લોકમાંગલ્યનો પર્યાય : તહેવાર - Sandesh

લોકમાંગલ્યનો પર્યાય : તહેવાર

 | 4:09 am IST

(ગતાંકથી ચાલુ)

વીર વિક્રમનું નવું વર્ષ આપણા દેશના કેટલાક ભાગમાં ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ‘નૂતન વર્ષાભિનંદન’ કે ‘સાલ મુબારક’ જેવાં વાક્યોથી પરસ્પરનું અભિવાદન કરવામાં આવે છે. હિંદુ ધર્મનાં બધાં મંદિરોમાં પૂજા, દર્શન, આરતી વગેરે યોજાય છે. કેટલાંક સંપ્રદાયમાં અન્નકૂટ પણ દેવની આગળ ધરવામાં આવે છે, અને એ અન્નકૂટનો પ્રસાદ પ્રાપ્ત કરીને શ્રદ્ધાળુઓ પોતાને ખૂબ ધન્ય માને છે. દૂર રહેલાં સ્વજનોને, મિત્રોને ટેલિફોન કે પત્રથી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

ભાઈબીજને દિવસે ભાઈ, બહેનને ઘેર જમવા માટે જાય છે, પરસ્પર મંગલભાવના અને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે. બહેન ભાઈને પ્રગતિ અને સર્વાંગી સુખની શુભેચ્છાઓ પાઠવે છે. ભાઈ બહેનને યોગ્ય ભેટ-સોગાદ આપી આનંદ અનુભવે છે.

લાભ પાંચમનાં દિવસથી વેપારીઓ નવા વષૅે વેપારનાં મંગલાચરણ કરે છે, નવા સોદાઓ કરે છે અને પરસ્પરને શુભેચ્છા પાઠવે છે. એપ્રિલ ૧લીથી નાણાંકીય વર્ષનો આરંભ ગણવામાં આવતો હોવાથી આ દિવસનું મહત્ત્વ હવે પહેલાંના જેટલું રહ્યું નથી. છતાં મુહૂર્તનાં સોદા માટે અનેક વેપારીઓ આ દિવસ પસંદ કરી, પોતપોતાના ઈષ્ટદેવને વંદન-સ્મરણ-પૂજા વગેરે માંગલિક કાર્યોથી નવા વર્ષના કામનો આરંભ કરે છે.

૧૪મી જાન્યુઆરી – મકરસંક્રાંતિ વૈજ્ઞાાનિક તહેવાર છે. આ દિવસે સૂર્યની દક્ષિણ ગોળાર્ધની ગતિ પૂર્ણ થાય છે અને એ ઉત્તર ગોળાર્ધ તરફ ગતિ કરવા લાગે છે, તેથી એને ઉત્તરાયણ પણ કહે છે. પોષ મહિનામાં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી જ આને મકરસંક્રાંતિ કહે છે. સંક્રાંતિ એટલે સમ્યક્ ક્રાંતિ. હિન્દુસ્તાનના વિવિધ રાજ્યમાં, વિવિધ રીતે આ તહેવાર ઉજવાય છે. ગુજરાતમાં પતંગ ઉડાડીને, તમિલનાડુમાં પોંગલની ઉજવણી કરીને, લણણીનો ઉત્સવ ઉજવીને, કેરળમાં ફૂલો-રંગોળીના શણગાર કરીને, નૌકાસ્પર્ધાઓ યોજીને, નદીના પટમાં દીપ પ્રગટાવી, દીપની પૂજા કરી, નદીના પ્રવાહમાં તરતાં મૂકીને, સંગમના પવિત્ર સ્નાનથી, મહારાષ્ટ્રમાં ‘તિલગુળ’ તલનાં લાડુ એકબીજાને પ્રેમથી આપી તથા ગૌપૂજા કરીને, બ્રાહ્મણોને દાન આપીને, દક્ષિણા આપીને તહેવારને અનોખી રીતે ઉજવવામાં આવે છે.

મહાશિવરાત્રી મહા માસની વદ ૧૪ને મહાશિવરાત્રી તરીકે ગણવામાં આવે છે. મહાશિવરાત્રી ઉત્સવ નથી પણ વ્રત છે. શિવભક્તોનું આ ઉત્તમ આરાધના પર્વ છે. હરણું પણ આપણા જીવનને નવો બોધ આપે છે. સહજપણે સાધના કરીએ અને શિવના-કલ્યાણને પામીએ. સૃષ્ટિને પ્રત્યેક તંતુ સાથે આત્માના તાર જોડી સાચી મહાશિવરાત્રી મનાવવાની છે. (ક્રમશઃ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન