લોકગાયિકા રેશમાએ ગાયકીના દમ પર સિતારા-એ-ઈમ્તિયાઝનું સન્માન મેળવ્યું - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • લોકગાયિકા રેશમાએ ગાયકીના દમ પર સિતારા-એ-ઈમ્તિયાઝનું સન્માન મેળવ્યું

લોકગાયિકા રેશમાએ ગાયકીના દમ પર સિતારા-એ-ઈમ્તિયાઝનું સન્માન મેળવ્યું

 | 12:43 am IST

સિનેજગતના સૂર-તાલ : સેજલ ભાટિયા

શમીમ અહમદ ખાન  

શમીમ અહેમદ ખાન જાણીતા સિતારવાદક અને સંગીતકાર હતા. તેમાં પણ ખાસ તેઓ પંડિત રવિશંકરના શિષ્ય હતા. તેમણે ઓગણત્રીસ વર્ષની વયથી સોલો રેકોર્ડિંગથી સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. શમીમ ખાને લિંકન સેન્ટર ખાતે કાર્નગી હોલમાં અને ગ્રિફિથ સેન્ટર ખાતે સંગીતના સૂરો રેલાવ્યા હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રેરક શમીમ ખાને બડી રિચ અને પાઉલ હોર્ન જેવા પાશ્ચાત્ય સંગીતકારો સાથે પણ સૂરથી સૂર મિલાવ્યા હતા.

નાની ઉંમરમાં જ શમીમ ખાને પિતા ઉસ્તાદ ગુલામ રસૂલ ખાન સાથે મળીને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની રજૂઆત કરી હતી. તેમના પિતા સંગીતના આગ્રા ઘરાનાના જાણીતા સંગીતકાર અને ગાયક હતા. જોકે ટાઈફોઇડ થયા બાદ શમીમ ખાને ગાયકી છોડીને સિતારમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. ૧૯૫૧માં જ્યારે શમીમ ખાન બરોડા મ્યુઝિક કોલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન (જેને હવે બરોડા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી તરીકે ઓળખાય છે) અમદાવાદના સંગીત સંમેલનમાં તેમની મુલાકાત પંડિત રવિશંકર સાથે થઈ હતી. તે દિવસે તેમના દાદા કાકા ઉસ્તાદ ફૈયાઝ ખાનની પ્રથમ પુણ્યતિથિ હતી. શમીમ ખાનના પિતાએ તેમની પંડિત રવિશંકર સાથે ઓળખાણ કરાવી અને સંગીત પ્રત્યેની તેમની રુચિથી માહિતગાર કર્યા. થોડાં વર્ષ પછી યુવાન શમીમ ખાન ફરી એકવાર પંડિત રવિશંકરને ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા આયોજિત એક સંગીત સ્પર્ધામાં મળ્યા, જ્યાં તેમણે તેમના માટે સિતાર પણ વગાડયું હતું. ડિસેમ્બર ૧૯૫૫માં પંડિત રવિશંકરે ઉસ્તાદ ગુલામ રસુલને તેમના પુત્ર શમીમ ખાન સાથે પચારિક રીતે દિલ્હીસ્થિત તેમના ઘરે આમંત્રણ આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન રવિશંકર શમીમ ખાનના ગુરુ બન્યા. તેમના ગુરુસમાન એવા રવિશંકરના ચારિત્ર્યનું શિસ્ત, ભક્તિ અને કરુણા એમ ત્રણ શબ્દોમાં વર્ણન કર્યું હતું. ૧૯૫૮માં તેમણે ભારત સરકાર તરફથી સંગીતની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી. ૧૯૬૦માં તેમણે મુંબઈ જઈ તેમના ગુરુ પંડિત રવિશંકરની સંગીત સંસ્થા કિન્નરા સ્કૂલ ઓફ મ્યુઝિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. જે લોકો શમીમ ખાનને જાણતા હતા તેઓ તેમને નમ્ર અને વિનયી માનતા હતા.

રાજીવ તારાનાથ  

રાજીવ તારાનાથ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા સંગીતકાર છે. તેમણે સંગીતવાદ્ય સરોદમાં મહારથ હાંસલ કરી છે. તેઓ અલી અકબર ખાનના શિષ્ય પણ રહી ચૂક્યા છે. રાજીવ તારાનાથનો જન્મ ૧૭ ઓક્ટોબર, ૧૯૩૨માં બાંગ્લાદેશમાં થયો હતો. સંગીતનું પ્રારંભિક જ્ઞાન તેમણે તેમના પિતા પંડિત તારાનાથ પાસેથી મેળવ્યું હતું. જ્યારે તેઓ નવ વર્ષના હતા ત્યારે તેમણે પહેલી વખત સંગીતના જાહેર કાર્યક્રમમાં ગાયકીના સૂરો રેલાવ્યા હતા. તેમજ વીસ વર્ષે તેમણે ઓલ ઈન્ડિયા રેડિયોમાં પોતાની ગાયકીથી દર્શકોને ડોલાવ્યા હતા. રાજીવ તારાનાથે સાહિત્યમાં પીએચ.ડીની ડિગ્રી મેળવી છે, પરંતુ તેમણે પ્રાદેશિક ઈજનેરી કોલેજ તિરુચિરાપલ્લીમાં પ્રોફેસર અને અંગ્રેજી સાહિત્યના વડા તરીકેની નોકરી છોડવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ તેઓ કલકત્તા ગયા અને ત્યાં તેમણે અલી અકબર ખાન પાસેથી સંગીતનું જ્ઞાન મેળવ્યું. રાજીવ તારાનાથે તેમના ગુરુ અલી અકબર ખાનના નિધન સુધી એટલે કે ૨૦૦૯ સુધી તેમની પાસેથી જ સંગીત શીખતા રહ્યા. આ ઉપરાંત તેમણે રવિશંકર, અન્નપૂર્ણા દેવી, નિખિલ બેનર્જી અને આશિષ ખાન પાસેથી પણ સંગીતનું જ્ઞાન મેળવ્યું. તેમને ભારતનાં કેટલાંક સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન મેળવ્યાં છે, જેમાં ૨૦૧૯માં પદ્મશ્રી પુરસ્કાર અને ૧૯૯૯ -૨૦૦૦માં સંગીત નાટક અકાદમી પુરસ્કારનો સમાવેશ થાય છે. રાજીવ તારાનાથે ફોર્ડ ફાઉન્ડેશનના નિષ્ણાત તરીકે મૈહર – અલ્લાઉદ્દીન ઘરાનાની અધ્યાપન તકનીકનું સંશોધન કર્યું અને પ્રકાશિત કર્યું. તેઓ તેમની વિશિષ્ટ શૈલી, તકનીકી શ્રેષ્ઠતા, કાલ્પનિક શક્તિ અને ભાવનાત્મક શ્રેણી માટે જાણીતા છે. રાજીવ તારાનાથે ભારત ઉપરાંત વિદેશોમાં પણ સરોદના સૂરોથી શ્રોતાઓને ડોલાવ્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયા, યુરોપ, યમન, યુએસ અને કેનેડા જેવા દેશોમાં પોતાના સંગીતનો હુનર દર્શાવ્યો છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલી સંસ્કાર, કંચના સીતા અને કડવું જેવી ભારતીય ફિલ્મો માટે સંગીત આપ્યું છે. હાલમાં તેઓ કર્ણાટકના મૈસૂર શહેરમાં સંગીતશિક્ષક તરીકે ફરજ બજાવે છે.

રેશમા  

રેશમા પાકિસ્તાનની જાણીતી લોકગાયિકા હતી. સંગીતની દુનિયામાં તેમને સિતારા- એ-ઈમ્તિયાઝથી નવાજવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં ત્રીજો સર્વોચ્ચ સન્માન અને નાગરિક પુરસ્કાર છે. રેશમાને આજે પણ લોકગીતો અને તેમના મધુર અવાજ માટે યાદ કરવામાં આવે છે. રેશમાનો જન્મ ૧૯૪૭માં રાજસ્થાનમાં બંઝારા પરિવારમાં થયો હતો. દેશના ભાગલા બાદ તેમના પરિવારનું કરાંચીમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રેશમાં બાર વર્ષનાં હતાં ત્યારે એક વખત સિંધના સિહવાનમાં લાલ શાહબાઝ કલંદરની દરગાહ પર તેઓ ગાયકીના સૂરો રેલાવતાં હતાં. તે જ વખતે ત્યાંના સ્થાનિક સંગીત નિર્માતાની નજર તેમના પર પડી અને તેમને રેડિયોમાં ગાવાની તક આપી. રેશમાએ તે સમય દરમિયાન પાકિસ્તાની રેડિયો પર અનેક લોકગીતો રેકોર્ડ કર્યાં અને શ્રોતાઓનું દિલ જીત્યું. લાલ મેરી…તેમની સંગીત કારકિર્દીનું પહેલું ગીત હતું, જે ઘણું સફળ રહ્યું હતું. ત્યારબાદ ૧૯૬૦માં એક પછી એક અનેક ટેલિવિઝન કાર્યક્રમોમાં પોતાની ગાયિકીનું કૌશલ બતાવ્યું અને પ્રસિદ્ધિ મેળવી.

રેશમાએ સંગીતની કોઈ પચારિક તાલીમ લીધી નહોતી. તેણે પોતાનું મોટાભાગનું બાળપણ પાકિસ્તાનના સિંધમાં સંતોની મજારોમાં (મંદિર)માં ગાઈને વીતાવ્યું હતું. રેશમાએ તેમની સંગીત કારકિર્દી દરમિયાન પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગ અને ભારતીય ફિલ્મ ઉદ્યોગ એમ બંને માટે ગાયું છે. તેમની ગાયકીની સફર દરમિયાન ‘લાલ મેરી’, ‘હૈ ઓ રબ્બા નઈઓ લગદા દિલ મેરા’, ‘અંખીયાનનું રહેને દે’ અને ‘લંબી જુદાઈ’ જેવાં ગીતો તેમના માટે યાદગાર છે. રેશમાએ સુભાષ ઘાઈની ફિલ્મ ‘હીરો’માં ‘લંબી જુદાઈ’ ગીતથી ઘણી વાહવાહી મેળવી હતી. આખરે ઘણાં વર્ષોથી ગળાના કેન્સરથી પીડાતી રેશમા ૩ નવેમ્બર, ૨૦૧૩ના રોજ પાકિસ્તાનના લાહોરમાં અંતિમ શ્વાસ લીધા. આમ, રેશમાની સંગીતસફર ઘણી રોમાંચક અને યાદગાર રહી છે.

[email protected] sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન