LokSabha Election 2019: Arun Jaitley Wants to Contest From Gujarat
  • Home
  • Baroda
  • અરૂણ જેટલીની ગુજરાતની આ સીટ પરથી ચૂંટણી લડવાની ઉત્સુક્તાથી પાર્ટીમાં આશ્ચર્ય!

અરૂણ જેટલીની ગુજરાતની આ સીટ પરથી ચૂંટણી લડવાની ઉત્સુક્તાથી પાર્ટીમાં આશ્ચર્ય!

 | 8:16 am IST

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ વડોદરા લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઝુકાવવા રસ દાખવ્યો છે. આ સંદર્ભે વડોદરામાં એમના તરફથી હલચલ થઇ હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલા અરુણ જેટલી રાજ્યસભામાં ભાજપના નેતા છે અને વડોદરામાં કરનાલી ગામ વિકાસ માટે એમણે દત્તક લીધેલું છે.

દરમિયાન રવિવારે રાજ્ય ભાજપની ચૂંટણી સમિતિ યાને સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના રાજ્ય એકમના ચૂંટણી પ્રભારી ઓમ માથુર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વગેરેએ ૧૧ લોકસભા બેઠકોના નિરીક્ષકો સાથે દાવેદારોના નામોની ચર્ચા કરી હતી.

જો કે પક્ષના સૂત્રો કહે છે કે, સેન્સ લેવાના નામે નોન-સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, આખરે તો પક્ષનું હાઇકમાન્ડે નક્કી કરેલા ઉમેદવારો જ મેદાનમાં આવશે. સોમ-મંગળ પણ રાજ્ય ચૂંટણી સમિતિ આ જ રીતે નિરીક્ષકોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવાની છે. 

રવિવારે જ એસટી અનામત બેઠકો-છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, બારડોલી તથા નવસારી, સુરત, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા અને ભરૂચ માટે ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોના નામોની વિસ્તૃત ચર્ચા હાથ ધરાઇ હતી. સૂત્રો એમ કહે છે કે, ખેડા, આણંદ, નવસારી અને દાહોદના વર્તમાન સાંસદોને ફરીવાર ટિકિટ અપાય તેવો વર્તારો છે.

બે મહામંત્રી ચૂંટણી લડવા ઉત્સુક

ભાજપના બે પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર તથા શબ્દશરણ બ્રહ્મભટ્ટ ચૂંટણી લડવા આતુર હોવાનું પાર્ટી સૂત્રો જણાવી રહ્યા છે. ભરતસિંહે અગાઉ પણ ભરૂચ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે ઉત્સુક્તા દર્શાવી હતી.

જ્યારે અમદાવાદ પશ્ચિમ માટે નિરીક્ષકનો રોલ ભજવનારા શબ્દશરણ બ્રહ્મભટ્ટ વડોદરા બેઠક માટે રસ ધરાવે છે, એમણે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ અકોટાથી લડવા ઉત્સુક્તા બતાવી હતી, એમ સૂત્રો ટાંકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન