શિકાર યહાં ખૂદ શિકાર હો ગયાઃ ભૂંડ પાછળ દોડેલી સિંહણ કૂવામાં ખાબકી - Sandesh
  • Home
  • Gujarat
  • શિકાર યહાં ખૂદ શિકાર હો ગયાઃ ભૂંડ પાછળ દોડેલી સિંહણ કૂવામાં ખાબકી

શિકાર યહાં ખૂદ શિકાર હો ગયાઃ ભૂંડ પાછળ દોડેલી સિંહણ કૂવામાં ખાબકી

 | 8:36 pm IST

માળીયાહાટીના તાલુકાના વન વિભાગના ગડુ રાઉન્ડમાં ગત રાત્રીના ભૂંડના શિકાર માટે સિંહણ પાછળ દોડી હતી, પણ કુવામાં ભૂંડ અને સિંહણ ખાબકયા હતા. વન વિભાગની ટીમે ત્રણેક કલાકની જહેમત ઉઠાવી બંનેને સલામત બહાર કાઢયા હતા.

મળતી માહિતી મુજબ તાલુકાના વન વિભાગના ખંભાળિયા વાડી વિસ્તાર જે કોસ્ટલ એરીયાના બોર્ડર પર છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં સિંહોના જુથો આંટા ફેરા આ વિસ્તારમાં છે. વન વિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં સ્ટાફ પેટ્રોલીગ સહિતની કાર્યવાહી કરી નજર રાખવામાં આવે છે. ગત સાંજના ૬.૩૦ વાગ્યાના સુમારે ખંભાળિયા ગામની સીમમાં જંગલી ભૂંડનો શિકાર કરવા એક સિંહણ તેની પાછળ દોડી હતી. આગળ ભૂંડ અને પાછળ સિંહણ ભાગ્યા અને દોડતા દોડતા કાળાભાઈ ભુપતભાઈ પટાટની વાડીના ખૂલ્લા કુવામાં પહેલા ભૂંડ અને પાછળ સિંહણ એમ બંને ખાબકયા હતા.

બંને કુવામાં ખાબકતા જોરદાર અવાજ થતા નજીકમાંથી લોકો દોડી આવ્યા હતા અને કુવામાં જોતા ભૂંડ અને સિંહણ બચવા માટે તરફડીયા મારતા જોવા મળ્યા. આથી તાત્કાલીક વન વિભાગના આરએફઓ એચ.વી.શીલુને જાણ કરતા ફોરેસ્ટર ઝોરા, સુરૃ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટરમાંથી રેસ્કયુ ટીમને મદદ માટે બોલાવી. રેસ્કયુ ટીમના હેડ ડો.વીરેન્દ્ર અપારનાથીએ ટીમ સાથે સંયુકત ઓપરેશન હાથ ધરી લગભગ ૩ થી ૪ કલાકની જહેમત બાદ સિંહણને દોરડાના ગાળિયામાં ફસાવી પાંજરામાં સફળ રીતે પુરી હતી. બાદમાં ભૂંડને પણ બહાર કાઢી છોડી મુકયું હતું. ૩થી પ વર્ષની સિંહણને કોઈ ઈજા જણાતી ન હોય ઓબર્ઝવેશન માટે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવી હોવાનું વન વિભાગમાંથી જાણવા મળે છે.