કડીના ઠાકોર યુવાનના ૧૬માં દિવસે મૃત્યુથી તંગદિલી - Sandesh
  • Home
  • Mehsana
  • કડીના ઠાકોર યુવાનના ૧૬માં દિવસે મૃત્યુથી તંગદિલી

કડીના ઠાકોર યુવાનના ૧૬માં દિવસે મૃત્યુથી તંગદિલી

 | 3:24 am IST

અમદાવાદ/કડી,તા.૭

કડી કોલેજમાં અભ્યાસ કરતા ઠાકોર યુવાન પર ગત  ૨૦ ફેબ્રુઆરીના રોજ રબારી યુવાનોએ હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેનું ૧૬ દિવસની સારવાર બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે ઊહાપોહ મચાવી દીધો હતો. તેમજ લાશ સ્વીકારવાનો અને લાશનું પોસ્ટમોર્ટમ કરવાનો ઈન્કાર કર્યાે હતો. આ પછી ભારે સમજાવટ બાદ મૃતક વિદ્યાર્થીની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ મામલો ગંભીર હોઈ  પુનઃ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આમ બે-બે વખત મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ મૃતક પર હુમલો કરનાર હુમલાખોરો ઝડપાય એ પછીથી જ લાશ સ્વીકારવાની જીદ લઈને બેઠા હતાં. આખરે પરિવારજનો સતત સમજાવટ પછીથી માની જતા તેઓએ લાશને સ્વીકારી લીધી હતી. તેમજ મોડી સાંજે મૃતકની લાશને અંતિમ સંસ્કાર માટે એના વતન ચારોલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ઠાકોર યુવાનને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતાં. બીજી તરફ અત્યાર સુધી આરોપીઓ ઝડપવામાં ઢીલી નીતિ અપનાવનાર પોલીસે એકાએક એક્શનમાં આવી ગઈ હતી તેમજ ઠાકોર યુવાનના મૃત્યુ બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે ઠાકોર યુવાન પર હુમલો કરનાર ફરાર હુમલાખોર ૩ આરોપીઓ પૈકી બે આરોપીઓને ઝડપી પાડયા હતાં. આ ઘટનાના પ્રત્યાઘાત પડે નહીં. એ માટે પોલીસે કડીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. કડીમાં આઈ.જી., એસ.પી., ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. કડી શહેરની કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને સામસામે છરીથી હુમલો થતા તે સમયે ફરિયાદ નોંધાવવા પામી હતી.જેની અદાવત રાખી ફેબુ્રઆરીની ૨૦મી તારીખે ૧૨:૦૦ના સુમારે ઠાકોર મિતેષકુમાર રામાજી રહે.ચારોલ કોલેજથી છુટી ઘરે જઇ રહયો હતો તે સમયે કડીના ધરતી સીટી નજીક પસાર થઇ રહયો હતો તે સમયે જીજે-૦૨-સીજી-૯૬૩૦ નંબરની લાલ કલરની બ્રેજા ગાડીમાં રબારી ઇસમો આવી હુમલો કરી વિધાર્થીને ઢોર મારમારતા વિધાર્થી બુમાબુમ કરતા આસપાસ પસાર થતા બીજા વિધાર્થીઓ અને રહીશો દોડી આવતા રબારી ઇસમો ભાગી છુટયા હતા.જેના પગલે વિધાર્થીને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સ્થળ પરના હાજર તબીબે બંન્ને પગે ફેકચર અને હાથના ભાગે ફેકચર થયેલ હોઇ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જેના પ્રત્યાઘાત સ્વરુપે ઠાકોર ક્ષત્રિય સેનાના ૨૦૦ થી ૩૦૦ના ટોળા ભેગા થઇ કાસ્વા ગામે રબારીઓ ઉપર હુમલો કરવા પહોંચતા બંન્ને કોમ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો.જોકે કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા ટોળા ભાગી છુટયા હતા.જે ઘટનાના અનુસાંધાને કડી પોલીસે કાસ્વા અને રાજપુર સહિત ત્રણ ઇસમોની ધરપકડ કરી રિમાન્ડની માગણી કરી પરિમાન્ડ પુરા થતા ત્રણેય આરોપીઓને સબ જેલ હવાલે કર્યા હતા.જોકે ઠાકોર વિધાર્થી ઉપર હુમલાના ૧૦ દિવસ બાદ પણ બીજા આરોપીઓ નાસતા ફરતા હોઇ કડી ઠાકોર ક્ષત્રિય સેનાના ૩૦૦થી વધારે યુવાનો ભેગા મળી ૧ માર્ચના રોજ કડી પોલીસ મથકે ભેગા મળી નાસતા ફરતા આરોપીઓ પકડવા મુદ્દે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો.ધરણા કાર્યક્રમમાં પોલીસ દ્વારા સમયસર યોગ્ય સહયોગ ન મળતા મામલો ગરમાયો હતો અને ટોળામાં કેટલાક તોફાની તત્વો ભળી જતા ચોક્કસ ઇસમોની લારી ગલ્લાઓ ઉપર તોડફોડ કરતા તંગદીલી ફેલાઇ જવા પામી હતી. જેના પગલે મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારા સહિત જિલ્લાની એજન્સીઓ સાથે પોલીસ કાફલો કડી ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. કડી પોલીસ મથકે ધરણા બાદ મામલો ગરમાતા ઠાકોર ક્ષત્રિય સેનાના કેટલાક યુવાનો દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચક્કાજામ કરી રસ્તાઓ બંધ કર્યા હતા અને ઠેર ઠેર ટાયરો સળગાવી નાસતા ફરતા આરોપીઓ પકડવાની જીદે ચડી તંત્ર વિરુધ્ધ બાયો ચડાવી હતી.

જેના પગલે કડી શહેરમાં ભયનો માહોલ ફેલાયો હતો. સમગ્ર મામલે બુધવારે વહેલી સવારે ૨:૦૦ વાગ્યાના સુમારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ ઠાકોર વિધાર્થીનું સારવાર દરમ્યાન મોત નિપજતા કડી શહેરમાં ફરીથી ભયનો માહોલ ઉભો થઇ જવા પામ્યો હતો.જેના પગલે મહેસાણા એસપી,ડીવાયએસપી,એલસીબી સહિત મહેસાણા જિલ્લા અને બનાસકાંઠાની પોલીસનો કાફલો કડી ખાતે તકેદારીના પગલે ખડકી દેવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ વડા શું કહે છે

 

આ અંગે જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકે  જણાવ્યું હતું કે આ ઘટનામાં સંડોવાયેલા ૭ આરોપીઓ પૈકી ૬ જેટલા આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે અગાઉ ૪ જેટલા આરોપીઓ પોલીસે ઝડપ્યા હતા જ્યારે આજે આરોપીઓની કોલ ડીટેલ અને સીસીટીવી ફૂટેજને આધારે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. અને સાતમો આરોપી પણ ગણત્રીના કલાકોમાં પકડાઈ જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પરિવારજનોની મુલાકાત બાદ પોલીસે વૈજ્ઞાાનિક ઢબે ન્યાયિક તપાસની આપેલી ખાત્રીને પગલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે. અને કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા પોલીસ સ્ટેન્ડ ટુ છે. હાલ કડીમાં એકદમ શાંતિ પ્રવર્તી રહી છે.

ઠાકોર વિધાર્થીના મોતના મામલે હત્યાની કલમનો ઉમેરો થશે

કડીની ધરતી સીટી નજીક ઠાકોર વિધાર્થી ઉપર જીવલેણ હુમલાના મામલે ઠાકોર વિધાર્થી ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહયો હતો.જ્યાં સારવાર દરમ્યાન વિધાર્થીનું મોત નિજપતા ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે.

કડી ખાતે પોલીસનો ખડકલો

કડી ઇન્ચાર્જ પીએસઆઇ કે.બી.પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ ઠાકોર વિધાર્થીનું સારવાર દરમ્યાન મોત નિપજતા કડી શહેર સહિત તાલુકામાં કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે મહેસાણા જિલ્લા સહિત બનાસકાંઠાની પોલીસ કાફલો ખડકી દેવામાં આવયો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઔકડી ખાતે દોડી આવયા

ઠાકોર વિધાર્થીનું અમદાવાદ સિવિલ હોસ્ટિપલ ખાતે સારવાર દરમ્યાન મોતના સમાચારના પગલે મહેસાણા એસપી,ડીવાયએસપી સહિત એલસીબીની એજન્સીઓનો કાફલો કડી ખાતે દોડી આવ્યો હતો.

બુધવારે ઝડપાયેલા આરોપીઓ

વિદ્યાર્થી ઠાકોર મિતેશના કેસમાં ફરિયાદ બાદ પોલીસે પહેલા ૪ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે મિતેશના મોત બાદ બુધવારે પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે જ પોલીસે ગણત્રીના કલાકોમાં કનુ લેબાભાઈ દેસાઈ અને ભરત લેબાભાઈ દેસાઈ નામના વધુ બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી.   અગાઉ ૪ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે : ચર્ચાસ્પદ એવા મિતેશ ઠાકોરનો સમાં કડી પોલીસ અગાઉ ૪ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે  (૧) દેસા ધવલ મેલાભાઈ રહે.રાજપુરા  (ર) દેસાઈ મનન જીતેન્દ્રકુમાર રહે.રાજપુરા  (૩) દેસાઈ વિરમ જીવાભાઈ રહે.કાસ્વા  (૪) દેસાઈ જયેશ છગનભાઈ રહે.ઈરાણા નો સમાવેશ થાય છે.

એસ પી અને આઈજી સહિતના અધિકારીઓ પરિવારજનોને મળ્યા

અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલા મિતેશ ઠાકોરનું હોસ્પિટલમાં મોત નીપજતાં રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકે અમદાવાદ ખાતે પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી મિતેશના મોત કેસમાં વૈજ્ઞાાનિક ઢબે ઝડપી ન્યાયિક તપાસ કરવાની ખાત્રી આપી હતી.