લોકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે - Sandesh
  • Home
  • Columnist
  • લોકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે

લોકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે

 | 12:23 am IST

સ્નેપ શોટ

દેશની સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. પહેલો દિવસ તો શ્રદ્ધાંજલિમાં જ પુરો થયો. બીજા દિવસે ગૃહમંત્રીએ દેશને સંસદના ફ્લોર પરથી સધિયારો આપ્યો કે ચીન સાથે આપણે પુરી તાકાતથી ઊભા છીએ. શાંતિ પહેલો માર્ગ છે પરંતુ આપણે ચીનથી કોઈ વાતે ઉતરતા નથી. સંસદમાં પ્રશ્નકાળ પર પ્રતિબંધ છે એટલે ઝીરો અવર્સમાં જોવા મળતા હો-હલ્લા નજરે પડે નહિ. પરંતુ વિપક્ષ ઘુંઘવાયેલો છે તેથી પ્રશ્નનો આખો પેટારો છે, પરંતુ પ્રશ્ન પુછવાના નથી એટલે વાત અટકેલી છેે. વિપક્ષને દેશની અર્થવ્યવસ્થા અંગે ચિંતા છે, દેશની સીમા સુરક્ષા અંગે ચિંતા છે, દેશમાં વધતી બેરોજગારી અંગે ચિંતા છે, સરકાર પ્રાઈવેટાઈઝેશન તરફ વળીને સરકારી કંપનીઓ વેચી રહી છે તે અંગે ચિંતા છે. પરંતુ સરકારને આ ટૂંંકા સત્રમાં ઘણાબધા બિલ લોકસભામાં પાસ કરાવવા છે. સરકારનો સામાન્યપણે કોઈપણ પ્રશ્ન અંગે એક જ જવાબ હોય છે કે બધુ ઠીક થઈ રહ્યું છે, બધુ દેશ હિતમાં જ થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં દેશ વિકાસના માર્ગે આગળ નીકળી પડશે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અને સ્થાનિક સ્તરે પણ આર્થિક ગતિવિધીઓના જે આંકડાઓ આવી રહ્યાં છે તે સરકારના જવાબો સાથે મેચ થતાં નથી.

દુનિયા અને દેશમાં અત્યારે સૌથી મોટી ચિંતા ઈકોનોમીની છે. કોરોનાકાળમાં ઈકોનોમી સતત તળિયે જઈ રહી છે ત્યારે આ ખાડે જતી ઈકોનોમીને ઉપર કેવી રીતે ઉઠાવવી તે દુનિયામાં મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. એશિયન ડેવલોપમેન્ટ બેન્કે આજે એક રિપોર્ટ બહાર પાડયો છે અને તેમાં કહ્યુ છે કે ૨૦૨૦માં એશિયાની વિકાસશીલ અર્થવ્યવસ્થા મંદીની ચપેટમાં આવશે. મંગળવારે પોતાના અનુમાનોને જાહેર કરતાં બેન્ક તરફથી કહેવામાં આવ્યુ છે કે છેલ્લા ૬૦ વર્ષમાં આ પહેલી વખત એવું બનશે કે વિકાસશીલ એશિયાની અર્થવ્યવસ્થામાં પછડાટ જોવા મળશે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે કહ્યુ છે કે ૨૦૨૦ ની ક્ષેત્રિય અર્થવ્યવસ્થામાં ૦.૭ ની ઘટ આવશે. બેન્ક તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાઈરસની સ્થિતિ કેટલાક દેશોમાં વધારે ખરાબ હશે તો તે દેશની અર્થવ્યવસ્થા વધારે પછાડાટ જોવા મળશે. બેન્ક તરફથી ફિલીપીન્સ, ઈન્ડોનેશિયા, ઈકોનોમીનો વૃદ્ધિના દરનું અનુમાન ઘટાડયું છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે ચીનની અર્થવ્યવસ્થા ૨૦૨૦માં ૧.૮ ટકાનો વિકાસ જ કરી શકશે તેવું પણ અનુમાન કહ્યું છે. જોકે ૨૦૧૯માં ચીનનો વિકાસદર ૬.૧ ટકા રહ્યો હતો. તેની સરખામણીમાં ૨૦૨૦નો આ વિકાસદર ખૂબ જ ઓછો છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં ભારતની ઈકોનોમીના પણ ખસ્તાહાલ થશે તેવું અનુમાન કર્યુ છે. બેન્કે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે ઈન્ડિયામાં કોરોના વાઈરસના કારણે આર્થીક ગતિવિધિઓ પર ખરાબ અસર પડી છે. જેનાથી ચાલુ વર્ષમાં જીડીપીમાં ૯ ટકાનો ઘટાડો આવશે.

જોકે, એશિયન ડેવલપમેન્ટ બેન્કના અનુમાન કરતા અમેરિકાની બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સે ભારતના જીડીપી અંગે ખૂબ જ ચિંતાજનક ધારણા બાંધી છે. કંપનીનું કહેવું છે કે ૨૦૨૦-૨૧ માં ભારતના જીડીપીમાં ૧૪.૮ ટકાનો મોટો  ઘટાડો આવશે. ગોલ્ડમેન સાક્સે અગાઉ ભારતના જીડીપીમાં ૧૧.૮ ટકાના ઘટાડાનું અનુમાન કર્યુ હતું. પરંતુ હવે જ્યારે દુનિયામાં અમેરિકા પછી કોરોનાગ્રસ્ત દેશોમાં ભારતનો બીજો નંબર આવી ગયો છે ત્યારે પોતાના અનુમાનમાં સુધારો કરી ભારતના જીડીપીમાં ઘટાડો ૧૪.૮ થશે તેવી આશંકા વ્યક્ત કરી છે. ગોલ્ડમેન સાક્સે પોતાનો આ સુધારો ભારતના ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ બહાર પાડયો છે. સરકારી આંકડા મુજબ ઓગષ્ટના અંતમાં એપ્રિલ-જૂન-૨૦૨૦ ના ત્રિમાસિક રિઝલ્ટમાં ભારતની જીડીપી ૨૩.૯ ટકા ઘટી છે. આ સમયગાળો લોકડાઉનનો હતો અને તેના કારણે કૃષિ ક્ષેત્રને છોડીને તમામ ઈકોનોમીક પ્રવૃત્તિઓ  ઠપ્પ થઈ ગઈ હતી. જેના પરિણામે જીડીપીમાં આ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રોજ ૯૦ થી ૯૫ હજાર કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે ગોલ્ડમેન સાક્સના વિશ્લેષકોનું માનવું છે કે સપ્ટેમ્બર-૨૦૨૦માં પુરી થતી બીજા ત્રણ માસ દરમિયાના ભારતના જીડીપીમાં ૧૩.૭ ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે અને ત્યારબાદ ડિસેમ્બરના ત્રણ માસમાં ૯.૮ ટકાનો જીડીપીમાં ઘટાડો આવી શકે છે. ભારતના જીડીપીમાં આ ઘટાડાનું અનુમાન સૌથી વધુ નિરાશાજનક માનવામાં  આવે છે.

દેશમાં વધતી જતી ઈકોનોમી ક્રાઈસીસના પગલે દેશનું અર્થતંત્ર હવે કઈ દિશામાં જશે ? અને તેની શું અસરો થશે ? તે અંગે પૂર્વ કેન્દ્રીય નાણાસચિવ સુભાષચંદ્ર ગર્ગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દેશની જીડીપી ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૧૦ થી ૧૧ ટકા સુધી ઘટી શકે છે. દેશની ઈકોનોમીના મુખ્ય ૩ ભાગ છે. જેમાં જુદાજુદા રૂપે આવક થાય છે. આ ત્રણભાગમાં પહેલો ભાગ કામદારો અને પગાર લેતા કર્મચારીઓનો છે, બીજો ભાગ નાના મોટા ઉદ્યોગપતિઓનો છે અને ત્રીજો ભાગ ટેક્સ લેતી સરકારનો છે. માની લઈને કે આ ત્રણેય ભાગ મળીને ૧૦૦ રૂપિયાની આવક કરે છે તો એમાંથી ૬૦ થી ૬૫ ટકા કામદારો અને પગાર લેનાર કર્મચારીઓમાંથી આવે છે. પછી ૧૫ થી ૨૦ ટકા આવક ઉદ્યોગપતિઓની છે અને ૨૦ થી ૨૫ ટકા સરકારની આવક છે. જો જીડીપીમાં ૧૦ ટકાનો પણ ઘટાડો નોંધાય તો તેના પ્રમાણમાં દરેકની આવક ઓછી થશે. અત્યારના આંકડાઓ પ્રમાણે ૧૦ ટકાના ઘટાડાથી અર્થવ્યવસ્થામાં ૨૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આમ જ્યારે આવક ઓછી થશે તો ખર્ચ પણ ઓછો થશે. અને તેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર પડવાની છે.પૂર્વ નાણાસચિવનું કહેવું છે કે બીજા ત્રિમાસિક ગાળામાં પણ અરર્થવ્યવસ્થામાં પણ ૧૨ થી ૧૫ ટકાની ઘટ રહેશે, ત્રીજા તબક્કામાં હાલત સુધરશે તો પણ ૪ થી ૫ ટકાનો ઘટાડો જીડીપીમાં રહેવાનો છે અને ત્યારબાદ ચોથા ત્રિમાસિક ગાળામાં હાલત સામાન્ય થઈ શકે છે. આ પ્રમાણે ૨૦૨-૨૧ માં જીડીપીમાં ૧૦ થી ૧૧ ટકાનો ઘટાડો થઈ શકે છે. પૂર્વ નાણાસચિવ સુભાષચંદ્રએ અગત્યની વાત એ કહી છે કે સરકારની ૨૫ માર્ચથી લોકડાઉન લગાવવાની નીતિ બરાબર ન હતી. તેના કારણે અર્થવ્યવસ્થા સંપૂર્ણ ઠપ થઈ ગઈ અને આર્થિક નુકસાન ખૂબ જ મોટું થયું છે. સરકારના લોકડાઉનના નિર્ણયથી કોરોના વાઈરસનો પ્રસાર અટક્યો પરંતુ અર્થવ્યવસ્થા ભાંગી પડી. સરકારે અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને  દેશમાં કોરોના અંગેની નીતિ બનાવવાની જરૂર હતી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન