loan-repayments-could-be-paused-for-few-months-in-coronavirus-time
  • Home
  • Business
  • લોનધારકો માટે ખુશખબર, કોરોનાને ધ્યાને રાખીને કેટલાક મહિના માટે લોનના હપ્તાઓમાં મળશે રાહત

લોનધારકો માટે ખુશખબર, કોરોનાને ધ્યાને રાખીને કેટલાક મહિના માટે લોનના હપ્તાઓમાં મળશે રાહત

 | 2:55 pm IST

હાલ કોરોના વાયરસનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે લોકોને લોનના હપ્તાઓ ભરવામાંથી થોડો સમય મુક્તિ મળી શકે તેવી શક્યતા છે. કારણ કે હાલ વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા હોય લોકોની આવક ઘટી ગઇ છે ત્યારે ઘણા લોકો લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ પરિસ્થીતીને ધ્યાને રાખીને નાણા મંત્રાલયે RBIને પત્ર લખીને વ્યાજની ચુકવણી અને લોન રીપેમેન્ટ પર કેટલાક મહિનાઓની છુટ આપવા માટે કહ્યું છે. આ સાથે નાણા મંત્રાલયે નોન પરફોર્મિંગ એસેટના ક્લાસીફિકેશનમાં પણ છુટ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે.

કોરોનાના કારણે ઇન્કમ લોસ

હાલ લોકોની આવક કોરોનાના કારણે ઘટી ગઇ છે ત્યારે ફાઇનાન્સિયલ સર્વિસીસ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી દેબાશીષ પંડાએ મંગળવારે આ અંગે આરબીઆઇને એક લેટર લખ્યો હતો. આ સાથે સિસ્ટમમાં લિક્વિડિટી બનાવી રાખવા પર પણ તેઓએ ભાર આપ્યો હતો. આ પત્રમાં તેઓએ રાહતના પગલાઓની જરૂરીયાત પર પણ ભાર આપ્યો છે. કારણ કે લોકડાઉનના કારણે મોટાભાગના લોકોની આવકને અસર પડી રહી છે.

લોનના હપ્તાઓ ભરવામાં મુશ્કેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 21 દિવસોના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણે ઘણી કંપનીઓ અને લોકોને લોકડાઉનના કારણે લોનના હપ્તાઓ ચુકવવામાં મુશ્કેલી પડશે. આવું થાય ત્યારે બેંક તેઓ સામે એક્શન લઇ શકે છે અને તેઓના ક્રેડિટ પ્રોફાઇલને પણ અસર થઇ શકે છે. RBIના નિયમો અંતર્ગત પેમેન્ટમાં ડિફોલ્ટર થયેલા કોઇ સામે 30 દિવસોમાં નોંધ કરવાની થાય છે અને આવા એકાઉન્ટ્સને સ્પેશ્યિલ મેંશન એકાઉન્ટની કેટેગરીમાં મુકવાના હોય છે.

નાણા મંત્રીએ શું કહ્યું હતુ ?

નાણા મંત્રી નિર્મલા સિતારમને મંગળવારે કેટલાક નિયમો અંતર્ગત કોમ્પ્લાયન્સમાં છૂટ આપવાની ઘોષણા કરી હતી. તેઓએ ઇનસોલ્વન્સીમાં કેસોને લઇ જવા માટે ડિફોલ્ટ લિમિટને એક લાખ રૂપિયાથી વધારીને એક કરોડ રૂપિયા કરી દીધી હતી. તેઓએ એ પણ કહ્યું હતું કે સરકાર કોરોના વાયરસથી પેદા થયેલી સ્થિતી સામે લડવા માટે એક આર્થિક પેકેજ પર કામ કરી રહી છે અને જ્લદી તેની જાહેરાત કરવામાં આવશે. લોન રિપેમેન્ટ અંગે પણ કેટલીક છુટછાટો અંગે સત્વરે જાહેરાત કરવામાં આવશે તેવું તેઓએ વધુમાં જણાવ્યું હતુ.

આ પ્રકારની લોનના રીપેમેન્ટમાં છૂટ આપવાની માંગ

તારમણે કહ્યું હતું કે RBI સાથે અલગ-અલગ મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે. તેઓએ કહ્યું હતું કે, ‘હાલમાં અમે સપોર્ટ આપવા માટે શક્ય હશે તે દરેક પગલાઓ લઇશું.’ ઉદ્યોગ જગતે દરેક પ્રકારની લોનના રીપેમેન્ટની સમયમયાર્દામાં છૂટની માંગ કરી છે. CIIએ જીડીપીનો એક ટકો એટલે કે અંદાજે બે લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની માંગ કરી છે. તેઓએ સરકારને કહ્યું છે કે લોન લેનારને દરેક રીતે લોન અને તેમના રીપેમેન્ટ્સમાં ઓછામાં ઓછા 3 મહિનાની છૂટ આપવી જોઇએ. FICCIએ બે મહિના માટે ચૂકવણામાંથી મુક્તિની માંગ કરી છે.

…જેથી બચી રહે વેપાર જગતનું વજુદ

આ પ્રકારની રાહતોથી બેંકો પર ખરાબ અસર પડશે, પરંતુ જાણકારોનું કહેવું છે કે હાલમાં ચિંતા એ વાતની છે કે વેપાર જગતનું અસ્તિત્વ ટકી રહે. કેર રેટીંગ્સના કહેવા અનુસાર જીડીપી ગ્રોથ ચોથા ક્વાર્ટરમાં ઘટીને 1.5 – 2.5% થઇ શકે છે કારણ કે માર્ચના અંતમાં ઉત્પાદનમાં જોવા મળતો વધારો શટડાઉનના કારણે આ વખતે જોવા નહીં મળે.

આ વીડિયો પણ જુઓ : ધારા 144 નું ઉલ્લંઘન કરતા લોકો સામે પોલીસની કડક કાર્યવાહી 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન