ઈંધણના ભાવની મોકાણ : વર મરો, કન્યા મરો પણ સરકારના તરભાણા ભરો   - Sandesh
  • Home
  • Columnist
  • ઈંધણના ભાવની મોકાણ : વર મરો, કન્યા મરો પણ સરકારના તરભાણા ભરો  

ઈંધણના ભાવની મોકાણ : વર મરો, કન્યા મરો પણ સરકારના તરભાણા ભરો  

 | 1:14 am IST

ચલતે ચલતે : અલ્પેશ પટેલ

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનું કમઠાણ કરોડો પરિવારોના ઘરોમાં હૈયાહોળી સર્જી રહ્યું છે. ૨૬ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બરના માત્ર ૧૨ દિવસમાં જ પેટ્રોલમાં રૂ.૨.૩૨ અને ડીઝલમાં રૂ.૨.૭૫નો તોતિંગ વધારો કરવામાં આવતાં જનતા લાલઘૂમ છે. માત્ર એટલું જ નહીં પરંતુ,પહેલી જાન્યુઆરીથી ૭ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન પેટ્રોલમાં પ્રતિ લિટરે રૂ.૧૦.૧૨ અને ડીઝલમાં પ્રતિ લિટરે રૂ.૧૨.૩૭નો તોતિંગ વધારો ઝીંકીને જનતાની કમર જ તોડી નાખવામાં આવી છે. મોંઘવારીના મારમાં માંડ-માંડ જીવન ગુજારો કરનારો મધ્યમવર્ગ નિઃસહાય બની મરવાના વાંકે જીવી રહ્યો છે પણ કોઈ માઈનો લાલ નેતા કહેતો નથી કે, આ ભાવવધારો ક્યારે અટકશે ? બધા મૂંગામંતર બનીને તમાશો જોઈ રહ્યાં છે અને બિચારી જનતાને તો પડતા ઉપર એવું પાટુ મારે છે કે, જનતા ઊભી જ ન થઈ શકે. લૂંટો ભાઈ લૂંટો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મોકાણના માઠા સમાચાર જનતાને રોજ આપ્યા કરો, જનતા તો ટેવાઈ ગઈ છે, એનું લોહી ચૂસીને હાડપિંજર જ બનાવી દેશો તો ય શું કરવાની છે ? ધૂતારાઓની મેલી મથરાવટીએ તમામ મર્યાદાઓ વટાવી દીધી છે. દેશમાં ઉત્તરથી લઈ દક્ષિણ અને પૂર્વથી લઈ પશ્ચિમમાં ઈંધણના ભાવ વધારાની મોકાણ છે. પેટ્રોલનો ભાવ રૂ.૮૭ને આંબી ગયો છે અને નજીકના સમયમાં જ સેન્ચુરી ફટકારશે તો નવાઈ જેવું લાગશે નહીં. ડીઝલ પણ ૮૦ રૂપિયાની નજીક પહોંચ્યું છે. દેશની જનતા ભલે બે પાંદડે ન થાય પણ સરકારને આવકમાં એક રૂપિયો ઓછો ન થવો જોઈએ. શાસકો સારી રીતે સમજી ગયા છે કે, ભાવવધારાનો વિરોધ એકાદ બે દિવસ પૂરતો સીમિત હોય છે પછી તો જનતા પણ ક્યાં નવરી છે કે આખો મહિનો કે આખું વર્ષ વિરોધ કરવાની પિપૂડી વગાડવાની છે ? જનતાની પિપૂડી કયો માઈનો લાલ નેતા સાંભળે છે ? મતલબી નેતાઓના ચહેરા બેનકાબ થઈ રહ્યાં છે. પોતાની જાતને લોક સેવક કહેનારા બબૂચક નેતાઓ પ્રત્યે દેશની જનતામાં રોષનો પ્રચંડ જ્વાળામુખી ભભૂકી ઊઠયો છે.

૪ વર્ષમાં મબલક કમાણી  

જનતાના ખિસ્સામાં કાતર ફેરવવાની એક પણ તક શાસકો ગુમાવવા માગતા નથી. વિચાર તો કરો કે, પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીનું ભૂત વારંવાર ધૂણે છે પણ સરકાર તેમાં એક રૂપિયો ઘટાડો કરવા માગતી નથી. છેલ્લાં ચાર વર્ષમાં કેન્દ્ર સરકારને એક્સાઇઝ ડયૂટીની ૧૬.૫૭ લાખ કરોડની અધધ… કમાણી થઈ છે. બોલો આ રૂપિયા ક્યાંથી આવ્યા ? કોઈ બબૂચક નેતાના ઘરમાંથી આવ્યા ? કોઈ નેતા નોકરીએ ગયો હતો ? બિચારી જનતાના જ છે ને ? કેમ કોઈ નેતા બોલતો નથી ? મોઢામાં મગ ઓર્યા છે ? જનતાના મસીહા હોવાનો ઢોંગ કરનારાઓને જનતા પકડીને એમના કપડાં ઉતારી નાખશે એ દિવસો ટૂંક સમયમાં આવશે તો નવાઈ જેવું લાગશે નહીં. જરા વિચાર તો કરો કે, કેન્દ્ર સરકારને ઈંધણમાંથી ૨૦૧૬-૧૭માં ૩.૩૪ લાખ કરોડની કમાણી થઈ હતી. જ્યારે રાજ્ય સરકારોને ૧.૮૯ લાખ કરોડની કમાણી થઈ હતી. સરકાર માટે ઈંધણના ભાવ સોનાના ઈંડા આપનારી મુરઘી સમાન છે. સરકાર એ મુરઘીને મરવા દે ખરી ?

કોના બાપની દિવાળી ?  

ઈંધણના ભાવ ભડકે બળતા હોય ભલે પણ શાસકોના પેટનું પાણી પણ હાલવાનું નથી એ કોરા સ્ટેમ્પ પેપર ઉપર લખી લો. કેમ કે, બધાને જનતાનું કચ્ચરઘાણ કાઢી તરભાણા ભરવા છે. શાસકોએ નક્કી જ કર્યું છે કે જનતાનું બરાબરનું તેલ કાઢો. વિચાર તો કરો કે, છેલ્લાં બે વર્ષમાં એક્સાઇઝ ડયૂટીમાં ૯ વાર વધારો કરાયો છે. કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ૧૪.૯૮ રૂપિયા અને ડીઝલમાં ૧૫.૩૩ રૂપિયા એક્સાઇઝ ડયૂટી વસૂલી રહી છે. ૨૦૧૪-૧૫માં કેન્દ્ર સરકારને ૯૯.૧૮૪ કરોડની આવક થઈ હતી. જે ૨૦૧૭-૧૮માં વધીને ૨,૨૯,૦૯૧ કરોડને આંબી ગઈ છે. બોલો, આ આંકડો બિચારી જનતાની સમજથી બહાર હોય કે ન હોય ? મુંબઈમાં પેટ્રોલ ઉપર સૌથી વધુ ૩૯.૧૨ ટકા જ્યારે તેલંગણામાં ડીઝલ ઉપર સૌથી વધુ ૨૬ ટકા ટેક્સ વસુલાય છે. ઈંધણના ભાવવધારાથી કેન્દ્રની સાથે-સાથે રાજ્યોને પણ બખ્ખાં જ બખ્ખાં છે. ૨૦૧૪-૧૫માં રાજ્યોને ઈંધણમાંથી ૧,૩૭,૧૫૭ કરોડની વેટની આવક થઈ હતી. જે ૨૦૧૭-૧૮માં વધીને ૧,૮૪,૦૯૧ કરોડે પહોંચી ગઈ છે. બોલો, રાજ્યો પણ જનતાનું લોહી જ ચૂસી રહીં છે અને ભાવવધારાની વહેતી ગંગામાં ડૂબકી મારવાનું ચૂકતી નથી.

૧૨૫ ટકાની નફાખોરી  

પેટ્રોલ અને ડીઝલમાંથી સરકાર વર્ષે દહાડે કરોડોની આવક રળી રહી છે. ચાર વર્ષમાં જ કેન્દ્ર સરકારે ૧૬.૫૭ લાખ કરોડનો તગડો નફો કર્યો છે. પ્રતિ લિટર રૂપિયા ૩૯નું પેટ્રોલ જનતા સુધી પહોંચે છે ત્યાં સુધી ૮૭.૩૯ રૂપિયાનું થઈ જાય છે.ડીઝલની મૂળ કિંમત ૪૩.૦૩ રૂપિયા છે પરંતુ જનતાને મળે છે રૂપિયા ૭૯.૯૯માં. બોલો, સરકાર આ બંને ઈંધણમાંથી જ ૧૨૫ ટકાની અઢળક નફાખોરી રળી રહીં છે. સરકારની માત્ર એક વર્ષની ૫.૨૫ લાખ કરોડની આવકમાંથી ૨.૪૩ કરોડની આવક તો માત્ર એક્સાઇઝ ડયૂટીમાંથી થાય છે. ગુજરાતમાં પેટ્રોલમાં ૧૪થી ૧૬ ટકાનો વેટ વસુલાઈ રહ્યો છે જેનો બોજ જનતા ઉપર પડે છે જ્યારે ડીઝલમાં ૧૨થી ૧૪ ટકાનો વેટનો બોજ પણ જનતા સહન કરી રહી છે. કેન્દ્ર સરકારને ૪૬ ટકા આવક તો પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાંથી થાય છે. હવે જનતાએ જીવન જરૂરી ચીજવસ્તુઓનો ભાવવધારો સહન કરવાની તૈયારી રાખવી પડશે. જેમાં પાંચથી આઠ ટકાનો વધારો નિશ્ચિત જ બન્યો છે. કોઈ માઈનો લાલ બબૂચક નેતાને જનતાની ચિંતા છે ? લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ઘરમાં એક ટાઇમ ચૂલો સળગતો નથી એની દરકાર છે કોઈ બેવકૂફ નેતાને ?

દાઝયા ઉપર ડામ

કારમી મોંઘવારીમાં અસહ્ય ડામ સહન કરી રહેલી જનતાના કપાળે તો મરવાના વાંકે જીવવાનું જ લખાયેલું છે એ કડવું સત્ય છે.કોઈ બેટમજી નેતા હરામ બરાબર છે કે સાંત્વનાના બે શબ્દો બોલતો હોય.મનોમન મલકાતા નેતાઓની આપણે ત્યાં કમી નથી.જનતાને દાઝયા ઉપર ડામ આપવાની એક પણ તક ચૂકતા નથી. તાજેતરમાં ભાજપના પ્રવક્તા નલીન કોહલીની બુદ્વિ બહેર મારી ગઈ હોય તેમ એવું નિવેદન આપ્યું કે, ઈંધણના ભાવ વધે તે સારું છે તેનાથી સરકારની કમાણી વધે છે. વાહ ભાઈ વાહ, આ બેવકૂફ નેતાને તો જનતા ઘરમાંથી ખેંચી લાવીને જૂતાનો હાર પહેરાવી ગધેડા ઉપર ફેરવે તો પણ ગુસ્સો ઓછો થાય તેમ નથી. હિંમત હોય તો જનતાની વચ્ચે આવી આ મહાશય નેતા ફરીથી નિવેદન આપે તો ખબર પડે કે, કેટલા શેરે મણ થાય છે.એનાથી પણ આગળ દેશના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જનતાના ઘા ઉપર મલમ લગાવવાના બદલે મીઠું ભભરાવતાં કહ્યું કે, ઈંધણના વધી રહેલા ભાવ ઉપર સરકારનું કોઈ જ નિયંત્રણ નથી. બોલો, આ મહાશયની વાત કોઈના ગળે ઊતરે તેમ છે ? જનતા આ બબૂચક નેતાને સણસણતા એક જ ઘામાં આઠ-દસ તમાચા ફટકારી દે તો પણ ઓછા છે. આ બબૂચક નેતાઓને મોંઘવારી નડતી નથી એટલે મનમાં આવે તેવા નિવેદનો આપી જનતાનો રોષ વહોરી રહ્યાં છે. ભાવવધારો ઘટે જ નહીં એ કેવું ? બેવકૂફ નેતાઓના રાજમાં જનતા કોઈ રાહતની આશા રાખે એ પણ વ્યર્થ છે. કોઈ માઈનો લાલ નેતાને પેટ્રોલ પંપ ઉપર જવું પડતું નથી, બધાને તગડી કમાણી કરીને તરભાણા ભરવા છે. લૂંટો ભાઈ લૂંટો, જનતા તો બિચારી લૂંટાવા જ બેઠી છે. વર મરો, કન્યા મરો પણ સરકારના તરભાણા ભરાવવા જોઈએ.