Local Opposed BJP Workers during campaign for Dadra Nagar Haveli Bypolls
  • Home
  • Featured
  • અહીં પ્રચાર માટે ગયેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિકોએ ભગાડ્યા

અહીં પ્રચાર માટે ગયેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિકોએ ભગાડ્યા

 | 3:27 pm IST
  • Share

  • દાદરા નગર હવેલી લોકસભા પેટાચૂંટણી માટે પ્રચાર ચરમ પર
  • ડેલકર પરિવારની ભાજપને સીધી ટક્કર
  • ચૂંટણીમાં જીત ભાજપ માટે મોટો પડકાર

 

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની ખાલી પડેલી લોકસભા બેઠક પર આગામી 30 ઑક્ટોબરે મતદાન થવા જઈ રહ્યું છે. જેના પગલે હાલ ચૂંટણીનો પ્રચાર ચરમ પર છે. જો કે આ ચૂંટણીમાં જીત મેળવવી ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. અહીંના સેલવાસના બાલાદેવી વિસ્તારમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક નાગરિકોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરાનગર હવેલીની લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીનો પ્રચાર કરવા માટે ભાજપના કાર્યકર્તાઓ ગામે-ગામ અને શેરીઓ ખુંદી રહ્યાં છે. આ દરમિયાન સેલવાસના બાલદેવી વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જ્યાં સ્થાનિક લોકોએ ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણીનો પ્રચાર કરવા નહતો દીધો. આટલું જ નહીં, ગામ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જેમાં સ્થાનિકોએ ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે.

ઉલ્લેખનીય છે કે, દાદરાનગર હવેલીમાં 30 ઑક્ટોબરે યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપ, શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું મુંબઈમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયા બાદ અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક પર મોહન ડેલકરની પત્ની કલાવતી ડેલકરે પણ શિવસેના તરફથી ઉમેદવારી નોંધાવી છે. આમ આ લોકસભાની ચૂંટણીમાં ડેલકર પરિવાર દ્વારા ભાજપને સીધી ટક્કર આપવામાં આવી રહી છે.

 મોહન ડેલકર દાદરા નગર હવેલીથી 7 વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તરીકે અહીંથી ચૂંટાઈ ચૂક્યા છે. 2019માં સમગ્ર દેશમાં મોદી લહેર હોવા છતાં મોહન ડેલકર અપક્ષ તરીકે અહીંથી જીતવામાં સફળ રહ્યા હતા. તેમનો મૃતદેહ આ વર્ષે જ મુંબઈની સી ગ્રીન હોટલમાંથી મળી આવ્યો હતો. મોહન ડેલકરના મોતનું કારણ આત્મહત્યા ગણવામાં આવી રહ્યું છે. જો કે તેમના મૃતદેહ પાસેથી સ્યૂસાઈડ નોટ નહતી મળી. તેમના શંકાસ્પદ મૃત્યુ પાછળ દાદરા નગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલને જવાબદાર ગણવામાં આવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો