શેઠનો ગુમાસ્તો પેઢીના આડતિયાને કામસંબંધી કાગળ લખતો હતો. તે સમયે દીવામાં તેલ ખૂટી ગયું હતું. દીવો ઝાંખો થયો હતો. આ જોઈ કોઈ બોલ્યું કે, દીવામાં દિવેલ ખૂટી ગયું છે. ગુમાસ્તાએ લખતાં લખતાં એ પણ લખી નાખ્યું કે, દીવામાં દિવેલ ખૂટી ગયું છે…આમ તો ગુમાસ્તો રોજના ક્રમ પ્રમાણે કાગળ લખ્યા બાદ વાંચી જતો હતો. જેથી ભૂલચૂક સુધારી શકાય. પણ આજે તેને આળસ આવી કે રોજ હું લખું જ છું ને અને બધું બરોબર જ હોય છે. આજે કાંઈ વાંચવું નથી અને તે ને તે કાગળ રવાના કરી દીધો. તે કાગળ બીજા આડતિયાના હાથમાં પહોંચી ગયો. તેણે વાંચ્યું કે, દીવામાં દિવેલ ખૂટી ગયું છે. તેને વિચાર આવ્યો કે, ગુમાસ્તો આપણો મિત્ર છે. તેથી તેણે પોતાના શેઠની ખરાબ હાલત આમાં સાંકેતિક ભાષામાં લખી છે. મને છાની રીતે ચેતવણી આપી છે. તેણે તરત અન્ય લેણદારોને વાત કરી દીધી. બધા શેઠ પાસે આવ્યા અને પોતાના પૈસા લઈ ગયા. જોતજોતામાં તો બજારમાં પણ આ વાત ફેલાઈ ગઈ. તેથી જે લોકોએ શેઠને ત્યાં વ્યાજે પૈસા મૂક્યા હતા તે લોકો પણ આવ્યા અને પૈસા ઉપાડી ગયા. અંતે શેઠને દેવાળું કાઢવાનો વારો આવ્યો. આળસુ દેવાળું કાઢે પણ ખરો અને કઢાવે પણ ખરો.

પ્રત્યેક માણસે પોતાનું કામ સમયસર કરવાની ટેવ અને આગ્રહ કેળવવાં જ જોઈએ. ભારતમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ રિસેસશૂરા જોવા મળતા હોય છે. ઘણીવાર માણસ હાજર હોય છે અને તેનું કર્મ કે કર્તવ્ય ગેરહાજર હોય છે. આજે સરકારી ઓફિસોમાં અનેક લાલાઓ કામ કરતા હોય છે. તમે બે કલાક ઊભા રહો ત્યારે તો આવા લાલાઓનાં દર્શન થાય. પછી કહો કે, આટલાં કાગળ જોઈ આપોને. એટલે કહેશે કે આજે બહુ કામ છે કાલે આવજો. બીજે દિવસે જાવ તો એ લાલો બીજા કોઈને લાડ લડાવવામાંથી નવરો જ ન પડે. વળી ત્રીજા દિવસે તમો તપૃર્યા કરો ત્યારે કહે કે, કાલે ચોક્કસ હો…કોણ જાણે ક્યારે એની કાલ પડશે? તેની પળ, કલાક અને દિવસ જ જુદાં હોય છે. તેથી કહેવાયું છે ને કે,

પલ કે દો પખવાડિયે, ઘડી કે દો માસ;

જાકું વાલા કાલ કહે, વાકા કોન હવાલ.

આમ જ જો આપણા દેશમાં કામ ચાલે તો પ્રગતિ ક્યાંથી થાય

તેથી આપણે બધાએ આળસને ત્યજવાની જરૂર છે.

જે માણસને આળસ હોય તે માણસ આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધી શકતો નથી. ભગવાનને નિત્ય પ્રાર્થના કરવી, નિત્ય ભગવાનની માનસીપૂજા કે પ્રત્યક્ષ પૂજા કરવી, મંદિરે દર્શન જવું, સત્સંગસભામાં જવું, શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા, જીવનપ્રાણ અબજી બાપાશ્રીની વાતો, શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાતો આદી સત્સાહિત્યનું વાંચન કરવું, આ દરેક કાર્યમાં જો આળસ હોય તો આ માર્ગે ચાલી શકાતું નથી તેથી આળસને દૂર કરવી જ પડે.

ભ્રષ્ટ કરે ભણનાર ને ઉપજે આળસ અંગ;

ભક્તિ કરતાં ભક્ત ને, કરે ભજનમાં ભંગ.

– સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજી કુમકુમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન