Life will be worthless, frustrated if not self-sufficient
  • Home
  • Astrology
  • આત્મશક્તિ ન હોય તો જીવન નકામું, હતાશા અને નિરાશા ઘેરી વળશે

આત્મશક્તિ ન હોય તો જીવન નકામું, હતાશા અને નિરાશા ઘેરી વળશે

 | 7:30 am IST

જીવન ધ્યાન :- ઓશો

કોઈ વ્યક્તિ દિવ્ય સાબિત થવા લાગે, લાર્જર ધેન લાઈફ બની જાય તો અન્યોને પણ  એવા બનવાની લાલચ જાગ્યા વગર રહેતી નથી. તમામ દિવ્ય અને પ્રબળ આત્મશક્તિ ધરાવનાર મહાનુભાવોના અનુયાયીઓએ આ કર્યું છે. ઓશોના અનુયાયીઓમાં એવું ન થાત તો નવાઈ ગણાત. નાસમજ અનુયાયિ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડે, પણ એમને ખ્યાલ નથી હોતો કે આત્મિક શક્તિ જ તમને ઉચ્ચાટને ટકાવી રાખે. એ ન હોવાથી નાસમજ અનુયાયિ પલકમાં ઢળી પડે આથમણે!

અમેરિકામાં લગૂના બીચ ઉપર ઓશો કમ્યૂનની એક મિલકત હતી. ઓશો ભક્ત સંન્યાસીઓ તેની દેખભાળ રાખતા હતા. તેને માટે એક નિયામક મંડળ (Board of Directors) રચવામાં આવેલું હતું. આ સંપત્તિ ૩૦ લાખ ડોલરની હતી. એક નાસમજ ઓશોભક્તે ત્રણસો સંન્યાસીઓને રાન્ચ ઉપરથી લગૂના બીચ લઈ જઈ એમને લગૂન-બીચ-કમ્યૂનના સભ્યો બનાવી દીધા. પછી, તેમણે નિયામક મંડળના સભ્યોને બદલી નાખ્યા.

આ નાસમજ અનુયાયિ પોતાનું જ મંડળ અને પોતાના જ નિયામક સભ્યોને લઈને આવ્યો અને ત્યાં તેણે ડિહિપ્નોથેરાપિની સંસ્થા સ્થાપી દીધી. તેણે ઓશોના નામનો ક્યાંય ઉલ્લેખ પણ કર્યો નહીં. કોઈપણ જાતના કાનૂની પાસાની દરકાર કર્યા વગર તેણે આખી મિલકત પોતીકી કરી નાખી છે. ઓશો કમ્યુન એ માટે ચાર વર્ષથી વધુ લડતું રહ્યું. જોકે આખરે ચુકાદો ઓશો કમ્યૂનની તરફેણમાં આવ્યો.

કેસ જરા વિચારણીય છે. પહેલાં ત્યાં એક ખ્રિસ્તી દેવળ હતું. પણ તે દેવળ ખ્રિસ્તી ધર્મની કોઈ શાખા સાથે જોડાયેલું નહોતું. જે પાદરી ચર્ચનું સંચાલન કરતા હતા તે સ્વતંત્ર હતા, કોઈ સંપ્રદાય સાથે જોડાયેલા નહોતા. તેના મંડળના ચારસો સભ્યો હતા. ઓશોએ આ હકીકત ખ્દુઃજ સાથે રજુ કરતાં કહ્યું હતું, તે પાદરીને મારામાં રસ પડી ગયો. તે અને તેમનાં પત્ની પૂણે આવ્યાં અને મારા સંન્યાસી બની ગયા અને પછી પરત લગૂન બીચ દેવળ પહોંચી ગયા. પરંતુ હવે એમનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું.

તેમણે બાઈબલને બદલે મારાં પુસ્તકોમાંથી પ્રવચનો આપવા માંડયાં. તેમના મંડળના સભ્યો તો આ ફેરફાર જોઇને અવાક્ રહી ગયા. તેમાંના કેટલાક સભ્યો તો તદ્દન નવા અને તદ્દન સત્ય લાગતા વિચારથી રોમાંચિત થઇ ઊઠયા. બાઈબલને રોજ રોજ સાંભળ્યા કરવાથી તેઓ કંટાળી ગયા હતા અને ઉબાઈ ગયા હતા. આ મંડળના ઘણા સભ્યો પૂના આવ્યા. તે પૈકી ઓછામાં ઓછા ત્રીસ સભ્યો સંન્યાસી બની ગયા. જોકે આમાંથી ખાસ્સો વિરોધ ઊભો થયો. જે લોકો સંન્યાસી નહોતા બન્યા તેમણે એ ચર્ચ છોડી દીધું.

તેમણે તો આ મંડળ ખ્રિસ્તીઓનું હતું તે માટે તેઓ તેમાં જોડાયા હતા. અહીં ખ્રિસ્તી ઉપદેશ ન રહ્યો તો તેઓ ચર્ચ છોડી ગયા. પછી તે પૂરેપૂરું ચર્ચ સંન્યાસીઓનું કમ્યૂન બની ગયું. સમય જતાં જૂના પાદરી નિવૃત્ત થયા. તે પોતાની પત્ની સાથે કમ્યૂનના મહોત્સવોમાં આવતા. તે હયાત હતા અને મારા માટે ચાહના હતી, પણ ઉંમર થવાથી તે નિવૃત્ત થવા માગતા હતા. પાદરીને જે સક્ષમ લાગ્યા એવા અન્ય સંન્યાસીઓને ચર્ચના સંચાલકો તરીકે નિમણૂક આપીને તે નિવૃત્ત થઈ ગયા.

તેમની નિવૃત પછી, જે લોકો ચર્ચ છોડીને જતા રહ્યા હતા તેમણે ચર્ચની ઈમારત તથા જમીનના કબજા માટે કોર્ટમાં કેસ કર્યો. લગૂના બીચ એ એક અતિ રમણીય જગ્યા છે. ચર્ચ છોડીને જતા રહેનારાઓએ કોર્ટમાં દાવો કર્યો કે ચર્ચના માલિક તેઓ છે અને ઓશો કમ્યૂન નથી. આ કેસ અંગે આપણે ચાર વર્ષ સુધી સતત કોર્ટમાં લડવું પડયું.

કોર્ટનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો. કોર્ટે એમ કહ્યું કે જે લોકો ચર્ચ છોડીને જતા રહ્યા હતા તે હવે ચર્ચના સભ્યો રહ્યા નહોતા અને તેથી તેમનો આ મિલ્કત વિષે કોઈ હક-દાવો રહેતો નથી. તે લોકોએ ચર્ચના સભ્યો તરીકે ચાલુ રહીને જો દાવો કર્યો હોત તો વાત જુદી હોત.

તે લોકો બહુમતીમાં હતા પણ તેઓ ચર્ચ છોડીને જતા રહ્યા હતા. હવે જેવું તેમણે જોયું કે સંન્યાસીઓએ આખી મિલક્ત અને ચર્ચ ઉપર કબજો જમાવી દીધો હતો ત્યારે તેમને તે પરત લેવાનો વિચાર આવ્યો. જે ઘડીએ તેમણે ચર્ચ છોડી દીધું તે જ ઘડીએ તેમનો હક જતો રહ્યો અને હવે તેમનો કોઈ અધિકાર નહોતો, તેમ કહીને કોર્ટે તેમનો દાવો કાઢી નાખ્યો.

આપણી આધ્યાત્મની યાત્રામાં આવા જાગતિક અવરોધ આવે અને તેની વાત કરવી પડે એ બાબત મને ખૂબ જ ઉદાસ બનાવે છે!

ક્રમશઃ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન