NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વિધાનસભા ચૂંટણીઃ સ્થાનિક મુદ્દાની અવગણના બંને પાર્ટી માટે જોખમી બની શકે

વિધાનસભા ચૂંટણીઃ સ્થાનિક મુદ્દાની અવગણના બંને પાર્ટી માટે જોખમી બની શકે

 | 7:59 am IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પાટીદાર અનામત આંદોલન, ઓબીસી આંદોલન, દલિત આંદોલન, નોટબંધી, જીએસટી જેવા મુદ્દા તો મહત્વના રહેવાના છે. પરંતુ ગુજરાતની એક ચૂંટણીમાં ચારેય ઝોન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અનેક મુદ્દાઓનો સ્થાનિક સ્તરે અંડર કરંટ રહેશે. અતિવૃષ્ટિમાં પાણી પાણી થઈ ગયેલા ઉત્તર ગુજરાતમાં પૂર પીડિતો માટે સરકારે કરેલી કામગીરીની પણ કસોટી થશે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના જંગલની જમીનના હક્ક પ્રમાણપત્ર અપાઈ ગયા પણ સનદો અપાઈ ન હોવાનો મુદ્દો સળગતો છે. સૌરાષ્ટ્રમાં રાબેતા મુજબ પાણીનો પ્રશ્ન છે. જ્યારે મધ્ય ગુજરાતમાં શિક્ષણ તેમજ આરોગ્યની સેવાને લઈ બુમરાણ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ મુદ્દા પર ભાજપની કસોટી થવાની છે. આમ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દાની સાથે સ્થાનિક પ્રશ્નોના મુદ્દા પણ હાર-જીતની બાજી નક્કી કરશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પાક વીમા પ્રીમિયમ, ટેકાના ભાવ અને પાણીનો કકળાટ

ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો મળતાં નથી. એટલું જ નહીં પરંતુ પાક વીમાની રકમ ચૂકવવામાં ધાંધિયા સર્જાયા છે. પ્રધાન મંત્રી વીમા ફસલ યોજનામાં ખેડૂતોને મશ્કરીરૂપ રૂ.૫૦-૧૦૦ જેવી સહાયો અપાઈ હતી. જેને લઈ ખેડૂતોમાં રોષ ફેલાતાં વીમા પ્રીમિયમ આપવાની કામગીરી રોકી દેવામાં આવી હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જોઈએ તેવી સવલત નથી. ઉચ્ચ શિક્ષણ માટે કોલેજોનો અભાવ છે. જેને કારણે અહીંના લોકોને શિક્ષણ માટે રાજ્યના મોટા શહેરોમાં જવું પડે છે. આરોગ્ય ક્ષેત્રે પણ સ્થિતિ કથળેલી છે. આમ સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ચૂંટણીમાં સ્થાનિક સ્તરે આ મુદ્દા અંડર કરંટ છે.

મધ્ય ગુજરાતના આદિવાસીઓની જંગલની જમીનનો પ્રશ્ન

મધ્ય ગુજરાતની કુલ ૩૩ બેઠકો છે. જે પૈકી ૧૪ બેઠકો પર આદિવાસી સમાજનો દબદબો છે. મધ્ય ગુજરાતની બેઠકોમાં શહેરા, ગોધરા, કાલોલ, હાલોલ, મોરવાહડફ, ફતેહપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢબારિયા, ડભોઈ, સાવલી, વાઘોડિયા, પાદરા, છોટા ઉદેપુર, જેતપુર, સંખેડા, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમેરઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા, માતર, નડિયાદ, ઠાસરા, મહુવા સહિતની બેઠકોનો સમાવેશ થાય છે. આદિવાસી સમાજના દબદબાવાળા મધ્ય ગુજરાતમાં પેશા એક્ટને લઈ મૂવમેન્ટ ચાલી રહી છે. આદિવાસીઓને જંગલની જમીનના અધિકારની લડત હજુય યથાવત્ છે. જંગલની જમીનના પ્રમાણપત્ર અપાયા છે પણ સનદો અપાતી નથી. મધ્ય ગુજરાતમાં આદિવાસીઓને સિંચાઈનો જોઈએ તેટલો લાભ મળ્યો નથી. આદિવાસીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ વધારે છે. સમાજના ૫૫ ટકાથી વધુ બાળકો ૧૦માં ધોરણ પછી શિક્ષણ છોડી દે છે. પૂરતી શાળા કોલેજો નથી. જે છે એમાં મોટાપાયે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ભાજપ હોય કે કોંગ્રેસ વર્ષોથી આદિવાસી સમાજ વિકાસથી વંચિત રહ્યો છે. સ્થાનિક સ્તરે રોજગારીનું પ્રમાણ નહિવત્ છે. આદિવાસીઓમાં સિકલ સેલ એનિમિયાનો રોગ જોવા મળે છે. આમ આગામી ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતની ધરતી પર આ મુદ્દા હાવી રહેવાના છે. મધ્ય ગુજરાતમાં વડોદરા શહેર ભાજપનો ગઢ મનાય છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની પકડ જોવા મળે છે. મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટાના સ્થાનિક પ્રશ્નોની અસર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે.

ઉત્તર ગુજરાતમાં પૂર, ડાર્કઝોન, ધંધા-રોજગારના પ્રશ્નો

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પૂરનો મુદ્દો મહત્વનો છે. બનાસકાંઠાના પૂર અને તેના રાહત કાર્યો સ્થાનિક મુદ્દો છે. ભાજપે પૂર વખતે કોંગી ધારાસભ્યો બેંગ્લુરુંમાં જલસા કરે છે તેવી ટીકા કરી હતી. કોંગ્રેસે હજુ પણ પૂરપીડિતોને પૂરતી સહાય પૂરી પાડવામાં આવી નથી તેનો મુદ્દો આગળ ધર્યો હતો. પૂર પીડિતોનો મુદ્દો આ ચૂંટણીમાં સરકારની કસોટી કરશે. ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવના પણ પ્રશ્નો સતાવે છે. આરોગ્ય સેવાનો મુદ્દો પણ અગ્રસ્થાને છે. કૃષિ વીજ જોડાણમાં શરતી ભૂગર્ભ જળ વપરાશમાં શરતી મંજૂરીનો નિર્ણય પણ ફેલ ગયો છે. આમ ડાર્કઝોનની સમસ્યા યથાવત્ છે. ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો મળતાં નથી. પાટણ-મહેસાણામાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. દૂધ સાગર ડેરીના કૌભાંડ બહાર આવ્યાં હતા. હીરા ઉદ્યોગ બંધ હાલતમાં છે. આમ આ ચૂંટણીમાં સ્થાનિક સ્તરે આ તમામ મુદ્દા પણ અગત્યના છે. મહત્ત્વનું છે કે, ઉત્તર ગુજરાતની કુલ ૩૨ વિધાનસભા બેઠકો છે. જેમાં બહુચરાજી, કડી, મહેસાણા, વિજાપુર, દિયોદર, ડીસા, પાટણ, રાધનપુર, વાવ, ખેરાલુ, ઊંઝા, ચાણસ્મા, સિદ્ધપુર, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, વિસનગર, પાલનપુર વગેરેનો સમાવેશ થાય છે.

દ. ગુજરાતમાં બોગસ એસટી સર્ટિ. કૌભાંડ, વિસ્થાપિતોના પ્રશ્ન

દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની ૨૮ બેઠકો છે. આદિવાસીઓનો ૧૪ બેઠકો પર દબદબો છે. અહીં ઉંમરગામ, કપરાડા, પારડી, વલસાડ, ધરમપુર, વાંસદા, ગણદેવી, નવસારી, જલાલપોર, ડાંગ, નિઝર, વ્યારા, ડેડિયાપાડા, ભરૂચ, ઝઘડિયા, અંકલેશ્વર, બારડોલી તેમજ સુરત શહેરની અન્ય બેઠકોનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં અત્યારે એસટી સર્ટિફિકેટથી બોગસ નોકરી મેળવવાનું કૌભાંડ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ સરકારના મંત્રીએ મામલે બાંહેધરી આપી હતી કે, સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરી પગલાં ભરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં પાણીનો પ્રશ્ન પણ રહ્યો છે. પાર-તાપી લીંક યોજનાના વિસ્થાપિતોનું આંદોલનનો મુદ્દો પણ અહીં હાવી રહ્યો છે. સુરતમાં પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ પહોંચ્યું હતું. વેપારીઓના શહેરમાં વેપારીઓએ જીએસટી મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. હવે સરકારે જીએસટીમાં રાહત આપી છે એટલે વેપારીઓ પોતાનું વલણ સ્પષ્ટ કરવાના છે. ઉત્તર ભારતીયો માટે ટ્રેનની વિશેષ સવલત માટેની પણ માગ બૂલંદ થઈ છે. રોજગારીનો પ્રશ્ન પણ મુખ્ય છે. આમ ચૂંટણીમાં સ્થાનિક સ્તરે આવા અસંખ્ય મુદ્દા હાવી રહેશે.