Jammu and Kashmir Bill Pass in Lok Sabha, 367 vs 67
  • Home
  • Featured
  • ’56 ઈંચ’ની છાતી વાળી મોદી સરકારે રચ્યો ઈતિહાસ, જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ વટ કે સાથે પાસ

’56 ઈંચ’ની છાતી વાળી મોદી સરકારે રચ્યો ઈતિહાસ, જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ વટ કે સાથે પાસ

 | 7:17 pm IST

જમ્મુ-કાશ્મીર રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવા સંબંધીત જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ રાજ્યસભામાં મંજૂરી મળ્યાના એક જ દિવસ બાદ લોકસભામાં પણ પાસ થઈ ગયું છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર કરશે તે સાથે જ આ બિલ કાયદો બનશે. આ સાથે જ રાજ્યસભા બાદ લોકસભામાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 પણ રદ્દ કરવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે.

જમ્મુ-કાશ્મીર રાજ્ય પુન:ગઠન બિલ લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું. આ મામલે લોકસભામાં આ મામલે ભારે તીખી ચર્ચા થઈ હતી. આખરે લાંબી ચર્ચા બાદ મતદાન કરવામાં આવ્યું હતું. બિલના સમર્થનમાં 367 અને વિરોધમાં 65 મત પડ્યા હતાં. જ્યારે એક સાંસદ ગેરહાજર રહ્યાં હતાં. કુલ 424 સભ્યો હાજર હતાં. મતદાન દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના પરિણામે 3 વાર મતદાન કરાવવામાં આવ્યું હતું.

બિલ પર આજે આખો દિવસ ચાલેલી ચર્ચા બાદ ગૃહમંત્રી અમિત શાહે સદનને વિશ્વાસ અપાવ્યો હતો કે, જમ્મુ-કાશ્મીર સામાન્ય સ્થિતિ થશે યારે તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. બિલ અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી અલગ થઈ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે પણ તેને વિધાનસભા નહીં હોય. જમ્મુ-કાશ્મીર પણ હવેથી કેન્દ્ર શાશિત પ્રદેશ બનશે પણ તેની પાસે વિધાનસભા રહેશે. બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના એક એક સવાલના જવાબ અને સંદેહનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ 370ના કારણે જમ્મુ-કાશ્મીરને થયેલા નુંકશાનનો ચિતાર આપ્યો હતો અને તેને આતંકવાદનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. તેમણે કલમ 370ને વિકાસ વિરોધી, મહિલા વિરોધી, દલિત વિરોધી અને આદિવાસી વિરોધી ગણાવ્યું હ્તું અને જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા સ્પેશિયલ રાજ્યના દરજ્જો ખતમ કરવાને એક ઐતિહાસિક ભૂલને સુધારવાનું ઐતિહાસીક પગલુ ગણાવ્યું હતું. શાહે બિલ પસાર કરાવવાની પ્રક્રિયા પર ઉઠેલા સવાલનો પણ જવાબ આપ્યો હતો અને તર્કો સાથે જણાવ્યું હતું કે, આ બિલ સંવિધાનસમ્મત પ્રક્રિયા અંતર્ગત લાવવામાં આવ્યું હતું.

આજે લોકસભામાં જમ્મુ-કાશ્મીર મામલે અમિત શાહે ‘ભારત માતા કી જય’ અને ‘જહાં બલિદાન હુએ મુખર્જી વો કશ્મીર હમારા હૈ’ના નારા વચ્ચે બિલને લઈને એક એક સવાલોના જવાબ આપ્યા હતાં. તેમણે આ બિલને એક ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો.  

શાહે જણાવ્યું હતું કે, 70 વર્ષ સુધી ચર્ચા જ કરવામાં આવી પણ કોઈ જ સમાધાન થઈ શક્યું નહીં. પણ આજે 70 વર્ષનું જે દુખ હતુ તે દુર થયુ જેનો એટલો બધો તો આનંદ થઈ રહ્યો છે કે તે વર્ણવી શકાય તેમ નથી. આપણે સૌ ક્યારે પંજાબ, તમિળનાડુ, ગુજરાત ભારતના અભિન્ન અંગ છે એવું ક્યારેય નથી બોલત, આમ એટલા માટે હતું કારણ કે 370 એ લોકોના મનમાં એક શંકાસ્વરૂપે હતી. પણ આજે આ કલંક મટી ગયું છે. કલમ 370 જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડી રાખતી હોવાની દલીલ અપાતી હતી  પણ હકીકત એ હતી કે આ જ કલમ જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડતી રોકતી હતી. હવે આ અડચણ હંમેશા માટે દૂર થઈ જશે.

સાથે જ તેમણે પીઓકે ને લઈને કહ્યું હતું કે, આ મામલે અમારો દાવો એટલો જ મજબુત છે, જેટલો અગાઉ હતો. આ બિલમાં પીઓકે અને અક્સાઈઝ ચીન એમ બંનેનો ઉલ્લેખ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન