લોકડાઉન.. પરિવારમાંથી ખોવાયેલો સંવાદ પાછો લાવીએ - Sandesh
  • Home
  • Columnist
  • લોકડાઉન.. પરિવારમાંથી ખોવાયેલો સંવાદ પાછો લાવીએ

લોકડાઉન.. પરિવારમાંથી ખોવાયેલો સંવાદ પાછો લાવીએ

 | 1:56 am IST

થોડા હટકે  :- પ્રસન્ન ભટ્ટ

સ્વેચ્છાએ ૨૧ કલાક ઘરમાં નહીં બેસી શકનારાઓ ૨૧ દિવસ માટે પરાણે ચાર દીવાલો વચ્ચે લોકડાઉન થઈ ગયા છે. કાન પર અથડાતો કે આંખે વંચાતો પ્રત્યેક સમાચાર નવા ઉચાટ સાથે પડઘાતો હોય ત્યારે વાંચક જો ઉપભોક્તા હોય તો તેના મનની શાંતિ આજના સમયે લેખકની વિશેષ જવાબદારી બની જાય છે. દેશ આપણી પાસે નાગરિક તરીકે વફાદારીનો પુરાવો માંગી રહ્યો છે. આ પરિસ્થિતિના ઉદ્ભવ માટે માત્ર અને માત્ર અપ્રાકૃતિક વિકાસઘેલછા એક જ જવાબદાર પરિબળ છે. પ્રકૃતિનો મિજાજ માનવજાત પ્રત્યે બદલાયેલો જણાય છે. કુદરત બધું સંતુલિત કરવા આક્રમક બની હોય તેવી અનુભૂતિ હવે અજાણી નથી. નહીં માનનારાઓએ માનવું જ પડે તેવા પુરાવા ભારતીય દસ્તાવેજોમાં હજારો વર્ષ પહેલાથી વ્યાખ્યાયિત છે.

આયુર્વેદના ગ્રંથોમાં કોરોના જેવા ઉપદ્રવનું સચોટ વર્ણન મહર્ષિ ચરક અને સુશ્રુતે ગ્રંથોમાં કરેલું છે. ‘ચરકસંહિતાક્રમાં ‘વિમાનસ્થાનક્ર એક અધ્યાય છે જેમાં ‘જનપદધ્વંશનીય વિમાનક્ર ત્રીજું પ્રકરણ છે. અહીં અગ્નિવેષે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ આત્રેય જણાવે છે કે, જલ, વાયુ, દેશ (જમીન) જ્યારે અતિશય પ્રદૂષિત થઈ જાય ત્યારે કાલ (ઋતુ) પ્રતિકૂળ થઈ વિકરાળ બને છે. આ સંવાદ વ્યાપક જાનહાનિનું કારણ બનતી મહામારીના સંદર્ભમાં થયેલો છે. આજે વિકાસના નામે વિનાશ તરફની દોટથી જલ, વાયુ, જમીનનું પ્રદૂષણ સમગ્ર વિશ્વમાં તેની પરાકાષ્ઠાએ છે. ઋતુ પ્રતિકૂળ હોવાનો પુરાવો આ સમયે ગુજરાતમાં થઈ રહેલા માવઠાંઓ આપી રહ્યા છે. ‘સુશ્રુતસંહિતા સૂત્રસ્થાનક્રના છઠ્ઠા અધ્યાય ‘ઋતુચર્યાક્રમાં થયેલું વર્ણન તો જાણે આજના કોરોના માટે જ છે. ખોટા કર્મ, અધર્મ, બેફામ પશુસંહાર અને પ્રકૃતિની અવહેલના જ્યારે વ્યાપક બનશે ત્યારે ‘રૂપધ્વશ્યંતી જનપદાઃ (જીવન પદ્ધતિનું વિકૃતિકરણ)ક્ર ‘વાયુનોપનિતે તેનાક્રમ્યતે (હવા ઝેરી બનશે)ક્ર ‘યોદેશસ્તત્ર દોષપ્રકૃત્ય વિશેષેણ (ઝેરી હવા એક દેશથી બીજા દેશમાં રોગ ફેલાવશે)ક્ર. રોગના લક્ષણો કાશ (ખાંસી), શ્વાસ (ફેફસાં), પ્રતિષ્યાય (નાકનું ગળવું), જ્વર (તાવ), સીરોરૂક (માથું દુખવું), વમથું (ઊલટી) વગેરે હશે.

આ તમામ માહિતીની પૂર્વભૂમિકા પછી હવે મથાળાની સાર્થકતા તરફ પ્રયાણ કરીએ. બંને મહર્ષિઓ આ રોગ થતાં પહેલા રોકવાની હિમાયત કરે છે. સુશ્રુતે સૂચવેલી સારવાર કે તકેદારીમાં સૌપ્રથમ ‘સ્થાનપરિત્યાગક્ર છે. જ્યાં છો ત્યાંથી ઘરે પહોંચી એકાંતવાસનું સૂચન છે. ત્યારબાદ પ્રાયિૃત, શાંતિકર્મ, જપ, તપ, મંગલ, નિયમ પાલન, દયા, દાન, દીક્ષા અને પ્રકૃતિ સાથે પરમાત્માને પ્રાર્થનાના સૂચન છે. સમજ્યા વિના આધુનિકરણ પાછળ દોડવામાં પોતાની ઓળખ આપણે ભૂલી ગયા છે. વિકસિત હોવાનો ફાંકો મારતા અમેરિકા અને ચીન કોરોના સામે પરાસ્ત થઈ ગયા છે. ભારત તો હજી વિકાસશીલ દેશ ગણાય છે. સંશાધનોની મર્યાદા અને સમજણની પંગુતા વચ્ચે કોરોનાને મહાત કરવાનો જ છે અને વિજ્ઞાન કોરોના સામે હારી ગયું છે ત્યારે જ્ઞાન એકમાત્ર આપણા બચાવનું હથિયાર છે. સમગ્ર બ્રહ્માંડ પર સામ્રાજ્ય સ્થાપવાના દાવા કરતું વિજ્ઞાન કોરોનાની કોઈ દવા ન હોવાની લાચારી જાહેર કરી ચૂક્યું છે. આયુર્વેદમાં તેનો ઉપચાર પણ બતાવાયો છે. જ્યારથી સમજતા થયા ત્યારથી ભ્રામક સફળતાની શોધમાં ભટકતા રહેલા આપણે જાણેઅજાણે પોતાની જાત અને પરિવાર સાથે સંવાદિતા ગુમાવી બેઠા છે. એક જ છત નીચે રહેતી ૩ પેઢીમાં એકબીજા સાથેનો કોઈ સંવાદ જ નથી રહ્યો. જેણે બોલતા શીખવ્યું તે મા-બાપને ઢળતી ઉંમરે દીકરો અને વહુ ચૂપ રહેવાની સૂચના આપે છે. ઉપરની બે પેઢી વચ્ચે સર્જાતા ભેંકાર મૌનને જોતી ત્રીજી પેઢીને તેમના માતા-પિતા સાથે તીવ્ર મતભેદની સ્થિતિ આજની સૌથી પેચીદી સમસ્યા છે. આ લોકડાઉન એક જ છત નીચે રહેતા વ્યક્તિઓ વચ્ચે વૈચારિક મનમેળની ઊંડી થતી જતી ખાઈને રોકવા સાથે પૂરી દેવાનો અવસર બની શકે. આ એવું વેકેશન છે જેમાં બાળકો મામાના ઘરે નથી જઈ શકવાના, પત્ની પિયર કે હોટેલ-મોલમાં જવાની જીદ કરી શકે એમ નથી, પતિ કામનું બહાનું કાઢી મિત્રો સાથે ફરવા જઈ શકવાનો નથી, આખો પરિવાર પણ કોઈ પ્રવાસ કરી શકે એમ નથી. ૨૪ કલાકમાં ૮ કલાકની ઊંઘ, દિનચર્યાના ૩ કલાક અને ૧ કલાક પ્રચાર માધ્યમો પાછળ ખર્ચાય તો પણ ૨૪ કલાકના દિવસમાં ૧૨ કલાક બાકી રહે છે. સમજણ મેળવ્યા પછી જે જીવન વિતાવ્યું તેનું સરવૈયું માંડવા, પોતાના બાળકો, પત્ની, વૃદ્ધ માતા-પિતા સાથેના વ્યવહારમાં શું ખોવાયું છે તેની શોધ કરવા આનાથી સારી કોઈ તક ઈશ્વર કરે બાકીના જીવનમાં ન મળે. ૨૧ દિવસના લોકડાઉનને ઈશ્વરે આપેલી તક સમજીએ. શું ગુમાવ્યું, શું મેળવ્યું તે પોતાની જાતને પૂછવાનો અભ્યાસ આપને હચમચાવી દેનારો હશે. સમાજ જે દિશામાં આગળ વધી રહ્યો હતો તે કદાચ પ્રકૃતિને ગ્રાહ્ય નથી. પ્રકૃતિ સઘળું સંતુલિત કરવા પર હોય તેવું જણાય છે. ૩૬ ડિગ્રીથી ઉપરના તાપમાને કોરોના વાઈરસ સમાપ્ત થઈ જાય છે અને ભારતમાં ઉનાળાની ઋતુ બેસી ગઈ હોવાથી કોરોનાનો ઉપદ્રવ આપણે ત્યાં નહીં આવે તેવી અવધારણા પ્રકૃતિએ ખોટી પાડી છે. માનવજાતથી કોપાયમાન કુદરત બરફના કરાં અને કમોસમી માવઠાં સાથે જાણે કોરોનાના પક્ષે હાહાકાર મચાવી રહ્યો છે. હજી સુધીના આંકડાનું ચિત્ર થોડી ધરપત આપનારું છે, પરંતુ સ્થિતિ હળવાસથી લઈ શકાય તેવી નથી જ. યમ, નિયમ, સંયમ અને પ્રાણાયામના આચરણમાં આગ્રહી આપણે ક્યાં આવી ગયા તેની સમીક્ષા કરીએ તે માટેની અનુકૂળતા કુદરતે આપી હોય તેવું બને. સુધરવાની તક ક્યારે પણ મોડી હોતી નથી. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર એ કહેવત આપણે ગળથૂથીમાં પીધેલી છે. કોરોનાની આફતને કારણે આવી પડેલી આ મજબૂરીને અવસરમાં બદલવાનું સામર્થ્ય કુદરતે સૌને આપેલું જ છે, જરૂર છે માત્ર તે દિશામાં પ્રયાસોને અગ્રિમતાના ક્રમે લેવાની. ક્વોરન્ટાઈનનો અર્થ સંસર્ગ નિષેધ કરી શકાય. આજે નકામા સંસર્ગથી દૂર રહી સ્વસંગનું આચરણ સાચી દેશભક્તિ તો ગણાશે જ સાથે પારિવારિક માધુર્યનો પણ આસ્વાદ આપશે. રહેવું પડે માટે સાથે રહેતા લોકોથી ઊભરાતા મકાનોને સાથે રહેતા પરિવારના ઘર બનાવવા આ લોકડાઉનની ફરજિયાત ઘરબંધીના કાળમાં સ્વ મૂલ્યાંકનનો સ્વાધ્યાય કરીએ. શરીરથી સાથે રહેતા અને હૃદયથી અળગા થઈ ગયેલા આપ્તજનો સાથે ખોવાયેલી સંવાદિતતા પાછી પૂર્વવત  સ્થાપિત કરીએ.

અને છેલ્લે…

મનુષ્ય સિવાયની આખી જીવસૃષ્ટિ આઝાદ છે. ઘરમાં બંધ છે એવા ૧૩૫ કરોડ  લોકો જે નાત-જાત, ધર્મ, વાડામાં વહેંચાયેલા છે. પરસ્પર નફરત કુદરતને સ્વીકાર્ય નથી. કુદરતે આ દુનિયા જીવ માત્રને પ્રેમથી રહેવા આપી હતી. મનુષ્ય સિવાયના જીવો પ્રકૃતિ સાથે વફાદાર રહ્યા માટે આજે પણ આનંદ કરે છે. મનુષ્ય તેણે પ્રકૃતિ સાથે આચરેલી વિકૃતિનો દંડ ભોગવી રહ્યો છે. કોરોનાનો મૃત્યુદર સરેરાશ પાંચ ટકા ગણી શકાય. હજી પણ નહીં સુધરીએ તો કોરોનાના આધુનિક અવતરણો પ્રકૃતિ પાસે તૈયાર જ છે અને તે કોઇ પાસે આધારકાર્ડના પુરાવા નથી માગતા.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન