લંડનમાં દર્દીઓની જાતીય સતામણી કરનાર મૂળ ગુજરાતી ડોક્ટરને ૩ વખત આજીવન કેદની સજા! - Sandesh
  • Home
  • NRI
  • લંડનમાં દર્દીઓની જાતીય સતામણી કરનાર મૂળ ગુજરાતી ડોક્ટરને ૩ વખત આજીવન કેદની સજા!

લંડનમાં દર્દીઓની જાતીય સતામણી કરનાર મૂળ ગુજરાતી ડોક્ટરને ૩ વખત આજીવન કેદની સજા!

 | 5:33 am IST

। લંડન  ।

મૂળ ગુજરાતી જનરલ પ્રેકિટશનર મનીષ નટવરલાલ શાહને લંડનની કોર્ટ દ્વારા ૨૩ મહિલા દર્દીઓની ૯૦ વખત જાતિય સતામણી કરવા માટે ત્રણ વખત આજીવન કેદની સજા કરવામાં આવી છે. મહિલાઓનું યૌન પરિક્ષણ કરતી વખતે ડોકટર દ્વારા તેમની સાથે જાતિય હુમલા કરવામાં આવ્યા હતા. ૫૦ વર્ષનાં મનીષ શાહે લંડનની યુનિવર્સિટીમાંથી ૧૯૯૩માં મેડિકલ ડિગ્રી મેળવી હતી. ૨૦૦૯થી ૨૦૧૩નાં ગાળામાં મહિલા દર્દીઓને ગભરાવવા માટે એન્જલિના જોલી અને જેડ ગૂડી જેવી સેલિબ્રિટીની આરોગ્યને લગતી સમસ્યાઓનું ઉદાહરણ અપાતું હતું તેમ ઈંગ્લેન્ડ અને વેલ્સની હાઈકોર્ટે જણાવ્યું હતું.

મનઘડંત વાર્તા ઘડીને મહિલા દર્દીઓમાં ગભરાટ ફેલાવતો

જજ એની મોલીનેક્સે સજા સંભળાવતા કહ્યું કે મનિષ શાહ એક દગાબાજ હતો અને તેની શક્તિનો દુરુપયોગ કરતો હતો. કોઈ મનઘડંત વાર્તા ઘડીને મહિલા દર્દીઓમાં ગભરાટ ફેલાવતો હતો. તેની વર્તણૂક સેક્સી જ નહોતી પણ મહિલાઓ પર અંકુશ જમાવીને તેને અપમાનિત કરવાની હતી.

મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર તેમજ અન્ય રોગનો ડર ફેલાવતો

મનીષ શાહ ઈસ્ટ લંડનમાં રોમફોર્ડ ખાતે જનરલ પ્રેક્ટિશનસ હતો. તે મહિલા દર્દીઓને નિયમિત ધોરણે સ્તન અને યોનનું પરીક્ષણ કરાવવા કહેતો હતો. ખરેખર કેટલીક મહિલાઓને આવી કોઈ સારવારની જરૂર જ ન હતી. જો મહિલા દર્દી ખચકાટ અનુભવે તો તે સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર તેમજ અન્ય રોગ થવાનો ડર ફેલાવતો હતો. કેટલીક મહિલા દર્દીઓ સાથે તેણે ઘનિષ્ઠ પારિવારિક સંબંધો બાંધ્યા હતા. તેની સાથે અશ્લીલ વાતો કરતો અને શારીરિક છેડછાડ કરીને તેમને આલિંગનમાં લઈને ચુંબન કરતો હતો. તેણે મહિલા દર્દીઓનાં વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો તેમ ક્રાઉન પ્રોસિક્યુશન પૌલ ગોડાર્ડે કહ્યું હતું. પૌલે તેની સામે પૂરાવા રજૂ કરનાર મહિલાઓની પ્રશંસા કરી હતી.

૨૦૧૩માં શાહની ધરપકડ કરાઈ અને ૨૦૧૮માં દોષિત ઠરાવાયો

શાહની સૌ પહેલા ૨૦૧૩માં ધરપકડ કરાઈ હતી. ૨૦૧૮માં તેની સામે ટ્રાયલ ચલાવાઈ હતી. અને અન્ય ૧૮ લોકો સહિત ૨૩ મહિલા દર્દીઓ સાથે ૯૦ વખત જાતીય સતામણીનાં ગુનામાં તેને દોષિત ઠરાવાયો હતો. શાહ દ્વારા વારંવાર ખોટી રીતે શારીરિક પરીક્ષણ કરાવવામાં આવે છે અને મહિલા દર્દીઓની યૌન ક્ષમતાનું પરીક્ષણ કરાય છે તે વાતથી મહિલાઓ અજાણ હતી. તે દર્દીઓને ખોટી ક્લિનિકલ એડવાઈઝ આપીને ગેરમાર્ગે દોરતો હતો.

મનીષ શાહના કાળા કરતૂત

  • મે ૨૦૦૯થી જૂન ૨૦૧૩ । છ મહિલા દર્દીઓ સાથે મોની મેડિકલ સેન્ટર ખાતે જાતીય સતામણી કરવામાં આવી હતી.
  • જુલાઈ ૨૦૧૩ । ચાર મહિલાઓ દ્વારા શાહ વિરુદ્ધ અલગ અલગ ફરિયાદ કરવામાં આવતા મામલો પ્રકાશમાં આવ્યો.
  • ઓગસ્ટ ૨૦૧૭ । શાહ સામે ૧૧૮ જેટલા જાતીય શોષણના ગુના દાખલ કરવામાં આવ્યા.
  • ડિસેમ્બર ૨૦૧૮ ૧૭ મહિલાઓના કેસમાં શાહને દોષિત જાહેર કરવામાં આવ્યો.
  • ડિસેમ્બર ૨૦૧૯ । મોની મેડિકલ સેન્ટરની છ પીડિતાઓની ૨૫ ફરિયાદોમાં પણ શાહ દોષિત જાહેર થયો.
  • ફેબ્રુઆરી ૨૦૨૦ । ૧૫ વર્ષની ૩ આજીવન કારાવાસની સજા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન