પ્રકાશ આપણા હાથની આરપાર જાય ખરો? - Sandesh
  • Home
  • Kids Corner
  • પ્રકાશ આપણા હાથની આરપાર જાય ખરો?

પ્રકાશ આપણા હાથની આરપાર જાય ખરો?

 | 12:06 am IST

ચાલો, જાતે કરી જોઈએ… :- માલિની મૌર્ય

હવે તો ટોર્ચ લાઈટ જેને આપણે બેટરી તરીકે ઓળખિયે છીએ એનો વપરાશ શહેરોમાં ઓછો થઈ ગયો છે. ગામડાંમાં પણ વીજળી પહોંચી ગઈ અને ખુબ ઓછા કલાકો વીજળી ગુલ થાય છે એટલે એનો વપરાશ ઓછો થઈ ગયો છે. છતાં દરેક ઘરમાં સંકટ સમયની સાંકળ માનીને ટોર્ચ લાઈટ રાખવી જોઈએ. જેથી અચાનક લાઈટ જતી રહે અને કાળું ધબ્બ અંધારું થઈ જાય તો ટોર્ચલાઈટ કામ આવે. આ ટોર્ચ લાઈટનો પ્રકાશ આપણા શરીરની આરપાર જઈ શકે ખરો? ચાલો એ જાતે કરીને તપાસીએ.

શું શું જોઈશે?

નવા સેલ(પાવર)નાંખેલી એક શક્તિશાળી ટોર્ચલાઈટ

શું કરવાનું?

ટોર્ચલાઈટ ચાલુ કરો. એના આગળના ભાગથી પ્રકાશનો શેરડો રેલાશે. હવે તેના આગળના ભાગ ઉપર હથેળી ઢાંકી દો. ત્યાર પછી બરાબર જુઓ કે ટોર્ચલાઈટનો પ્રકાશ કેવો રોકાય છે. કેટલો રોકાય છે.

એક વખત સામાન્ય પ્રકાશમાં આ પ્રયોગ કરી લીધા પછી ઓરડામાં અંધારું કરી દો. રાત્રે પ્રયોગ કરો તો વધારે સારી રીતે જોવા મળશે. દિવસ હોય તો બારી વગરના ઓરડામાં દરવાજો બંધ કરીને, લાઈટ બંધ કરી દો. પછી ટોર્ચલાઈટ ચાલુ કરો. એના આગળના કાચ ઉપર તમારી હથેળી ઢાંકી દો. હવે જુઓ કે પ્રકાશ કેટલો રોકાયો છે.

એમ કરવાથી શું થશે?

થોડોઘણોય પ્રકાશ ઓરડામાં આવતો હશે અને બેટરી ચાલુ કરી એના આગળના કાચ ઉપર હથેળી મૂકશો તો પ્રકાશ હથેળીની આરાપાર નહીં નીકળે. રોકાઈ જશે. માત્ર હથેળીની કિનારીઓ પરથી થોડોઘણો પ્રકાશ લીક થઈને બહાર નીકળતો દેખાશે.

જો સાવ અંધારા ઓરડામાં ટોર્ચલાઈટ ચાલુ કરીને એના આગળના કાચ ઉપર હથેળી મૂકશો તો તમારી આખી હથેળી લાલ-ગુલાબી થઈ જશે. અને હથેળીમાં હાડકાં સિવાયના ભાગની ચામડીમાં તો લોહીની નળીઓ વગેરે પપણ જોવા મળશે.

આવું શા માટે થાય છે?

પ્રકાશ દરેક પદાર્થની આરપાર જવા પ્રયાસ કરે છે. બેટરીનો પ્રકાશ એકસરખો જ હોય તો પણ આસપાસના વાતાવરણના પ્રકાશના હિસાબે એ તીવ્ર કે ઝાંખો દેખાય છે. જેમ તારા આકાશમાં દિવસે પણ ઝબૂકતા જ હોય છે, છતાં સૂર્યના પ્રકાશના કારણે નથી દેખાતા. એમ ટોર્ચલાઈટનો પ્રકાશ પણ આપણી હથેળીની આરાપાર આવતો હોવા છતાં રૂમમાં અજવાળું હોય તો એ નથી દેખાતો.

સાવ અંધારા ઓરડામાં એ પ્રકાશ આપણને તીવ્ર દેખાય છે. પ્રકાશ આપણા હાથની ચામડીમાંથી પસાર થાય છે, હથેળીના નાજુક સ્નાયુઓમાંથી પસાર થાય છે અને લોહીની નળીઓની આરપાર જવા પણ પ્રયાસ કરે છે.

શરીરની ચામડીનો રંગ તો પારદર્શી પીળો હોય છે એટલે એના કારણે પ્રકાશનો રંગ ખાસ બદલાતો નથી, પરંતુ હથેળીના નાજુક સ્નાયુઓમાં લોહીની સુક્ષ્મ નલિકાઓનું જાળું ફેલાયેલું હોય છે. એમાં લોહી વહેતું હોય છે લોહીમાં હિમોગ્લોબીન હોય છે. હિમોગ્લોબીન એટલે લોહ. એનો રંગ લાલ હોય છે.

ટોર્ચલાઈટનો પ્રકાશ હથેળીની સુક્ષ્મ લોહીની નળીઓના જાળાંની આરપાર નીકળે તો લોહીના હિમોગ્લોબિનના લાલ રંગની આરપાર થઈને નીકળે છે એટલે એમાં લાલ રંગ સિવાયના રંગ શોષાઈ જાય છે. બીજી બાજુ પ્રકાશનો માત્ર લાલ અને પીળો રંગ જ નીકળે છે. ચામડી જાડી હોય તો પીળો રંગ વધારે નીકળશે અને પ્રકાશ સાધારણ કેસરી દેખાશે. સાવ નાજુક ચામડી હોય તો પ્રકાશ લાલ-ગુલાબી રંગ દેખાશે. એમાં લોહીની જરાક મોટી નળીઓની આરપાર પ્રકાશ જઈ શકશે નહીં એટલે નળીઓ જરાક ડાર્ક કલરની રેખાઓ તરીકે જોવા મળશે.

તો સાબિત થયું કે ટોર્ચલાઈટનો પ્રકાશ આપણી હથેળીની આરપાર જઈ શકે છે.

[email protected]