Lok Sabha Elections 2019: List of Congress candidates by the end of February will be ready!
  • Home
  • Ahmedabad
  • લોકસભા ચૂંટણી 2019: ફેબ્રુઆરીના અંત સુધીમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી થશે તૈયાર!

લોકસભા ચૂંટણી 2019: ફેબ્રુઆરીના અંત સુધીમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી થશે તૈયાર!

 | 8:14 pm IST

લોકસભાની ચૂંટણીઓ નજીક આવતાં જ તમામ પાર્ટીઓમાં ટિકિટવાંચ્છુઓમાં હોડ જામી રહી છે. ટિકિટના મામલે પક્ષમાં અસંતોષ અને બળવા પર પહેલેથી જ લગામ લગાવવાનો પ્રયાસ કરતાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પાર્ટીના પ્રદેશપ્રમુખો અને વિધાનસભાનેતાઓ સાથે શનિવારે મોડેથી યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, પાર્ટીએ રાજ્યસભાના સાંસદો, વિધાનસભાના સીટિંગ એમએલએ અને તેમના પરિવારજનોને લોકસભાની ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાંક કોંગ્રેસશાસિત રાજ્યોના મંત્રીઓ પોતાનાં સંતાનોને રાજનીતિમાં લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસપ્રમુખનો નિર્દેશ આ પ્રકારની પરંપરા તોડવાનો છે, જોકે તેમાં થોડી છૂટછાટ પણ રાખવામાં આવી છે. અપવાદરૂપ કિસ્સાઓમાં કોંગ્રેસપ્રમુખનો નિર્ણય અંતિમ ગણાશે. દાખલા તરીકે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનો પુત્ર નકુલ છિંદવાડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. સીએમ બન્યા પછી કમલનાથે આ બેઠક ખાલી કરી છે.

25મી ફેબ્રુઆરી સુધી સંભવિતોની યાદી મોકલી આપવા રાજ્ય કોંગ્રેસ એકમોને આદેશ

કોંગ્રેસ દ્વારા જારી કરાયેલાં એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગીના મામલે રાહુલ ગાંધીએ વ્યાપક પગલાંનો નિર્દેશ આપ્યો છે. કોંગ્રેસપ્રમુખ ઇચ્છે છે કે, ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીના મહત્તમ હોદ્દેદારો અને કાર્યકરોની ભૂમિકા હોય. કોંગ્રેસપ્રમુખે જેમ બને તેમ ઝડપથી ઉમેદવારોની પસંદગીપ્રક્રિયા પૂરી કરવાની સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુુસાર તમામ રાજ્યની કોંગ્રેસસમિતિઓને 25મી ફેબ્રુઆરી સુધીમાં તેમનાં રાજ્યોની તમામ લોકસભાની બેઠકો પર સંભવિત ઉમેદવારોનાં નામ હાઇકમાન્ડને મોકલી આપવાનો આદેશ અપાઈ ચૂક્યો છે. પાર્ટી ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉમેદવારો પર નિર્ણય લઈ લેવા માગે છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિઓની ઇચ્છા પ્રમાણે જ ગઠબંધન થશે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પ્રાદેશિક પક્ષો સાથેનાં ગઠબંધન પર પણ સ્પષ્ટ સંકેત આપતાં જણાવ્યું હતું કે, રાજ્યોનાં કોંગ્રેસ એકમોની ઇચ્છાના આધારે જ પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધનનો નિર્ણય લેવાશે. રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસપ્રમુખ સોમેન મિત્રાને જણાવ્યું હતુું કે, બંગાળ કોંગ્રેસ જે નિર્ણય લેશે તેને હાઇકમાન્ડ માન્ય રાખશે. હાઇકમાન્ડ પોતાનો નિર્ણય થોપી બેસાડશે નહીં. પ્રદેશ કોંગ્રેસ સમિતિઓનાં મંતવ્યોને ગઠબંધન માટે ગંભીરતાથી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન