જીવન જીવવાનો નજરિયો - Sandesh

જીવન જીવવાનો નજરિયો

 | 2:37 am IST

તંત્રી સ્થાનેથી ।

બધી અશાંતિ અને ઝઘડાના મૂળમાં આટલી જ એક વાત છે કે, માણસ કોઈ પણ પરિસ્થિતિને સામાના દૃષ્ટિકોણથી મૂલવવા તૈયાર જ નથી હોતો. પોતાનો જ કક્કો સાચો. જો માણસ પોતાની દૃષ્ટિ છોડી સામાની દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરે તો અડધું જીવન શાંત થઇ જાય.

સામાના અભિપ્રાયની દરકાર કરવાનું મનોવલણ દાખવનારા ખૂબ જૂજ હોય છે. આવા ઉદાર મનોવલણના અભાવે બંને પક્ષે જડતા વધે અને ઝઘડામાં પરિણમતા વાર નથી લાગતી.

ઘર-ગૃહસ્થીમાં પણ આવું બને છે. જે સમાજમાં સહિષ્ણુતા મરી પરવારી હોય ત્યાં લડાઈ ઝઘડા, અશાંતિ, ટંટાફિસાદ કાયમી ઘર ઘાલી બેસે છે.

એટલે જ વીસમી સદીના મહાન ચિંતક વોલ્ટરે ખૂબ જ સમજણપૂર્વક કહેલું કે, તમારા વિચારો સાથે હું સંમત નથી, પરંતુ તેમ છતાં તમારો વિચાર પ્રગટ કરવાના તમારા અધિકારનું તો હું અચૂક રક્ષણ કરીશ.

ઘર કે સમાજની શાંતિ, સમૃદ્ધિ અને સલામતીની બુનિયાદ આવી સમજણ પર રચાય છે. બીજાના મનોવલણને સમજવામાં કાચા પડવાને કારણે જીવનની શાંતિ હણાય છે તેમજ આપણે મળેલા સંજોગોનું સહજ સ્વીકાર કરવાની અશક્તિને કારણે આપણી સુખ-શાંતિ રોળાઈ જાય છે.

આપણને વિચિત્ર ટેવ પડી ગઈ છે કે, જે નથી તેને યાદ કરવાની નથી તેની ફરિયાદ કરવાની. પ્રામાણિકપણે એક યાદી બનાવીએ તો મોટાભાગની ચીજો આપણને મળી હશે, પરંતુ જે થોડી ન મળી હોય તેના રોદણાં ગાતાં હોઈએ છીએ. મળેલી ચીજોના જો ગુણગાન કરવાનો સમય જ નથી હોતો. ગ્લાસને અડધો ભરેલો છે કે અડધો ખાલી છે માનવો તે આપણા નજરિયા પર આધારિત છે.

આપણે જે સાંપડયું છે તેનો સહજ સ્વીકારી કરી લઈ તેના ઉપભોગનો આનંદ માણવો જોઈએ. જીવનને લીલુંછમ અને હર્યુંભર્યું રાખનાર ચીજ તો છે માણસની ચાહત. જે સંતોષ અને સુખમાં પરિણમી શકે.

બીજાના મનોવલણને સહાનુભૂતિથી સમજવાની કોશિશ કરવી અને પોતાની પીડાને એના સાચા માપમાં રાખવી એવી બેવડી સમજથી એક બાજુ બિનજરૂરી ઘર્ષણ તમને પજવશે નહીં, ત્યારે બીજી બાજુ નકામા સંતાપ તમને વિહવળ નહીં કરે. સૌની સાથે હળીમળી જીવવાની ઝંખનાવાળો અને જે મળ્યું છે તેને માણવાથી માણસ સુખ-શાંતિ અને આરામ પામે છે અને સંતોષપૂર્ણ જીવન પૂરું કરી શકે છે. આ નજરિયાથી જીવો જે સુખની ચાવી બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન