લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવી અશક્ય - Sandesh
  • Home
  • Columnist
  • લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવી અશક્ય

લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવી અશક્ય

 | 1:18 am IST

રાજકીય લેખાંજોખાં :-  વિનોદ પટેલ

૧૯૫૧-૫૨માં ભારતમાં યોજાયેલી સૌપ્રથમ ચૂંટણીઓમાં લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી. એ પછી ત્રણ ચૂંટણીઓ ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭ની ચૂંટણીઓ પણ એકસાથે યોજાઈ હતી. એ પછી ૧૯૬૮ અને ૧૯૬૯માં અમુક વિધાનસભાઓને બરખાસ્ત કરવામાં આવતાં આ એકસાથે ચૂંટણીઓ યોજવાનું ચક્ર પહેલી વાર ખોરવાયું. એ પછી કાળક્રમે ૧૯૭૦માં ચોથી લોકસભાનું જ મુદત પહેલાં વિસર્જન થયું અને ૧૯૭૧માં લોકસભાની ચૂંટણી યોજવામાં આવી, આમ આ પ્રક્રિયા લોકતાંત્રિક કારણોસર ખોરવાઈ છે.

સવાલ એ છે કે આ કારણોનો ઉકેલ શોધાયો છે ખરો? જ્યાં સુધી આ કારણોનું નિવારણ ન શોધાય ત્યાં સુધી એકસાથે ચૂંટણી યોજવા માટેના ધમપછાડા નકામાં છે, કારણ કે એક વાર એકસાથે ચૂંટણી યોજવાનું નક્કી કરવાથી વિધાનસભાઓ અને લોકસભાને બરખાસ્ત કરવાની કદી નોબત જ નહીં આવે તેની શી ખાતરી?

વળી, હાલ ચૂંટણી પંચ જ્યારે ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યમાં ચૂંટણી યોજે ત્યારે તેને પાંચ તબક્કામાં યોજવી પડે છે, તેનું કારણ સ્રોતોની અછત છે, જ્યારે એક મોટાં રાજ્યમાં એકસાથે ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ પાસે પૂરતાં સાધનો નથી ત્યાં આખા દેશમાં એકસાથે ચૂંટણી યોજવાનું કેવી રીતે શક્ય બને? વળી ઈવીએમ મશીનોની મોકાણ મોટી છે. એકસાથે આટલાં બધાં ઈવીએમ મશીનો તહેનાત કરવાનું શક્ય હોય તો પણ પછી તેને પાંચ વર્ષ સુધી બીજી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી  મૂકી રાખવાનો વિચાર વ્યહવારૂ નથી, કેમ કે પાંચ વર્ષમાં ન વપરાયેલી વિજાણુ ચીજ ફરી પહેલાંની જેમ જ કામ કરે તે શક્ય નથી.

આ ઉપરાંત કાનૂની નજરે જોઈએ તો દેશમાં એકસાથે ચૂંટણી યોજવા માટે હવે ઘણા કાયદાઓ સુધારવા પડે તેમ છે. વચ્ચેનાં વર્ષોમાં જે કાયદા ઘડવામાં આવ્યા તેને કારણે હવે એકસાથે ચૂંટણી યોજવાનું બંધારણીય સુધારા કર્યા વિના શક્ય રહ્યું નથી.

કાયદાઓમાં સુધારા કરી તેનો અમલ કરવાની બાબતે ભાજપ સરકારનો અનુભવ દેશ માટે સુખદ નથી. સેલ્સટેક્સને સ્થાને જીએસટી લાવવામાં આવ્યો પરંતુ હજી આ ક્રાંતિકારી કાનૂની સુધારાના સંભવિત ફાયદા લોકો સુધી પહોંચ્યા નથી, વળી એકસાથે ચૂંટણી યોજવાની વાત એકવખત પૂરતી નથી એટલે તેને ટકાવવા માટે પણ સંખ્યાબંધ કાયદામાં સુધારા કરવા પડશે, જેમ કે પક્ષાંતર વિરોધી કાયદો, વળી પક્ષના વ્હીપની અસરકારકતા જે રીતે ઘટી રહી છે તે જોતાં તેની પકડ મજબૂત બનાવવી જરૂરી છે, નહીં તો ત્રિશંકુ વિધાનસભાઓ માટે તૈયાર રહેવું પડશે.

એક દલીલ એવી કરવામાં આવે છે કે એકસાથે ચૂંટણીઓ યોજવામાં આવે તો વિકાસ ઝડપથી થાય. પ્રથમ પંદર વર્ષમાં ત્રણ ચૂંટણીઓ એકસાથે યોજાયેલી ત્યારે ભારતે કેટલો વિકાસ કરી નાખ્યો હતો, વારુ, હકીકત એ છે કે સરકારી નિયત સાફ હોય, નીતિઓ દેશલક્ષી હોય અને અસરકારક વહીવટ હોય તો વિકાસ આપોઆપ થાય છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે આપણા રાજકારણીઓને ખુરશી છોડવાની વાત આવે તે ગમતું નથી. લોકોને યેનકેનપ્રકારેણ અવળા પાટે ચડાવી દઈ આજકાલના ચાલાક શાસકો પોતાનો કક્કો કરો રાખવા માટે કોઈપણ હદે જતાં અચકાતા નથી.

એક બાબત તો એ છે કે જ્યારે ભાજપનો ચૂંટણી વિજયરથ સડસડાટ ભાગતો હતો ત્યારે બીજી મુદત માટે પણ સત્તા શા માટે અંકે ન કરી લેવી એવા તુક્કામાંથી આ એકસાથે ચૂંટણીનો વિચાર રમતો કરવામાં આવ્યો હતો પણ હવે ભાજપનો ચૂંટણી વિજયરથ ગુજરાતમાં ડચકાં લીધા બાદ હવે કર્ણાટકમાં અટકી પડયો હોવાથી ભાજપનો સત્તાનો મદ ધીમે ધીમે ઊતરી રહ્યો છે. એક વખતે કોંગ્રેસમુક્ત ભારતની શેખી કરનારાઓ હવે સત્તા સાચવવા માટે સાથી પક્ષોને પટાવવા માટે આંટા મારતા થઈ ગયા છે. આ સંજોગોમાં એકસાથે ચૂંટણી યોજવાનો જુગાર ખેલવા માટે ભાજપ તૈયાર થાય તેમ લાગતું નથી.

મૂળ મુદ્દો એ છે કે એકસાથે ચૂંટણીઓ યોજવાની વાત રાષ્ટ્રીય પક્ષોને માફક આવે તેમ છે પણ તેમાં પ્રાદેશિક પક્ષોનો ખો નીકળી જાય તેમ છે. ભારતમાં ભાજપ અને કોંગ્રેસ જેવા નેશનલ પક્ષ પાસે કરોડો રૂપિયાનું ભંડોળ છે પરંતુ બીજી પ્રાદેશિક પાર્ટીઓને તો ચૂંટણી લડવાના ભંડોળ ક્યાંથી મેળવવા એ સવાલ છે. ચૂંટણી જાહેર કરવામાં આવે તો આવા પક્ષો ચૂંટણીઓ લડવા માટે ભંડોળ ક્યાંથી અને કેવી રીતે લાવશે તે પણ એક સવાલ છે. જો એકસાથે કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ યોજવામાં આવે તો મોટા રાજકીય પક્ષો સ્થિરતા અને વિકાસનાં નામે પ્રજાને ઊંઠા ભણાવે તે વાતમાં કોઈ શંકા નથી, જેમાં બહુપક્ષી લોકશાહીનો ખો નીકળી જાય તેમ છે. પહેલાં તો રાજકીય પક્ષોએ તેમની આવકજાવકના હિસાબો ચોખ્ખા કરવાની જરૂર છે. મોટા રાજકીય પક્ષો વાર્ષિક સરવૈયાં નિયમિત રજૂ કરવામાં પણ અખાડા કરે છે. પહેલાં પાયાના સ્તરે સુધારા કરવા પડશે પછી ચૂંટણી કેમ કરવી તે નક્કી કરવું જોઈએ.