લોકડાઉન : નિયમોનો ભંગ કરીને મોતને આમંત્રી રહ્યા છે લોકો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • લોકડાઉન : નિયમોનો ભંગ કરીને મોતને આમંત્રી રહ્યા છે લોકો

લોકડાઉન : નિયમોનો ભંગ કરીને મોતને આમંત્રી રહ્યા છે લોકો

 | 2:11 am IST

કોરાના વાઇરસને પગલે દુનિયાના કેટલાય દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. પરંતુ કેટલાક લોકોને કોઇ વાતની ચિંતા જ નથી, કે ન તો તેઓ પોતાની ચિંતા કરે છે, ન બીજાની પણ ચિંતા કરતા નથી.  જર્મનીમાં યુવા લોકોએ કોરોના પાર્ટી યોજી અને બુઝુર્ગો પર જાણી જોઇને ખાંસી ખાધી. સ્પેનમાં એક માણસ પોતાની બકરીના ગળામાં પટ્ટો બાંધીને બહાર રસ્તા પર ટહેલવા નીકળ્યો, જ્યારે અધિકારીઓ બધાને પોતાના ઘરોમાં રહેવા સૂચના આપતા હતા. ફ્રાંસથી લઇને ફ્લોરિડા અને ઓસ્ટ્રેલિયા સુધી કાઇટસફ્ર્ર, કોલેજ વિદ્યાર્થી અને અન્ય લોકો મસ્તી કરવા માટે બીચ પર નીકળ્યા પડયા હતા. વાઇરસને ફેલાતો રોકવા માટે ન તેઓ લોકડાઉનનો અમલ કરે છે, ન તો ડોક્ટરોની સલાહ લે છે. એ સંજોગોમાં અધિકારીઓને તેમની વિરુદ્ધ પગલાં ભરવા પડી રહ્યા છે. ફ્રાંસના ગૃહમંત્રી ક્રિસ્ટોફ કેસ્ટાનેરનું કહેવું છે કે કેટલાક લોકો નિયમો તોડીને પોતાને જાણે હીરો માને છે, જ્યારે એવું નથી. તમે મૂર્ખ છો. ખાસ તો તમે જ તમારા માટે જોખમ બની રહ્યા છે.  ભારતમાં રવિવારે લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર જનતા કરફ્યૂ લાગુ કર્યો છે. જો કે બિહારની આરજેડી પાર્ટીના કેટલાક નેતાઓએ તેની ટીકા કરી છે. પાર્ટીના એક વિધાનસભ્યે તો તેને અઘોષિત કટોકટી ગણાવી દીધી હતી. જ્યારે એક મીડિયાના હેવાલ મુજબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જનતા કરફ્યૂ દરમિયાન અધ્યાપકોને શાળામાં જવા માટે કહ્યું. એમ તો રાજ્યની શાળાઓ કોરોના વાઇરસના કારણે ૧૫ એપ્રિલ સુધી બંધ છે. પરંતુ બાળકોને મધ્યાહન ભોજનના વિતરણ માટે રવિવારે શાળા ખોલવાનો નિર્દેશ કર્યો હતો.

લોકોને રોકવા માટે પોલીસની મદદ । ફ્રાંસમાં જ્યારે કેટલાક લોકોએ ઘરમાં રહેવાનો આદેશ માનવાનો ઇનકાર કર્યો, તો ગયા શુક્રવારે સરકારે સ્ટેશનો પર સુરક્ષાદળ મોકલવા પડયાં, જેથી લોકોને રજામાં બીજા સ્થળોએ જવાથી રોકી શકાય. એવું એટલા માટે જરૂરી છે કે લોકોના જવાથી ગ્રામીણ વિસ્તારો અને સમુદ્રી બીચો પર વાઇરસ પહોંચી શકે છે, જ્યાં તેને રોકવા મુશ્કેલ હશે કેમકે ત્યાં સ્વાસ્થ્ય સેવા એટલી મજબૂત નથી હોતી. ફ્રાંસની રાજધાની પેરિસમાં સેન નદીના કિનારે ફ્રવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જ્યારે કિનારાના શહેર નીસમાં રાત્રે કરફ્યૂ લાદવો પડયો. ફ્રાંસમાં રસ્તા પર પોલીસ તહેનાત કરાયા, જેઓ લોકોને ઘરોથી બહાર નીકળવા દેતા નથી. જે લોકો બહાર નીકળી રહ્યા છે, તેમના પર દંડ ફ્ટકારાયો હતો. અમેરિકામાં ફ્લોરિડા રાજ્યના ગવર્નરે તમામ બીચોને બંધ કરી દેવાયા છે. થોડા દિવસ પહેલાં બીચ પર કોલેજ વિદ્યાર્થીઓની પાર્ટી રિપોર્ટો બાદ એ પગલાં ભર્યા હતાં. ઓસ્ટ્રેલિયાએ પણ મશહુર બોડી બીચને બંધ કરી દીધો છે, જ્યાં લોકોનું ટોળું રહે છે.

અમેરિકામાં યુવાનોને ચેતવણી ।   ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ ક્યુમોએ શનિવારે કહ્યું હતું કે તેમના રાજ્યમાં જેટલા પણ કોરોનાના કેસ છે, તેમાંથી અડધાથી વધુ તો ૧૮થી ૪૯ વર્ષ સુધીના વયના છે. યુવાનોને ચેતવણી આપતાં તેમણે કહ્યું કે, તમે કોઇ સુપરમેન કે સુપરવુમન નથી. તેમનો ઇશારો એ લોકો ભણી છે, જેઓ સમજે છે કે કોરોના બુઝુર્ગ લોકોને વધુ શિકાર બનાવી રહ્યા છે અને યુવાનોને વધુ જોખમ નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કહી ચૂક્યું છે કે, યુવાનોએ એવા કોઇ ભ્રમમાં રહેવું જોઇએ નહીં. ક્યૂમોએ જણાવ્યું કે, ન્યૂયોર્કના સિટી પાર્કોમાં લોકો એકબીજાથી અંતર રાખવાના નિયમોનું પાલન કરતા નથી. એ બાદ રવિવારે રાતથી લોકોના મળતા રહેવું અને એકત્ર થવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. બીજી તરફ ચીનમાં હવે કોરોના વાઇરસના નવા કેસ બહાર આવ્યા નથી. પરંતુ દુનિયાભરમાં આ વાઇરસના કેસ રવિવાર સુધી ત્રણ લાખના આંકડાને પાર કરી ચૂક્યા છે, જ્યારે તેનાથી મરનારાઓની સંખ્યા ૧૩ હજારને પાર કરી ગઇ છે. ઇટાલી મૃતકોની સંખ્યાના બાબતે ચીનને પાછળ રાખીને પહેલા ક્રમે પહોંચી ગયું છે, ત્યાં પણ અધિકારીઓ લોકોના ઘરો સુધી સીમિત રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કેટલાય દિવસોથી ઘરમાં બંધ રહ્યા બાદ ખુલ્લી હવા, તડકો અને મિત્રોને મળવામાં કેટલાક લોકો નિયમોની પરવા કરતા નથી.

બીજા દેશોમાં પણ એ જ સ્થિતિ 

જર્મનીના દક્ષિણ પ્રાંત બવેરિયાના મુખ્યમંત્રી માર્કુસ જોએડરનું કહેવું છે કે, હજુ પણ કોરોના પાર્ટીઓ થઇ રહી છે અને કેટલાય યુવાનો વૃદ્ધો પર ઉધરસ ખાતા હતા અને મજાકમાં કોરોના એવું ચિલ્લાય છે. સૌથી મહત્ત્વનું એ છે કે એવા ઘણા ગ્રૂપ છે. યુરોપમાં ઇટાલી બાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ સ્પેનમાં રાષ્ટ્રીય પોલીસ હેલિકોપ્ટરની મદદથી એવા લોકોને પકડી રહી છે, જે બહાર જઇને લોકોને મળતા રહે છે. પાછળથી પોલીસ કર્મીઓ ત્યાં જઇને લોકોને વિખેરી રહ્યા છે.ગ્રીસમાં પણ સરકાર લોકોને ઘરમાં રહેવા કહી રહી છે. પ્રધાનમંત્રી ક્રિયાકોસ મિત્સોતાકિસે કહ્યું કે, ભવિષ્યમાં કોરોના વાઇરસનો ફેલાવો આપણા વર્તન વ્યવહાર પર નિર્ભર રહેશે. તેથી જરૂરી છે કે લોકો ઘરે રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન